પૃથ્વીમાં સુગંધ અને અગ્નિમાં તેજ પણ ભગવાન જ છે

પુણ્ય:ગન્ધ: પૃથિવ્યાં ચ તેજશ્વાસ્મિ વિભાવસૌ ।

જીવનં સર્વભૂતેષુ તપશ્વાસ્મિ તપસ્વિષુ ॥ 7/9

અર્થ : પૃથ્વીમાં સુગંધ હું છું. અગ્નિમાં તેજ હું છું. પ્રાણીમાત્રનું જીવન હું છું અને તપસ્વીનું તપ હું છું.

જગતમાં સુગંધ સર્વવ્યાપક છે. ઇશ્વર પણ સર્વવ્યાપક છે. ફૂલ, ફળ પાન તેમજ દરેક જીવંત પદાર્થમાં એક પ્રકારની ગંધ-સુગંધ હોય જ છે. ભગવાન કહે છે તેઓ ધરતી પર સુગંધ છે અર્થાત્ જ્યાં જ્યાં સુગંધ મળે ત્યાં ત્યાં ભગવાન મળે જ.

સુગંધ પરસ્પર આકર્ષણ માટેનું જરૂરી તત્ત્વ છે. અગ્નિમાં તેજ અથવા તો તાપ એ પણ ભગવાન પોતે જ છે. અગ્નિની શોધ થયા પછી જ આદિ મનુષ્યના જીવનમાં જબરદસ્ત ક્રાંતિ આવેલી છે. અગ્નિ જેમ નાશ કરે છે તેમ સર્જન માટે પણ અગ્નિ જ જરૂરી છે. મોટાં મોટાં કારખાનાં, યંત્રો, ચૂલા-ચક્કી, વાહનો આ બધું એક અગ્નિથી જ ચાલે છે. અગ્નિ મનુષ્યના દેહમાં જઠરાગ્નિ તરીકે અને મનમાં ક્રોધાગ્નિ તરીકે પણ છુપાયેલ છે. ખાધેલું અન્ન જઠરાગ્નિ પચાવે છે. વ્યક્તિમાં જુસ્સો, હિંમત, સાહસ વગેરે માટે પણ તેના શરીરમાં છૂપેલો ગુપ્ત અગ્નિ જ કારણભૂત બને છે. વળી, આ અગ્નિમાં જે તેજ છે, ઝળહળાટ છે તે સ્વયં શ્રીકૃષ્ણ છે. દરેક જીવંત પ્રાણી(મનુષ્ય, પશુ, પક્ષી, જીવાત, વનસ્પતિ સહિત)નું જીવન પણ ભગવાન પોતે જ છે. ભગવાને દરેકનું જીવન પોતે જ છે એમ કહ્યું છે ત્યારે એમ લાગે છે કે ભગવાને એ રીતે દરેકના જીવનની જવાબદારી ઉપાડી લીધેલી છે. જીવનમાં જે સારું થાય છે તે બધું જ ભગવાનને આધીન છે તે આપણે સ્વીકારવાનું છે. તપસ્વીઓના તપમાં પણ હું જ છું એમ કહીને ભગવાને ધ્યાન-યોગ-મૌન-સાધના દ્વારા જ તેમને સરળતાથી પામી શકાશે એમ પણ સૂચવી દીધું જ છે.

બીજં મા સર્વ ભૂતાનાંવિદ્ધિ પાર્થ સનાતનમ ।

બુદ્ધિર્બુદ્ધિમતાસ્મિતેજસ્વિનામહમ ॥7/10॥

અર્થ : હે પાર્થ! સર્વ ભૂતોનું સનાતન બીજ હું છું. બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું. આ અધ્યાયના જુદા જુદા શ્લોકમાં ભગવાને અર્જુનને પોતે કયા પદાર્થ કે તત્ત્વમાં કયા સ્વરૂપે સમાયેલા છે તેની સમજ આપી છે. ટૂંકમાં, ભગવાન અર્જુનનો શોક દૂર કરવા એવું સમજાવવા સતત પ્રયત્ન કરી રહ્યા છે કે આ સૃષ્ટિમાં જે કંઇ છે તે – હું જ છું. તે મારે લીધે જ છે. તે બધું મને આધીન છે. અહીં તારું કશું નથી. જે કંઇ મારે કરાવવું છે તે હું તારા મારફત કરાવનાર છું. સર્વ ભૂતોનું બીજ હું છું. વ્યક્તિમાં જે બુદ્ધિ છે, તે પણ હું જ છું. તેજસ્વીઓના ચહેરા પર છવાયેલું તેજ પણ હું જ છું.

કોઇ મહાન વિભૂતિને આપણે મળીએ છીએ ત્યારે તેમના ચહેરાના તેજથી આપણે ઘણીવાર અંજાઇ જતા હોઇએ છીએ, કારણ કે એ તેજ પણ સર્વશક્તિમાન ઇશ્વરનું જ હોય છે. સમગ્ર વાતનો સાર એ આવે છે કે ઇશ્વરની ઇચ્છા વિના અહીં પાંદડુંય હલતું નથી. છતાં જોવાની ખૂબી એ છે કે આ સત્ય બધા જ લોકો સ્વીકરે છે તોય પાછા પોતે જ હું કરું, હું કરું, હું જ કરીશ, બીજાની કોઇની તાકાત નથી કે તે અહીં આવી શકે! હું જ કરીશ, હું જ બધાને જોઇ લઇશ. આવા બધા ભાવ લઇને ફરે છે, પરંતુ તે બધું જ મિથ્યા છે. તેનો કોઇ અર્થ નથી. ઈશ્વર વિના કોઇથી કશું થવાનું નથી તેમ માનીને બધાએ જીવન જીવવાનું છે.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)