સતી દ્રૌપદીનું અપમાન ન કરો! મહાભારતના યુદ્ધ માટે ખરેખર કોણ જવાબદાર હતું?

અહલ્યા દ્રૌપદી સીતા તારા મંદોદરી તથા । પંચકન્યાઃ સ્મરેતન્નિત્યં મહાપાતકનાશમ્ ।।

કહે છે કે નિત્ય સવારે થતું આ ‘પંચસતી’ઓનું સ્મરણ માત્ર પણ મહાપાતકોનો નાશ કરી દે છે. અને કેમ નહીં ! ભારતીય સભ્યતામાં વર્ણિત આ એ નારી પાત્રો છે કે જેનાથી જ તો આ આખોય સંસાર ઊજળો છે. ત્યારે આજે વિશ્વ નારી દિને અમારે કરવી છે અગ્નિજન્મા દ્રૌપદીની વાત.

યજ્ઞમાંથી પ્રગટેલા યાજ્ઞસેની દ્રૌપદીનું સમગ્ર જીવન અગ્નિજ્વાળાઓની દાહ જેવું જ બનીને રહી ગયું. મહાભારતના મહાયુદ્ધનો પૂર્ણ આરોપ ઘણાં લોકો દ્રૌપદી પર જ મુકતાં રહ્યા છે. પણ, વાસ્તવમાં તો દ્રૌપદી એ નારી હતા કે જે પુરુષપ્રધાન સમાજની વચ્ચે પણ સમસ્ત નારીઓના સન્માન માટે લડ્યા. અને અંતે વિજયી પણ બન્યા.

પ્રચલિત કથા એવી છે કે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ જેવી ઈન્દ્રપ્રસ્થની માયા સૃષ્ટિમાં દુર્યોધન ભ્રમિત થયો. અને જળ ભરેલાં કુંડમાં ખાબક્યો. કહે છે કે ત્યારે દ્રૌપદીએ અટ્ટહાસ્ય કરી દુર્યોધનને “આંધળાનો પુત્ર આંધળો” કહ્યો. અને પછી આ જ ઘટનાએ મહાભારત યુદ્ધના મંડાણ કર્યા. પરંતુ, મહાભારતમાં તો દ્રૌપદીનો અત્યંત વિદુષી, અત્યંત સદગુણી અને સદૈવ મનને વશમાં રાખનારી એક સ્ત્રી તરીકે ઉલ્લેખ કરાયો છે. અને શું એક આવી નારી આવાં શબ્દ બોલી શકે ?

વેદવ્યાસ રચિત મહાભારતના સભાપર્વમાં આ સંપૂર્ણ ઘટનાક્રમનું વર્ણન છે. અને તેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ઈન્દ્રપ્રસ્થની રચનાથી ભ્રમિત થયેલો દુર્યોધન જળમાં પડ્યો. તેની અવદશા જોઈ ભીમસેન, અર્જુન, નકુળ અને સહદેવ હસી પડ્યા. પરંતુ, આ ઘટનામાં ક્યાંય પણ દ્રૌપદીના હસવાનો કે દુર્યોધનને અપશબ્દ બોલવાનો કોઈ જ ઉલ્લેખ નથી. વાસ્તવિકતા તો એ છે કે રાજસુય યજ્ઞ વખતની ઈન્દ્રપ્રસ્થની ભવ્યતા અને પાંડવોનું સુખ દુર્યોધનને અત્યંત ખૂંચ્યું હતું. અને ત્યારે જ તેણે કરી લીધો હતો પાંડવો પાસેથી ‘સંપત્તિ’ અને સ્વયં ‘દ્રૌપદી’ને પડાવી લેવાનો નિર્ધાર.

મહાભારતના આદિપર્વમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે તે કાળમાં આ પૃથ્વી પર દ્રૌપદી જેવી સુંદર નારી અન્ય કોઈ જ ન હતી. અને એ જ કારણ હતું કે અનેક ક્ષત્રિય યોદ્ધાઓની નજર પહેલેથી જ દ્રૌપદી પર હતી. દ્યૂતક્રિડામાં છળ કરી કૌરવોએ જાણે આ તક ઝડપી લીધી. પણ, એ દ્રૌપદીનું ‘સતીત્વ’ જ તો હતું કે તેની રક્ષાર્થે સ્વયં દ્વારિકાધીશ ગુપ્તપણે હસ્તિનાપુર પધાર્યા અને દ્રૌપદીના ચીર પૂર્યા.

તેમની સાથે થયેલાં આ અપમાન માટે દ્રૌપદી કૌરવોને ક્ષમા કરવા ક્યારેય તૈયાર ન હતા. પરંતુ, તેમની સાથે જે ઘટ્યું તેને જોતાં દ્રૌપદી યથાયોગ્ય પણ હતા. દ્રૌપદીએ કૌરવોનો નાશ ન થાય ત્યાં સુધી કેશને છૂટા જ રાખવાનું પ્રણ લીધું. અને તેના એ જ છૂટા કેશે પાંડવોમાં કૌરવો સાથેના પ્રતિષોધની આગને પ્રજ્વલિત રાખી. ઉલ્લેખનિય છે કે દ્રૌપદીએ વનવાસ સમયે પણ સદૈવ યુદ્ધની જ વાત કરી. પરંતુ, આ વાત તેમણે હંમેશા ‘શાસ્ત્રો’ના આધાર સાથે કરી.

મહાભારતના વનપર્વમાં ઉલ્લેખ છે તેમ ધર્મરાજાએ જ્યારે દ્રૌપદીને બધું જ સમય પર છોડી દેવાં કહ્યું, ત્યારે દ્રૌપદીએ તેમને સ્પષ્ટપણે કહી દીધું કે, “હે ધર્મરાજ ! જો હિમાલય જેવાં પર્વતને પણ રોજ ખાવામાં આવે, અને તેમાં વૃદ્ધિ ન થાય તો થોડાં દિવસમાં તે પણ ક્ષિણ થઈ જાય છે. અને એટલે જ સમજદાર માણસે કર્મ અવશ્ય જ કરવું. જે ભાગ્ય પર ભોરોસો રાખીને હાથ પર હાથ મુકીને બેઠાં રહે છે, કર્મ ન કરીને આળસ્યમય જીવન વ્યતિત કરે છે, તે પાણીમાં ડૂબેલા કાચા ઘડાની જેમ જ ઓગળી જાય છે.”

મહાભારતના ઉદ્યોગપર્વમાં વર્ણન છે તે અનુસાર જ્યારે કૌરવો સાથે યુદ્ધ કરવું કે સંધિ તે સંબંધી મંત્રણા ચાલી રહી હતી તે સમયે દ્રૌપદી શાસ્ત્રનો જ આધાર આપીને શ્રીકૃષ્ણને કહે છે કે, “હે જનાર્દન ! શાસ્ત્રનો મત છે કે જે દોષ ‘અવધ્ય’નો વધ કરવામાં લાગે છે, તે જ દોષ ‘વધ્ય’નો વધ ન કરવામાં પણ લાગે છે. અને એટલે જ જો દુર્યોધન એક મુહૂર્ત પણ જીવતો રહે છે, તો અર્જુનની ધનુર્ધરતા અને ભીમસેનની બળવત્તાને ધિક્કાર છે.”

અંતે મહાભારતનું યુદ્ધ થયું અને તેમાં શું ઘટ્યું તે તો સર્વ વિદિત છે. પરંતુ, આ યુદ્ધ કૌરવોના કર્મોનું જ પરિણામ હતું. નહીં કે દ્રૌપદીની જીદનું.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)