હનુમાનજીને ભગવાન શિવના અવતાર માનવામાં આવે છે. શક્તિ, ભક્તિ અને દ્રઢતાનું પ્રતિક છે હનુમાનજી. માન્યતા અનુસાર હનુમાનજીએ પ્રભુ રામને એક વચન આપ્યું હતું કે તે પૃથ્વી પર અદૃશ્ય રૂપમાં રહીને શ્રીરામનું સ્મરણ કરતા કરતા મહાપ્રલય સુધી તેમનો નામ જાપ કરશે. એટલે જ એવી માન્યતા છે કે હનુમાનજી આજે પણ આપણી વચ્ચે હાજર છે. જો હનુમાનજીને સાચ્ચા મનથી યાદ કરવામાં આવે કે પૂજા પાઠ કરવામાં આવે તો તે અવશ્ય પ્રસન્ન થઇ આપની મનોકામનાની પૂર્તિ કરે છે.
અઠવાડિયાના સાત દિવસો કોઇને કોઇ દેવી દેવતાને સમર્પિત કરવામાં આવેલ છે. જેમાં શનિવાર અને મંગળવારના રોજ સંકટમોચનની ઉપાસનાનો મહિમા છે. કહે છે કે મંગળવારના રોજ બજરંગબલીની પૂજા અર્ચના કરવાથી જીવનના દરેક સંકટ દૂર થઈ જાય છે. મંગળવારના દિવસે ભક્તો બજરંગબલીને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ કરે જ છે સાથે વ્રત પણ રાખે છે.
મંગળવારે શા માટે હનુમાન ઉપાસનાનો મહિમા ?
સ્કંદપુરાણ અને પૌરાણિક કથાઓ અનુસાર મંગળવારના દિવસે બજરંગબલીનો જન્મ થયો હતો. આ કારણે જ આ વાર હનુમાનજીને સમર્પિત છે. હનુમાનજીને સંકટમોચન પણ કહેવામાં આવે છે. મંગળગ્રહનો સીધો સંબંધ હનુમાનજી સાથે છે. આ જ કારણથી મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
ક્યારથી મંગળવારનું વ્રત શરૂ કરવું ?
શાસ્ત્રો અનુસાર કોઇ પણ મહિનાના સુદપક્ષના પહેલા મંગળવારથી આ વ્રતનો પ્રારંભ કરવામાં આવે છે. જો તમારા મનમાં કોઇ મનોકામના સાથે આ વ્રતની શરૂઆત કરવા ઇચ્છો તો શ્રદ્ધાનુસાર 21 કે 45 મંગળવારના વ્રતનો સંકલ્પ લેવો જોઇએ. 21 કે 45 મંગળવારનું વ્રત કર્યા બાદ વિધિ વિધાનથી વ્રતની ઉજવણી કરવી જોઇએ
વ્રતના નિયમો
⦁ મંગળવારે વ્રત કરો ત્યારે મન શાંત રાખવું જોઇએ. શાંત મનથી બજરંગબલીનું ધ્યાન ધરવું જોઇએ.
⦁ મંગળવારના દિવસે વ્રત કરનારે એકટાણું કરવું જોઇએ.
⦁ મંગળવારના દિવસે વ્રત રાખનારે મીઠું (નમક)નું સેવન ન કરવું જોઇએ.
⦁ આ દિવસે કોઇ મીઠી વસ્તુનું દાન કરવાથી સમસ્ત કષ્ટોથી મુક્તિ મળવાનની માન્યતા છે.
⦁ મંગળવારના વ્રતમાં પવિત્રતાનું ધ્યાન અવશ્ય રાખવું.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)