સસ્પેન્સ થ્રિલર વાર્તાઓ પ્રેક્ષકોમાં પોતાનું અલગ આકર્ષણ ધરાવે છે.દિગ્દર્શક અતુલ સભરવાલ 1993નો સમયગાળા પર આધારિત એક સઘન અને રસપ્રદ વાર્તા લઈને આવ્યાં છે, આ ફિલ્મમાં તેમનું ચુસ્ત ડિરેક્શન અને એક્ટર્સની જોરદાર એક્ટિંગ ફિલ્મને અલગ લેવલે લઈ જાય છે .ફિલ્મનું નામ ભલે બર્લિન હોઈ, પરંતુ તેનો જર્મનીના બર્લિન સાથે કોઈ સંબંધ નથી. વાર્તા 1993ની દિલ્હીની છે જ્યાં બ્યુરો નામની ગુપ્તચર એજન્સીના સોવિયેત ડેસ્કના વડા જગદીશ સોઢી (રાહુલ વોઝ) એક બહેરા અને મૂંગા યુવક અશોક (ઈશ્વાક સિંહ)ની શંકાસ્પદ જાસૂસ અને ખૂની તરીકે ધરપકડ કરે છે
અશોક પર 1993 માં ભારતની મુલાકાત દરમિયાન રશિયાનાં રાષ્ટ્રપતિ બોરિસ યેલત્સિનની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે. આ ઉપરાંત તેનાં પર ભારતીય ગુપ્તચર વિભાગનાં જાસૂસની હત્યા કરવાનો પણ આરોપ છે. જગદીશ તેને જર્મન જાસૂસ માને છે. બહેરા અને મૂંગા અશોકની પૂછપરછ કરવા માટે સાંકેતિક ભાષાના સ્પેશ્યલિસ્ટ અને એક બહેરા અને મૂક શાળામાં શિક્ષક પુષ્કિન વર્મા ( અપારશક્તિ ખુરાના)ની નિમણૂક કરવામાં આવી છે. જેમ જેમ પુષ્કિન અશોક સાથે તેની પૂછપરછમાં આગળ વધે છે, તેમ તેને જાસૂસો, અમલદારશાહી, રાજકારણ અને હરીફ જાસૂસ વિભાગની પાંખની કામગીરી વિશેનું કાળું સત્ય જાણવા મળે છે.
પુષ્કિન પોતાને ખતરનાક જાસૂસી કાવતરામાં ફસાયેલો ગણે છે. હરીફ જાસૂસી સંસ્થા વીંગ તેનો ઉપયોગ બાઈટ તરીકે કરે છે અને તપાસને એવા ભયાનક વળાંક પર લઈ જાય છે જેની પુષ્કિને ક્યારેય કલ્પના કરી ન હતી, પરંતુ પુષ્કિન અશોક વિશે સત્ય શોધવા માટે મક્કમ છે. લેખક-દિગ્દર્શક અતુલ સભરવાલ અગાઉ વેવ સિરીઝ જુવાલીમાં ચમક્યાં હતાં. તેઓએ મિડનાઇટ લોસ્ટ એન્ડ ફાઉન્ડ અને ઔરંગઝેવનું લેખન અને નિર્દેશન કર્યું છે. ડાર્ક એન્ડ ઇન્ટેન્સ ડ્રામા તેની શૈલી છે અને તે બર્લિનમાં પણ તે જ શૈલીને વળગી રહે છે. ફિલ્મનું રસપ્રદ પાસું એ છે કે સસ્પેન્સ એક પછી એક સ્તરે પ્રગટ થાય છે, જો કે ફિલ્મની ગતિ થોડી ધીમી છે, પરંતુ તેની થ્રિલર શૈલી દર્શકોને જકડી રાખે છે.
છેલ્લાં ઘણાં સમયથી જાસૂસીની દુનિયા ભારત અને પાકિસ્તાન વગેરે વિષયો પર જ ફિલ્મ બને છે, પરંતુ અતુલ સભરવાલે રશિયન રાષ્ટ્રપતિની હત્યાના ષડયંત્ર અને દેશની ગુપ્તચર એજન્સીમાં ફેલાયેલાં આંતરિક રાજકારણને દોષી ઠેરવે છે. અતુલની વાર્તાનું આ પાસું પણ રસપ્રદ છે કે કેવી રીતે દિલ્હીમાં બર્લિન નામના કોફી હાઉસમાં ગુપ્ત વાતચીતોને ગુપ્ત રાખવા માટે બહેરા અને મૂંગા લોકોનો ઉપયોગ કરવામાં આવે છે. પટકથા જટિલ છે, તેથી દ્રશ્યો ચૂકી શકતાં નથી, અન્યથા વાર્તા સાથે જોડાણ ગુમાવી શકાય છે.આઈરીન મલિકનું એડિટિંગ ચુસ્ત છે. સિનેમેટોગ્રાફર શ્રીદત્ત નામજોશીની સિનેમેટોગ્રાફી રહસ્યને વધુ ગહન કરે છે. બેકગ્રાઉન્ડ સંગીત જોરદાર છે. ફિલ્મનો ક્લાઈમેક્સ ચોંકાવનારો છે, પરંતુ ખૂબ જ ઝડપથી સમાપ્ત થઈ જાય છે. અભિનયની બાબતમાં કલાકારો મોખરે છે.
અશોક તરીકે ઈશ્વાક સિંહ બહેરા-મૂંગા પાત્રમાં તેની આંખો અને અભિવ્યક્તિઓથી દિલ જીતી લે છે. અપારશક્તિ ખુરાનાની દરેક ફિલ્મોની જેમ આ ફિલ્મમાં પણ એક્ટિંગ જોરદાર છે. તેની અને ઈશ્વાક વચ્ચેની કેમિસ્ટ્રી અને પાત્રો વચ્ચેનો પરસ્પર સંબંધ હૃદયમાં વેદના સર્જે છે. બંને પાત્રો સાંકેતિક ભાષામાં વાત કરતાં જોવાનું રસપ્રદ છે. રાહુલ બોસ એક શાર્પ ડિટેક્ટીવ તરીકે પ્રભાવશાળી છે. કબીર બેદી, દીપક કાજી અને અનુપ્રિયાએ નાની નાની ભુમિકા ખૂબ જ સારી રીતે ભજવી છે.
►શા માટે આ ફિલ્મ જોવી જોઈએ ? :
જેઓ જાસૂસી અને થ્રિલર ફિલ્મોના શોખીન છે અને જે તેનાં શ્રેષ્ઠ અભિનય પસંદ કરે છે તેઓએ આ ફિલ્મ જોવી જોઈએ .