જ્યારે કૃષ્ણએ છેલ્લી વાર વાંસળી વગાડી, ત્યારે શા માટે તેને તોડીને ફેંકી દીધી?

દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ દેશ અને વિદેશમાં કૃષ્ણ ભક્તો દ્વારા ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તમે ભગવાન કૃષ્ણ સાથે સંબંધિત કથાઓ અને દંતકથાઓ વિશે ઘણું સાંભળ્યું હશે. આજે પણ તોફાની કાનુડાની બાળલિલા સાંભળીને કે વાંચીને બધા આનંદિત થઈ જાય છે. ભગવાન શ્રીકૃષ્ણને બાળપણથી જ વાંસળીનો ખૂબ શોખ હતો.

પુરાણો અનુસાર, જ્યારે તે કંસને મારવા માટે મથુરા જઈ રહ્યા હતા, ત્યારે 11 વર્ષ અને 56 દિવસના સમયગાળા દરમિયાન તેમણે એક ક્ષણ માટે પણ પોતાની પાસેથી વાંસળી છોડી ન હતી કારણ કે જ્યારે તેઓ તેને વગાડતા હતા, ત્યારે ગોપીઓ અને ગાયો સહિત તેના મિત્રો દોડીને આવતા.

આ જોઈને દરેક લોકો મંત્રમુગ્ધ થઈ ગયા હતા, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે કાનુડાએ પોતાની મનપસંદ વાંસળી તોડી નાખી. આવું કેમ થયું અને તેની પાછળની કહાની શું છે, ચાલો જાણીએ.

વૃંદાવનમાં છેલ્લી વાર વાંસળી વગાડી

પુરાણો અનુસાર, જ્યારે ભગવાન કૃષ્ણ તેમના મામા અને રાક્ષસ કંસને મારવા માટે મથુરા જઈ રહ્યા હતા, ત્યારે તેમની મુલાકાત રાધારાણી સાથે થઈ હતી. એવું કહેવાય છે કે જ્યારે ભગવાને રાધારાણીની રજા લેતી વખતે કહ્યું હતું કે, તે ક્યારેય તેને મળી શકશે નહીં, ત્યારે રાધારાણીએ કહ્યું હતું કે, ગોલોક ધામ જતા પહેલા તે ભગવાન કૃષ્ણને માનવ શરીરમાં ફરી એકવાર મળવા માંગે છે. ભગવાને તેમની વિનંતી સ્વીકારી હતી. આ સમય દરમિયાન તેમણે વૃંદાવનમાં છેલ્લી વખત વાંસળી વગાડી હતી અને રાધારાણીને વિદાય આપ્યા બાદ કાનુડાએ વાંસળી વગાડવાનું બંધ કરી દીધું હતું.

…અને તેથી જ તેમણે વાંસળી તોડી

રાધારાણીને વિદાય આપ્યા પછી કૃષ્ણએ ભલે વાંસળી વગાડવાનું છોડી દીધું હોય, પરંતુ તેઓ તેને પોતાનાથી દૂર રાખી શક્યા નહીં. પાછળથી, જ્યારે રાધારાણી છેલ્લી વખત દ્વારકામાં ભગવાન કૃષ્ણને મળ્યા, ત્યારે તેઓએ તેમને કહ્યું કે, હવે પૃથ્વી પરથી તેમના વિદાયનો સમય આવી ગયો છે. આ સમય દરમિયાન રાધારાણીએ કાનુડાને છેલ્લી વાર વાંસળી વગાડવાની વિનંતી કરી અને ભગવાન કૃષ્ણએ વાંસળી વગાડતાની સાથે જ રાધારાણી પોતાનું શરીર છોડીને ગોલોક ધામ ગયા. આ ઘટનાથી ભગવાન કૃષ્ણ એટલા દુઃખી થયા કે તેમણે પોતાની પ્રિય વાંસળી તોડી નાખી.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)