દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની તિથિએ શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. હિન્દૂ કેલેન્ડર અનુસાર, સમગ્ર વર્ષમાં 12 પૂર્ણિમા તિથિઓ હોય છે, જેમાં શરદ પૂર્ણિમાને વિશેષ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, શરદ પૂર્ણિમાને રાસ પૂર્ણિમા અને કોજાગર પૂર્ણિમાના નામથી પણ ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ભગવાન શ્રીકૃષ્ણ ગોપીઓ સાથે મહારાસ રમ્યા હતા, જેથી તેને રાસ પૂર્ણિમા કહે છે.
તેમજ શરદ પૂર્ણિમાની રાત્રે માતા લક્ષ્મી પૃથ્વી પર વિચરણ કરે છે, જેને કોજાગર પૂર્ણિમાના નામે ઓળખવામાં આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે ખુલ્લા આકાશ નીચે દૂધ-પૌઆ મૂકવામાં આવે છે.
શરદ પૂર્ણિમા 2024 તારીખ
વૈદિક કેલેન્ડર અનુસાર, આ વર્ષે શરદ પૂર્ણિમાની આસો શુક્લ પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબર બુધવારે રાત્રે 8:40 વાગ્યાથી શરૂ થશે, જે 17 ઓક્ટોબરે સાંજે 4:55 વાગ્યા સુધી માન્ય રહેશે. જેથી 16 ઓક્ટોબર, બુધવારે શરદ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવશે.
રવિ યોગમાં છે શરદ પૂર્ણિમા
આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે રવિ યોગ રચાઈ રહ્યો છે. શરદ પૂર્ણિમાના દિવસે સવારે 06:23 વાગ્યાથી સાંજે 07:18 વાગ્યા સુધી રવિ યોગ રહેશે. આ દિવસે ધ્રુવ યોગ પ્રાતઃ કાળથી લઈને સવારે 10:10 વાગ્યા સુધી રહેશે. ત્યારબાદ વ્યાઘાત યોગ છે. શરદ પૂર્ણિમાના દિવસે ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર સાંજે 07:18 વાગ્યા સુધી છે. ત્યારબાદ રેવતી નક્ષત્ર છે. જોકે, શરદ પૂર્ણિમાના સમગ્ર દિવસે પંચક પણ રહેશે.
દૂધ-પૌઆરાખવાનો સમય
16 ઓક્ટોબરે શરદ પૂર્ણિમાના ચંદ્રોદય સાંજે 5:05 વાગ્યે થશે. જણાવી દઈએ કે, શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં ખુલ્લા આકાશ નીચે દૂધ-પૌઆ રાખવામાં આવે છે. આ વર્ષે શરદ પૂર્ણિમાની રાત્રે ખુલ્લા આકાશ નીચે દૂધ-પૌઆ રાખવાનો સમય રાત્રે 08.40 વાગ્યાનો છે. આ સમયથી શરદ પૂર્ણિમાનો ચંદ્રમા 16 કળાઓથી સજ્જ થઈને સમગ્ર સંસારમાં પોતાના કિરણો ફેલાવશે.
શરદ પૂર્ણિમાની રાત્રે દૂધ-પૌઆ કેમ મૂકવામાં આવે છે?
ધાર્મિક માન્યતાઓ અનુસાર, શરદ પૂર્ણિમાની રાતનો ચંદ્રમા સોળે કળાએ ખીલી ઉઠે છે અને આ રાત્રે અમૃતની વર્ષ થાય છે. ચંદ્રમાના કિરણો ઔષધીય ગુણોવાળા હોય છે, જે શીતળતા પણ પ્રદાન કરે છે. જેથી શરદ પૂર્ણિમાની રાત્રે દૂધ-પૌઆ બનાવીને થોડા સમય માટે ચંદ્રના કિરણોમાં રાખવામાં આવે છે, જેથી તે ચંદ્રમાના કિરણોથી ઔષધીય ગુણોવાળી થઇ જાય. તેને ખાવાથી સ્વાસ્થ્ય સુધરે છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)