ગણેશ ઉત્સવની રાહ લોકો આખું વર્ષ જોતા હોય છે. ગણેશ ચતુર્થીની ઉજવણી દેશભરમાં ધામધૂમથી થાય છે. જોકે દેશભરમાં મહારાષ્ટ્રનો ગણેશ ઉત્સવ સૌથી પ્રખ્યાત હોય છે. 10 દિવસ માટે ગણપતિજી પોતાના ભક્તોની વચ્ચે રહે છે. ભાદરવા મહિનાના શુક્લ પક્ષની ચતુર્થીથી ચૌદશની તિથિ સુધી ગણેશોત્સવ ચાલે છે.
આ સમય દરમિયાન ગણેશજીની વિધિ વિધાનથી ઘરમાં અને જાહેર જગ્યાઓએ સ્થાપના કરવામાં આવે છે. 10 દિવસ સુધી અલગ અલગ સાંસ્કૃતિક કાર્યક્રમો અને વિશેષ પૂજા અર્ચના પછી દસમા દિવસે ભગવાનનું વિસર્જન કરવામાં આવે છે. લોકો ઘરમાં પણ ગણપતિજીની સ્થાપના કરતા હોય છે. ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે આજે તમને જણાવીએ આ વર્ષે ગણેશ ચતુર્થી કઈ તારીખે આવશે અને ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત કયું છે.
ગણેશ ચતુર્થીની તારીખ
પંચાંગ અનુસાર ભાદરવા મહિનાની ચતુર્થીની તિથિ આ વર્ષે 6 અને 7 સપ્ટેમ્બરે આવી રહી છે. ચતુર્થીની શરૂઆત 6 સપ્ટેમ્બરે બપોરે 3.01 મિનિટથી થશે જે બીજા દિવસે એટલે કે 7 સપ્ટેમ્બરે સાંજે 5.37 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિ અનુસાર ગણપતિ સ્થાપના 7 સપ્ટેમ્બરે કરવામાં આવશે. એટલે કે 17 સપ્ટેમ્બર સુધી ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના થશે અને પછી તેમની વિદાય થશે. ગણેશ વિસર્જન 17 સપ્ટેમ્બર 2024 ના રોજ કરવામાં આવશે.
ગણેશ સ્થાપના અને પૂજાનું મુહૂર્ત
આ વર્ષે ગણેશજીની સ્થાપના કરવા માટે સૌથી શુભ મુહૂર્ત 7 સપ્ટેમ્બરે સવારે 11:10 થી બપોરે 1.39 સુધી રહેશે. આ વર્ષે ગણેશ સ્થાપનાનું મુહૂર્ત 2.29 મિનિટ સુધી ચાલશે. આ સમય દરમિયાન માન-સન્માન અને હર્ષોલ્લાસ સાથે ગણપતિજીનું સ્વાગત કરવામાં આવશે.
(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)