અમિત જી 82 વર્ષના છે અને હજુ પણ દિવસમાં 10 કલાક કામ કરે છે

રજનીકાંત અને અમિતાભ બચ્ચન ૩૩ વર્ષ પછી સાથે કામ કરી રહ્યા છે. તેઓ એક તામિલ ફિલ્મમાં સાથે આવી રહ્યા છે જેનું નામ છે ‘વેટયન’, જેનો અર્થ થાય છે શિકારી. રજનીકાંત આ ફિલ્મમાં શીર્ષક ભૂમિકા ભજવી રહ્યા છે અને અમિતાભની આ પહેલી તામિલ ફિલ્મ છે. ૧૦ ઑક્ટોબરે રિલીઝ થનારી આ ફિલ્મના ચેન્નઈમાં યોજાયેલા ઑડિયો-લૉન્ચ વખતે રજનીકાંતે અમિતાભ બચ્ચન વિશે લાગણીસભર વાતો કરી હતી.

અમિતાભ બચ્ચન પર આવી પડેલા આર્થિક સંકટ અને એમાંથી તેઓ કેવી રીતે બહાર નીકળ્યા એની વાત કરતાં રજનીકાંતે કહ્યું હતું કે ‘અમિતજી જ્યારે ફિલ્મો પ્રોડ્યુસ કરી રહ્યા હતા ત્યારે તેમને ખૂબ આર્થિક નુકસાન થયું હતું. તેમની પાસે પોતાના વૉચમૅનને આપવા માટે પણ પૈસા નહોતા. તેમનું જુહુનું ઘર જાહેર હરાજીમાં આવી ગયેલું. આખું બૉલીવુડ તેમના પર હસી રહ્યું હતું. દુનિયા તમારા પડવાની રાહ જ જોતી હોય છે. જોકે ત્રણ જ વર્ષમાં તેમણે જાહેરખબરોમાં ખૂબ કામ કર્યું, ‘કૌન બનેગા કરોડપતિ’થી ખૂબ કમાયા અને જુહુના ઘર ઉપરાંત બાકીનાં ત્રણ ઘર પાછાં ખરીદી લીધાં. તેઓ પ્રેરણારૂપ છે. તેઓ ૮૨ વર્ષના છે અને દરરોજ ૧૦ કલાક કામ કરે છે.’

અમિતાભ બચ્ચનના ઍક્સિડન્ટ વિશે જાણીને ઇન્દિરા ગાંધી તરત વિદેશથી ભારત પાછાં ફર્યાં

રજનીકાંતે અમિતાભ બચ્ચનને થયેલા ભયંકર અકસ્માત વિશેનો એક કિસ્સો બયાન કરતાં કહ્યું, ‘એક વાર અમિતાભજીને ભયંકર અકસ્માત નડ્યો હતો. એ વખતે ઇન્દિરા ગાંધી કોઈ કૉન્ફરન્સ માટે વિદેશ ગયાં હતાં. તેમને જ્યારે ઍક્સિડન્ટની ખબર પડી ત્યારે તરત તેઓ ભારત પાછાં ફર્યાં. ત્યારે જઈને બધાને ખબર પડી કે અમિતાભજી અને રાજીવ ગાંધી સાથે ભણ્યા હતા.’

અમિતાભ બચ્ચને પણ રજનીકાંતનાં વખાણ કર્યાં : હમના શૂટિંગ વખતે બ્રેક દરમ્યાન હું મારી AC ગાડીમાં આરામ કરતો, રજનીકાંત જમીન પર લંબાવતા

જે ઇવેન્ટમાં રજનીકાંતે અમિતાભ બચ્ચન વિશે વાતો કરી એમાં બિગ બી પોતે તો હાજર નહોતા, પણ તેમણે એક વિડિયો રેકૉર્ડ કરીને મોકલ્યો હતો અને એમાં તેમણે રજનીકાંતનાં વખાણ કર્યાં હતાં.અમિતાભ અને રજનીકાંતે છેલ્લે ૧૯૯૧ની હિન્દી ફિલ્મ ‘હમ’માં સાથે કામ કર્યું હતું, એ પછી તેઓ હવે સાથે કામ કરી રહ્યા છે. ‘હમ’ના શૂટિંગ વખતે જોયેલી રજનીકાંતની સાદગી વિશે અમિતાભે વિડિયો-મેસેજમાં કહ્યું, ‘ફિલ્મ ‘હમ’ના શૂટિંગ વખતે બ્રેક દરમ્યાન હું મારી ઍર-કન્ડિશન્ડ (AC) ગાડીમાં આરામ કરતો હતો અને રજનીકાંત જમીન પર લંબાવતા હતા. તેમને આટલા સિમ્પલ જોઈને હું મારી ગાડીમાંથી બહારી આવીને આરામ કરતો હતો.’