આપણે ત્યાં સૂર્ય ગ્રહની પૂજા પ્રાચીન સમયથી થાય છે

પૃથ્વી પરના સચરાચર જગતમાં સૂર્યનું મહત્ત્વ આદિકાળથી જોવા મળે છે. દિવસે સૂર્યપ્રકાશ અને રાત્રે ચંદ્રપ્રકાશ (ચાંદની) માનવજાત ઉપરાંત પ્રાણી તથા વનસ્પતિની સૃષ્ટિમાં એક પ્રકારની ચેતના – તાજગી લાવે છે.

સૂર્ય પાસેથી મળતી ઊર્જા બાબતે વેદથી માંડીને વિશ્વની તમામ સંસ્કૃતિઓમાં શ્લોક, સુક્તિઓ, સુવાક્યો, પ્રાર્થના, સુભાષિત, સ્તવન, સ્તુતિ, કહેવતો અને રૂઢિપ્રયોગ જોવા મળે છે.

ભારતમાં સૂર્ય ઉપાસના માટે એક ડગલું આગળ વધીને આપણા પૂર્વજો સ્થાપત્ય અને સૂર્યમંદિર દ્વારા સૂર્યની મહત્તા અને ઉપયોગિતાનું જ્ઞાન સામાન્ય લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યા છે.

સૂર્યના અનેક નામો પૈકી આદિત્ય, ભાનુ, ભાસ્કર, દિવાકર, પ્રભાકર, રવિ, અરુણ, અર્ક, તપન, દિનમણિ, માર્તંડ, સવિતા વગેરે વધુ પ્રચલિત છે.

આ ઉપરાંત ભૌમિતિક આકૃતિના આધારે સૂર્યના બે નામ પ્રચલિત છે. (1) કોણાર્ક (2) કોટ્યાર્ક.

ઓરિસ્સામાં આવેલું કોણાર્કનું સૂર્યમંદિર 21 (એકવીસ) અક્ષાંશ ઉપર છે. સૂર્ય પોતાના ભ્રમણમાર્ગમાં વિષુવવૃત્તથી બે રાશિ એટલે કે સાઠ અંશ ચાલ્યો હોય ત્યારે તેની ઉત્તર ક્રાંતિ 21 અંશ લગભગ થાય છે. આથી કોણાર્કનું સૂર્યમંદિર 21 અક્ષાંશના સ્થળે બાંધવામાં આવ્યું છે. તે સમયે સૂર્ય 60 અંશનો ખૂણો કરે છે. ખૂણાનો સૂર્ય માટે જ કોણાર્ક નામ આપવામાં આવ્યું છે. આ રીતે કોણાર્ક નામ આવ્યું છે.

સૂર્યના પ્રાચીન મંદિરો સૂર્યની કોઇ ને કોઇ મહત્ત્વની સ્થિતિના દર્શક છે. આ રીતે મોઢેરાનું સૂર્યમંદિર કર્ણાર્ક સ્થિતિ સૂચવે છે. સૂર્યનારાયણ વસંત સંપાત 21 માર્ચે તથા શરદ સંપાત 23 સપ્ટેમ્બરે વિષુવવૃત્ત ઉપર હોય છે. સૂર્ય જ્યારે વિષુવબિંદુથી ત્રણ રાશિ (90 અંશ) ઉત્તર તરફ ગતિ કરે છે ત્યારે તેના ભ્રમણમાર્ગમાં તે 90 અંશના ખૂણા ઉપર હોય છે. આ વખતે વિષુવવૃત્ત પાયો બને છે. અને ઉત્તરાયન બિંદુ તેનો લંબ બને છે. આથી નૈસર્ગિક રીતે જ કાટખૂણ ત્રિકોણ બને છે. આમ 21 માર્ચે સૂર્ય વિષુવવૃત્ત ઉપર અને 22 જૂને ઉત્તરબિંદુ ઉપર (કર્કવૃત પર) હોય છે.

હવે ઉત્તરબિંદુ અને વિષુવવૃત્તને સાંધનારી લીટી કર્ણ બને છે. સૂર્યના ભ્રમણ માર્ગને ક્રાંતિવૃત્ત કહે છે. સૂર્ય ક્રાંતિવૃત્તના 90 અંશે હોય ત્યારે તેની ઉત્તર ક્રાંતિ સાડા ત્રેવીસ અંશ (23 અંશ- 30 કળા) હોય છે અને વિષુવવૃત્તથી ઉત્તરે સાડા ત્રેવીસ અંશ એટલે કર્કવૃત્તનો વિસ્તાર. જ્યાં આપણું મોઢેરાનું સૂર્યમંદિર છે.

મોઢેરાના સૂર્યમંદિરમાં જે સૂર્યપ્રતિમા હશે તેને કર્ણાર્કની કે કર્ણાદિત્યની પ્રતિમા કહી શકાય, કેમ કે તે સમયે સૂર્ય વિષુવબિંદુ અને ઉત્તરબિંદુ વચ્ચે કર્ણ રેખા ઉત્પન્ન કરે છે. સોલંકી રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ કર્ણ હતું. કર્ણ નામનો રાજા અને સૂર્ય દ્વારા ભૌમિતિક આકૃતિની દૃષ્ટિએ કર્ણ ઉત્પન્ન કરે છે. આમ બંને કર્ણના નામ સામ્યથી મોઢેરાનું સૂર્યમંદિર કર્ણાદિત્ય કહેવાતું હશે તેવી કલ્પના કરી શકાય.

ખડાયતાના ઇષ્ટદેવ ભગવાન કોટ્યાર્ક કહેવાય છે તે પણ આ કારણે હોઇ શકે છે. સૌરાષ્ટ્રમાં તરુણાદિત્ય નામના સૂર્યનું મંદિર હતું તેવો ઉલ્લેખ વલભી સંવત 574ના એક તામ્રપત્રમાં મળે છે. આ તરુણાદિત્ય એ હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના થાન પાસે આવેલ જૂના સૂરજદેવળને અનુલક્ષીને હોઇ શકે છે. સૂરજદેવળની નજીકમાં જ ત્રિનેત્રેશ્વર (તરણેતર) પ્રાચીન તીર્થ આવેલું છે. કર્કવૃત્ત નજીક આવેલા અમદાવાદ જિલ્લાના માંડલ ગામમાં પણ પ્રાચીન સૂર્ય પ્રતિમા મળે છે.

ઇતિહાસમાંથી જાણવા મળે છે કે આપણે ત્યાં સૂર્યપૂજા વલભી રાજ્યમાં તથા ત્યારપછી સોલંકી રાજાઓના રાજ્યકાળમાં વધારે પ્રચલિત બની છે. ઉત્તર ગુજરાતમાંથી સૌરાષ્ટ્ર, કચ્છ, મધ્ય ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં સ્થળાંતર પામેલ બ્રાહ્મણો તથા અન્ય વર્ગમાં આજે પણ સૂર્યપૂજા અને તેના અનુસંધાને રાંદલ દેવી- રન્નાદેની પૂજા જીવનમાં અગત્યનો ભાગ ભજવે છે.

પ્રાચીન ભારતીય જ્યોતિષશાસ્ત્રના સાહિત્યમાં વર્ષના બાર ચાંદ્રમાસ દરમિયાન સૂર્યના બાર અલગ અલગ નામનો ઉલ્લેખ મળે છે. આની પાછળ અમુક ખગોળીય રહસ્યો હોય છે તેની વિગતવાર ચર્ચા ભવિષ્યમાં કરીશું.

મોઢેરાના સૂર્યમંદિરમાં જે સૂર્યપ્રતિમા હશે તેને કર્ણાર્કની કે કર્ણાદિત્યની પ્રતિમા કહી શકાય. કેમ કે તે સમયે સૂર્ય વિષુવબિંદુ અને ઉત્તરબિંદુ વચ્ચે કર્ણ રેખા ઉત્પન્ન કરે છે. સોલંકી રાજાઓમાં સિદ્ધરાજ જયસિંહના પિતાનું નામ કર્ણ હતું

(નોંધ: અહ્યા અપાયેલી માહિતી ધાર્મિક અને લોક માન્યતા પર આધારિત છે. આનું કોઈ વૈજ્ઞાનિક પુરાવો નાં હોઈ સકે. સામાન્ય હિત અને માહિતી ને ધ્યાન માં રાખીને અહ્યાં આ માહિતી ને અમે પ્રસ્તુત કરી રહ્યા છીએ.)