સૂર્યદેવને દીપદર્શન કેમ નહીં?

ભગવાન સૂર્યનારાયણ અસ્તાચળ તરફ જઈ રહ્યા હતા. પક્ષીઓના વિવિધ અવાજો વચ્ચે ભગવાન સૂર્યનારાયણનો બેચેનીભર્યો અવાજ સંભળાયો, `મારા ગયા પછી આ ભયંકર અંધકાર સામે કોણ ઊભું રહેશે? કોણ આ ઊંડા અંધકારને અવરોધશે?’ દિશાઓના અધિપતિઓ, અગ્નિ, મરુદગુણ, દેવરાજ ઈન્દ્ર વગેરે સૌ મૌન હતા.

કોઈ આ અંધકારને નાથવા તૈયાર ન હતું. એટલામાં જ માટીના નાના કોડિયામાં સળગી રહેલો એક દીપક આગળ આવ્યો અને સંપૂર્ણ સમર્પણની ભાવનાથી આદર સહિત બોલ્યો, `હે દેવ!

આપ નિશ્ચિત બનીને સુખપૂર્વક જાઓ. હું અંધકારનો સામનો કરવા આખી રાત બળતો રહીશ.’ આ સાંભળી સૂર્યદેવ પ્રસન્ન થયા અને ચાલ્યા ગયા. નાનકડો દીપક સંપૂર્ણ નિષ્ઠાથી આખી રાત સળગતો રહ્યો. જ્યારે દીપકનો જરાક કણ બાકી હતો ત્યારે જ ભુવનભાસ્કર ભગવાન સૂર્યનારાયણ દેવ તેમના અરુણ નામના સારથિ વડે સુચારું રીતે હંકારતા રથ પર બેસીને આવતા દેખાયા.

ભગવાન સૂર્યનારાયણ આવતા હતા તે વખતે બધા જ દેવો, દિશાઓ, દિશાપતિઓ, ઈન્દ્ર, અગ્નિ, મરુદગુણ વગેરે સૌ હાથમાં માળા લઈને ભગવાન સૂર્યદેવનું અભિવાદન કરવા આગળ આવીને ઊભા અને ભગવાન સૂર્યદેવની ચારે બાજુ વીંટળાઈ ગયા તથા પોતાની મોટાઈ બતાવવા માંડ્યા, પરંતુ પેલો નાનકડો દીપક તેનું બળીને ખતમ થવા આવેલું જરાક રહી ગયેલું માથું ઊંચું કરીને પણ પોતાના સ્વામી ભગવાન સૂર્યદેવનું ક્ષણભર જેટલું પણ દર્શન કરી શકવા અશક્ત હતો. તે કાંઈ બોલે તે પહેલાં જ શંખધ્વનિ, નગારાં અને ઘંટારવ વચ્ચે ભગવાન સૂર્યનારાયણની સ્તુતિનું ગાન શરૂ થઈ ગયું, `હે નાથ! અમારે તો તમે જ એકમાત્ર સહારો છો. ચીં…ચીં કરતી વ્યાકુળ ચકલીઓને આપ જે સ્થિતિમાં છોડીને ગયા તે બધી એક ક્ષણ પણ અટક્યા વિના હજુ પણ ચિચિયારીઓ કરી રહી છે. તો પછી આપ જ વિચારો કે અમે આપનો આટલો લાંબો વિયોગ કેવી રીતે સહન કર્યો હશે? અમારી આ અશ્રુધારાઓ આપનાં ચરણ ધોઈને ધન્ય બની છે.’

દેવોને સ્તુતિ બહુ જ પ્રિય હોય છે. સૂર્યદેવ સ્તુતિ સાંભળીને પ્રસન્ન થયા અને બોલ્યા, `હે ભક્તો! તમે ધન્ય છો. તમે મહાન સંત અને સંયમી છો. તમોને કંઈ પણ કષ્ટ હોય તો નિસંકોચ મને કહો. હું તે અવશ્ય દૂર કરીશ.’ સૂર્યભક્તોને આ સમૂહ બોલી ઊઠ્યો, `હે મહારાજ! આપ ત્રિલોક ભાસ્કર છો, પરંતુ આ દુષ્ટ ક્ષુદ્ર દીપક આપની બરાબરી કરવા જાય છે અને એમ કરી આપનું અપમાન કરે છે. આ અમારાથી ક્ષણ માટે પણ સહન થતું નથી. તેની ઉપસ્થિતિથી જ અમારાં કુકર્મ અને પાપકર્મ છતાં થઈ જાય છે, આથી આ દુષ્ટ દીપક તો મહાપાપી, પરનિંદક, બીજાના દોષો જોનારો અને પ્રપંચો, કુકર્મ તથા છળકપટ વગેરેનું મૂળ છે. ભગવાન સૂર્યદેવને દીપક કદી જોઈ શકતો હશે? આ તો મહાન પાપ થાય. આપ તો લોકમર્યાદા જાળવનાર મહાન દેવ છો. અમે બીજું શું કહીએ?’

ભગવાન સૂર્યનારાયણની સ્તુતિ કરવાના મોહમાં ડૂબેલા આ બધા દેવોને ક્ષણભર તો લાગ્યું કે આ બધું ખોટું છે. નાના દીપક સામે કરાયેલા બધા જ આક્ષેપો જૂઠા છે. દીપક શિક્ષાપાત્ર નથી, પરંતુ પ્રેમનો અધિકારી છે, પણ હવે શું થાય? પરિસ્થિતિ ઊલટાવવાથી શું સૂર્યભક્તો નારાજ નહીં થાય? સદ્ગુણ ઉપર સંખ્યાનો વિજય થયો. બહુમતીને કારણે નાનો દીપક અપરાધી ઠર્યો. છતાં સંજોગોનો ઊંડો વિચાર કરીને પોતાના ભક્તસમુદાયને પ્રસન્ન કરવા ભગવાન સૂર્યનારાયણે કહ્યું, `દીપકને બુઝાવી દો. મારો હુકમ છે કે તે કદી પણ મારી સામે આવવાની દુષ્ટતા ન કરે.’ તે પછી સૂર્યદેવને દીપદર્શન કરાવવામાં આવતું નથી.

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)