હે દેવી, તમે બહુ વિચિત્ર છો. સંતાન અને ધનથી પણ કોઈ દુ:ખી થાય ખરું! જો તમારી પાસે વધારે ધન હોય તો તેનો શુભ કાર્યોમાં ઉપયોગ કરો, જેનાથી તમારા બંને લોક સુધરે ગુરુવારની વ્રતકથા
પ્રાચીન સમયની વાત છે. એક બહુ પ્રતાપી તથા દાનવીર રાજા હતા. તેઓ દરેક ગુરુવારે વ્રત રાખતા અને દાન-પુણ્ય કરતા, પરંતુ આ બધું તેમની રાણીને ગમતું નહોતું. તેઓ વ્રત તો ન જ કરતાં, સાથેસાથે કોઈને એક પૈસાનું દાન પણ ન કરતાં.
એ તો ઠીક, તે રાજાને પણ આવું બધું કરવાની ના પાડતાં. એક વાર રાજા શિકાર કરવા માટે વનમાં ગયા.
મહેલમાં રાણી અને દાસી જ હતાં. તે સમયે ગુરુ (બૃહસ્પતિ) સાધુનું રૂપ લઈને રાજાના મહેલમાં ભિક્ષા માગવા આવ્યા. સાધુએ રાણી પાસે ભિક્ષા માગી તો તે કહેવા લાગી, `હે સાધુ મહારાજ, હું આ દાન-પુણ્યથી કંટાળી ગઈ છું, તમે કોઈ એવો ઉપાય બતાવો, જેનાથી અમારું બધું જ ધન નષ્ટ થઈ જાય અને હું આરામથી રહી શકું.’
સાધુ વેશધારી ગુરુ દેવે કહ્યું, `હે દેવી, તમે બહુ વિચિત્ર છો. સંતાન અને ધનથી પણ કોઈ દુ:ખી થાય ખરું! જો તમારી પાસે વધારે ધન હોય તો તેનો શુભ કાર્યોમાં ઉપયોગ કરો, જેનાથી તમારા બંને લોક સુધરે.’
સાધુની વાતોથી રાણીને જરાય ખુશી ન થઈ. તેમણે કહ્યું, `મારે એવા ધનની જરૂર નથી, જેને હું દાનમાં દઉં તથા જેને સંભાળવામાં જ મારો બધો સમય નષ્ટ થઈ જાય.’
સાધુએ કહ્યું, `જો તમારી આવી જ ઇચ્છા હોય તો હું તમને જેમ કહું છું તેમ જ કરજો. ગુરુવારના દિવસે તમે ઘરને ગાયના છાણથી લીંપજો, પોતાના કેશને પીળી માટીથી ધોજો, કેશ ધોતી વખતે સ્નાન કરજો. રાજાને હજામત બનાવવાનું કહેજો, ભોજનમાં માંસ ને મદિરાનો ઉપયોગ કરજો. કપડાં ધોબીને ત્યાં ધોવા આપજો. આ પ્રમાણે સાત ગુરુવાર સુધી કરવાથી તમારું સમસ્ત ધન નષ્ટ થઈ જશે.’ આટલું કહીને સાધુ બનેલા ગુરુ દેવ અંતર્ધાન થઈ ગયા.
સાધુના કહ્યા અનુસાર રાણીએ ત્રણ જ ગુરુવાર કર્યા ને તેની બધી જ ધન-સંપત્તિ નષ્ટ થઈ ગઈ. એક ટંકના ભોજન માટે પણ તેઓ વલખાં મારવાં લાગ્યાં. એક દિવસ રાજાએ રાણીને કહ્યું, `હે રાણી, તમે અહીં જ રહો, હું બીજા દેશમાં જાઉં છું, કારણ કે અહીં બધા જ લોકો મને ઓળખે છે, તેથી હું કોઈ નાનું કામ ન કરી શકું.’ આવું કહીને રાજા પરદેશ ચાલ્યા ગયા. ત્યાં તે જંગલમાંથી લાકડાં કાપીને લાવતા અને શહેરમાં વેચતા. આ રીતે તે પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા.
જ્યારે રાજા વગર રાણી અને દાસી દુ:ખી રહેવા લાગ્યાં. એક દિવસ એવો આવ્યો જ્યારે રાણી અને દાસીને ભોજન વગર સાત દિવસ રહેવું પડ્યું. રાણીએ પોતાની દાસીને કહ્યું, `બાજુના નગરમાં જ મારી બહેન રહે છે. તે ખૂબ જ ધનવાન છે. તું એમની પાસે જઈને થોડું ધન લઈ આવે છે, જેથી થોડા દિવસ આપણો ગુજારો થઈ શકે.’
દાસી રાણીની બહેન પાસે ગઈ. તે દિવસે ગુરુવાર હતો. રાણીની બહેન તે સમયે ગુરુવારની કથા સાંભળી રહી હતી. દાસીએ રાણીની બહેનને સંદેશો આપ્યો, પરંતુ રાણીની બહેને કોઈ ઉત્તર ન આપ્યો. જ્યારે દાસીને રાણીની બહેને કોઈ ઉત્તર ન આપ્યો ત્યારે તે બહુ દુ:ખી થઈ અને તેને ક્રોધ પણ આવ્યો. દાસીએ પાછાં આવીને રાણીને બધી જ વાત જણાવી, જે સાંભળીને રાણી પોતાનાં ભાગ્યને કોસવા લાગી.
બીજી બાજુ રાણીની બહેને વિચાર્યું કે મારી બહેનની દાસી આવી હતી, પરંતુ મેં તેને કંઈ ન કહ્યું. કથા સાંભળીને, પૂજન પૂર્ણ કરીને તે પોતાની બહેનના ઘરે ગઈ અને કહેવા લાગી, `બહેન, માફ કરજે, તારી દાસી આવી હતી, પરંતુ જ્યાં સુધી કથા ચાલુ હતી ત્યાં સુધી ન ઊઠી શકાય કે ન બોલી શકાય, તેથી મેં કોઈ ઉત્તર ન આપ્યો. હવે કહો દાસી કેમ આવી હતી?’
રાણીએ કહ્યું, `બહેન, અમારા ઘરમાં અનાજનો એક દાણો નથી.’ આવું કહેતાં કહેતાં રાણીની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. તેણે પોતાની દાસી સહિત ભૂખ્યા રહેવાની વાત પોતાની બહેનને જણાવી. ત્યારે રાણીની બહેને કહ્યું, `ગુરુ (બૃહસ્પતિ) દેવ બધાની મનોકામના પૂર્ણ કરે છે. જુઓ, કદાચ તમારા ઘરમાં અનાજ હોય.’
આ સાંભળીને દાસી ઘરની અંદર ગઈ તો ત્યાં ખાલી પડેલી કોઠી અનાજથી છલોછલ ભરેલી પડી હતી, જે જોઈને તેને ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે આ વાત બહાર આવીને રાણીને કહી, દાસી રાણીને કહેવા લાગી, `હે રાણી, જ્યારે આપણને ભોજન ન મળે ત્યારે આપણે વ્રત જ કરીએ છીએને! તેથી તમારી બહેન પાસેથી આ વ્રત અને કથાની સંપૂર્ણ વિધિ જાણી લો. પછી આપણે પણ આ વ્રત કરીશું.’
દાસીના કહેવાથી રાણીએ પોતાની બહેનને ગુરુવારના વ્રત વિશે પૂછ્યું. બહેને વ્રતની બધી જ વિધિ સમજાવી. રાણી અને દાસીઓએ નક્કી કર્યું કે ગુરુ દેવનું પૂજન જરૂર કરીશું. સાત દિવસ પછી ગુરુવાર આવ્યો ત્યારે બધાંએ વ્રત રાખ્યું. તબેલામાં જઈને ચણા અને ગોળ વીણી લાવ્યાં તે દાળથી કેળ તથા વિષ્ણુ ભગવાનનું પૂજન કર્યું. હવે પીળું ભોજન ક્યાંથી કરવું! તેથી બંને દુ:ખી થયાં, પરંતુ તેમણે વ્રત કર્યું હતું તેથી ગુરુ દેવ પ્રસન્ન હતા. એક સાધારણ વ્યક્તિના રૂપમાં તેઓ બે થાળમાં સુંદર પીળું ભોજન લઈને આવ્યા અને દાસીને જોઈને કહ્યું, `આ ભોજન તારા અને તારી રાણી માટે છે, તેથી તમે બંને આરોગો.’
દાસી ભોજન મેળવીને બહુ પ્રસન્ન હતી. તેણે રાણીને બધી જ વાત જણાવી. ત્યારબાદ તેઓ દરેક ગુરુવારે ગુરુ દેવનું વ્રત અને પૂજન કરવા લાગ્યાં. ગુરુ દેવની કૃપાથી તેમની પાસે ધન આવ્યું, પરંતુ રાણી ફરીથી પહેલાંની જેમ આળસ કરવા લાગી, ત્યારે દાસીએ કહ્યું, `રાણી, તમે પહેલાં પણ આ પ્રમાણે આળસ કરતાં હતાં. તમને ધન રાખવામાં કષ્ટ થતું હતું, તેને કારણે જ બધું ધન નષ્ટ થઈ ગયું. જ્યારે ગુુરુ દેવની કૃપાથી ધન મળી જ રહ્યું છે તો પછી આળસ કેવી! ઘણી મુસીબતો પછી આપણે આ ધન મેળવ્યું છે, તેથી આપણે દાન-પુણ્ય કરવું જોઈએ. ભૂખ્યા મનુષ્યોને ભોજન કરાવો, પરબ શરૂ કરાવો, બ્રાહ્મણોને દાન આપો. કૂવા-તલાવડીનું નિર્માણ કરાવો. મંદિર, શાળા બનાવીને જ્ઞાન આપો, કુંવારી કન્યાઓનું કન્યાદાન કરો અર્થાત્ ધનને શુભ કાર્યોમાં ખર્ચો. જેનાથી કુળનો યશ તો વધશે, પિતૃઓ પ્રસન્ન થશે તથા સ્વર્ગ પણ મળશે.’
દાસીની વાત માનીને રાણી શુભ કાર્યો કરવા લાગી. તેનો યશ ચારે દિશાઓમાં ફેલાવા લાગ્યો. આ લોકમાં સુખ ભોગવીને તેઓ અંતમાં ગોલોકમાં સુખ ભોગવવા લાગ્યાં.
વ્રતવિધિ
આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા તથા કેળની પૂજા કરવાનું વિધાન છે. આ વ્રત દરમિયાન નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
દિવસમાં એક જ વાર ભોજન લો એટલે કે એકટાણું કરવું.
પીળાં વસ્ત્ર ધારણ કરો.
ભોજનમાં પણ ચણા કે ચણાની દાળની વાનગી બનાવવી અને સૌપ્રથમ આરોગવી.
ભોજનમાં મીઠું ન હોવું જોઈએ.
પીળા રંગનાં ફૂલ, ચણાની દાળ, પીળાં કપડાં, ચંદન, કેસર તથા હળદરથી ભગવાન વિષ્ણુ કે ગુરુ (બૃહસ્પતિ)ની પૂજા કરવી. પૂજા પછી ગુરુવારની વ્રતકથા સાંભળવી જોઈએ.
ગુરુવારનું વ્રત કરવાથી ગુરુ (બૃહસ્પતિ) ખુશ થાય છે તથા ધન અને વિદ્યાનો લાભ થાય છે.
આ વ્રત સ્ત્રીઓ અને પુરુષો બંને કરી શકે, પરંતુ સ્ત્રીઓ માટે તે વિશેષ લાભદાયક છે.
આ વ્રતમાં કેળનું પૂજન પણ કરવું.
પૂજન તથા કથાનું વાંચન કે શ્રવણ કર્યા પછી ગુરુ (બૃહસ્પતિ)ની આરતી કરવી જોઈએ.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)