રકુલપ્રીત સિંઘ તેલુગુ અને હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી ફિલ્મોમાં કામ કરી ચુકી છે. તે માને છે કે આ દુનિયામાં ટકી રહેવા માટે તમારે અત્યંત શિસ્તનું પાલન કરવું પડે છે કારણ કે કલાકારોના ઓન્ટ્રાજ સહિત તમને સતત સલાહ આપવા ઘણા લોકો મળી રહેશે. તાજેતરમાં રકુલે એક પોડકાસ્ટ શોમાં હાજરી આપી હતી. જેમાં શોના હોસ્ટ દ્વારા તાજેતરમાં રોહિત શેટ્ટીએ કરેલાં નિવેદન વિશે રકુલને પ્રશ્ન પૂછાયો હતો કે, આજકાલ મલ્ટી સ્ટારર ફિલ્મ બનાવવી બહુ અઘરી છે કારણ કે યુવા કલાકારો તેમના ઓન્ટ્રાજથી બહુ જ પ્રભાવિત હોય છે.
શું કોઈ કલાકારનું ઓન્ટ્રાજ તમને ઇનસિક્યોર બનાવી શકે, આ પ્રશ્નના જવાબમાં રકુલે કહ્યું હતું,’હા, સાચી વાત છે. તમારે જે સાંભળો એ બધું જ માની લો એટલા મુર્ખ રહેવું પડે છે. ઘણા લોકો તમને ઘણી સલાહ આપશે, પણ તમારે તમારા મગજનો ઉપયોગ કરવો પડશે. રોહીત સરે જે કહ્યું તે કદાચ સાચું હશે. સાઉથમાં, હજુ પણ જૂની એક જ મેનેજરની સિસ્ટમ ચાલે છે. ત્યાં મોટા ઓન્ટ્રાજ હોતા નથી, તમારી પોઝીશન બનાવી રાખવા માટે શું સારું છે અને શું ખરાબ એ કહેવા વાળા દસ લોકો તમારી આસપાસ નથી હોતા.’
રકુલે આગળ જણાવ્યું, ‘તેમને સાંભળવા અને તેમનું માન રાખવું પણ જરૂરી છે. તેઓ શું કહી રહ્યા છે તે એ જાણતા હોય છે, પરંતુ તમને જે યોગ્ય લાગે એ જ કરો. એક એક્ટર તરીકે તમે જે કંઈ કરશો એ જાહેર વર્તન જ ગણાશે, તો તમારા દરેક પગલાં માટે તમે જ જવાબદાર ગણાશો.’
આગળ રકુલે તેના કલીગ્ઝ સાથે ગોસિપના બદલે ભોજન અને કસરતથી કેવી રીતે સારા સંબંધ બનાવી શકાય તે અંગે કહ્યું, ‘તમે તમારી આસપાસ જેવા લોકોને રાખો છો, તમે એવા જ બનતા જાઓ છો. તમે દિવસમાં મોટા ભાગનો સમય તમારી ટીમના હેર, મેકઅપ કરતાં કે સ્પોટબોય સાથે વિતાવો છો, તો તમારે એ જાણવું જરૂરી છે કે તેઓ કેવા પ્રકારના લોકો છે. મને સવારે 7 વાગ્યામાં કોઈની ગોસિપ સાંભળવી ગમતી નથી. મને કોઈની લાઈફ વિશે સાંભળવામાં કોઈ રસ નથી.’
બોલિવૂડમાં ટકી રહેવું કેટલું અઘરું છે, તે અંગે રકુલે કહ્યું, ‘પીઆર, સતત લોકોની નજરમાં રહેવું અને બ્રાન્ડ્ઝ સાથે કામ કરવું આ ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે બહુ જરૂરી છે. એ હું ધીરે ધીરે શીખી છું. મને નહોતી ખબર કે પ્રમોશન્સ માટે મારે સ્ટાઇલિસ્ટ રાખવા પડે. મારી ફિલ્મનું પ્રમોશન શરૂ થયું એની પહેલાં જ મને એ ખબર પડી અને મને થયું, ‘હે ભગવાન, આ તો કેટલું મોંઘું પડે.’ આ 12 વર્ષ પહેલાની વાત છે. સ્ટાઇલિસ્ટ બહુ મોંઘા હોય છે. એ લોકો એક ઇવેન્ટ અને એક કપડાંના 15 હજારથી એક લાખ સુધી વસુલે છે. તમે આ બધાથી જ શીખો છો.’ તાજેતરમાં રકુલે ‘ઇન્ડિયન 2’ કરી છે અને તે હવે ‘દે દે પ્યાર દે 2’માં અજય દેવગન સાથે જોવા મળશે.