મા ખોડિયાર (KHODIYAR) તો છે આદ્ય ભવાની. તે તો છે સૌના દુ:ખડા હરતી, પરકૃપાળુ પરમેશ્વરી. જ્યારે જ્યારે જરૂર પડી છે, ત્યારે ત્યારે ‘શક્તિ’એ ધરતી પર અવતાર ધરીને તેમના ભક્તોની રક્ષા કરી છે. ધરતી પર અવતરીત થયેલાં માના આઈ સ્વરૂપો પણ હંમેશા જ તેમના ભક્તોની રક્ષા માટે તત્પર રહ્યા છે. અને મા ખોડલ પણ તેમાંથી જ એક છે. સમગ્ર ગુજરાતમાં મા ખોડલના અનેક સ્થાનકો આવેલા છે. પણ, તેમાં ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકામાં આવેલા રોહિશાળા ધામનો મહિમા જ અદકેરો છે. રોહિશાળા જ મનાય છે મા ખોડિયારનું મૂળ સ્થાનક. કારણ કે, રોહિશાળા જ તો છે મા ખોડિયારની જન્મભૂમિ !
દંતકથા અનુસાર લગભગ 1200 વર્ષ પૂર્વે મા ખોડિયાર આ ધરા પર પ્રગટ થયા હતા. મા ખોડલે તેમના જીવનનો મોટાભાગનો સમય આ ધરા પર જ પસાર કર્યો હતો. અને એ જ કારણ છે કે શ્રદ્ધાળુઓને મન આ ધામના દર્શનનો સવિશેષ મહિમા છે. મા ખોડિયારનું આ સ્થાનક આઈશ્રી આવડ ખોડલના નામે પ્રસિદ્ધ છે. માતા અહીં તેમની છ બેન અને એક ભાઈ સાથે બિરાજમાન છે. અહીં દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓને આ આઠેયના એકસાથે દર્શન થઈ રહ્યા છે.
આઈશ્રી આવડ ખોડલ મંદિરના પરિસરમાં જ વરખડીનું એક પણ વૃક્ષ આવેલું છે. આ વૃક્ષ સદીઓ જૂનું છે. અને છતાંય એવું જ લીલું છે. આ જ વૃક્ષ નીચે પારણામાં મા ખોડલનું પ્રાગટ્ય થયું હોવાની લોકવાયકા છે. અને એ જ કારણ છે કે જે શ્રદ્ધાળુઓ અહીં મા ખોડિયારના દર્શનાર્થે આવે છે, તે આ વરખડીના દર્શન કરવાનું પણ ચૂકતાં નથી. અહીં વૃક્ષ નીચે મા ખોડિયારની અત્યંત ભાવવાહી પ્રતિમાનું સ્થાપન થયું છે.
મા ખોડિયારે સદેહે તો આ ભૂમિ પર કેટલાય દુ:ખિયાના દુ:ખ-દર્દ દૂર કર્યા. અને આજે અહીં મૂર્તિ સ્વરૂપે મા ભક્તોને પરમશાંતિની અનુભૂતિ કરાવી રહ્યા છે. શ્રદ્ધાળુઓનું માનીએ તો પરમકૃપાળુ પરમેશ્વરી મા ખોડલ ક્યારેય કોઈને નિરાશ નથી કરતા. મા ખોડલના તો અનેક પરચા અહીં આવનારા શ્રદ્ધાળુઓને મળતા જ રહ્યા છે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ. )