કોલ્હાપુરમાં માતા મહાલક્ષ્મીનું આગમન કેવી રીતે થયું? જાણો કરવીર નિવાસી અંબાબાઈનો મહિમા

મહાલક્ષ્મી શબ્દનું ઉચ્ચારણ કરતાં જ ભક્તો મનમાં સહજપણે જ કોલ્હાપુરની માતા મહાલક્ષ્મીનું સ્મરણ થઈ આવતું હોય છે. માતા મહાલક્ષ્મીનું મંદિર એ મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના મહાદ્વાર રોડ પર સ્થિત છે. શ્રીકરવીર નિવાસિની અંબાબાઈ મહાલક્ષ્મી મંદિરના સાનિધ્યે પગ મૂકતાં જ ભક્તોનું ચિત્ત પ્રસન્નતાથી ઘેરાઈ જાય છે. શ્રીમદ્ દેવીભાગવતમાં વર્ણિત 108 શક્તિપીઠમાં કોલ્હાપુર મહાલક્ષ્મીધામનો ઉલ્લેખ મળે છે. પ્રચલિત માન્યતા એવી છે કે દેવી સતીના ખંડિત વિગ્રહનું ત્રીજું નેત્ર આ જ ભૂમિ પર પડ્યું હતું. તો, મહારાષ્ટ્રની સાડા ત્રણ શક્તિપીઠમાં પણ કોલ્હાપુર શક્તિપીઠ પ્રથમ સ્થાન ધરાવે છે.

શ્વેત શિખરથી શોભતાં આ શ્યામ મંદિરના ગર્ભગૃહમાં દેવી મહાલક્ષ્મીની શ્યામ પ્રતિમાના ભક્તોને દર્શન થઈ રહ્યા છે. માતા મહાલક્ષ્મીનું આ રૂપ અત્યંત દિવ્ય ભાસે છે. શ્રીમદ્ દેવી ભાગવતમાં ઉલ્લેખ અનુસાર, “કોલ્હાપુર મહાસ્થાનમ્ । યત્ર લક્ષ્મી સદાસ્થિતા ।।” અર્થાત્ કોલ્હાપુરનું આ સ્થાનક તો મહાધામ છે. અને અહીં દેવી લક્ષ્મીનો સદાકાળ નિવાસ છે. જેની અનુભૂતિ તો અહીં દર્શન માત્રથી જ શ્રદ્ધાળુઓને વર્તાય છે.

સામાન્ય રીતે પુરાણોમાં દેવી લક્ષ્મીના વાહન તરીકે ગરુડ, ગજરાજ કે ઘુવડનો ઉલ્લેખ મળે છે. પરંતુ, કોલ્હાપુરમાં તો માતા મહાલક્ષ્મી સાથે સિંહ વિદ્યમાન હોઈ શ્રદ્ધાળુઓ તેમને પાર્વતી સ્વરૂપ માને છે. અને આ પાર્વતી સ્વરૂપને ભક્તો કહે છે અંબાબાઈ. સ્કંદપુરાણમાં આ સમસ્ત ક્ષેત્રનો કરવીરક્ષેત્ર તરીકે ઉલ્લેખ મળે છે. અને એટલે જ તો અહીં પાર્વતી સ્વરૂપા લક્ષ્મી કરવીર નિવાસિની અંબાબાઈના નામે પૂજાય છે.

દંતકથા અનુસાર કેશી દૈત્યના પુત્ર કોલ્હાસુરે તેના બાહુબળે દેવતાઓથી લઈ મનુષ્યને ત્રાહિમામ્ પોકરાવી દીધું. દેવતાઓ માતા મહાલક્ષ્મીની શરણે ગયા. માતા મહાલક્ષ્મીએ દુર્ગાનું રૂપ ધારણ કર્યું અને કોલ્હાસુર સાથે યુદ્ધ કર્યું. આ ભયંકર યુદ્ધ દરમિયાન કોલ્હાસુર સમજી ગયો કે તેનું જીવિત રહેવું શક્ય નથી. એટલે મૃત્યુ પૂર્વે જ તેણે દેવીને પ્રાર્થના કરી કે, “હે માતા ! મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. વધ કરી મારો ઉદ્ધાર કરો. પણ, સાથે જ મને વરદાન આપો, કે તમારાં ચરણોથી પાવન થયેલી આ ભૂમિ, મારાં નામે જ ઓળખાતી રહે.”

મહાલક્ષ્મીએ તથાસ્તુના આશિષ આપી કોલ્હાસુરનો ઉદ્ધાર કર્યો. અને પછી દેવતાઓની પ્રાર્થનાથી દેવી અહીં જ સ્થિત થયા. કોલ્હાસુરને આપેલાં વરદાન અનુસાર કરવીરક્ષેત્ર એ ‘કોલ્હાપુર’ના નામે પ્રસિદ્ધ થયું. અને દેવી લક્ષ્મી કોલ્હાપુર મહાલક્ષ્મીના નામે ભક્તોના હૃદયમાં સ્થિત થયા.

( નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)