મારા પહેલવહેલા શૉટ માટે હું આખો દિવસ અને આખી રાત રાહ જોઈને બેસી રહેલી

કરીના કપૂરે ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં પચીસ વર્ષ પૂરાં કર્યાં છે એની ઉજવણી ચાલી રહી છે ત્યારે તેણે પોતાની પહેલી ફિલ્મ ‘રેફ્યુજી’ના સૌપ્રથમ દિવસની વાતો શૅર કરી છે. ‘રેફ્યુજી’થી અભિષેક બચ્ચને પણ બૉલીવુડમાં પ્રવેશ કર્યો હતો અને એ ફિલ્મ જે. પી. દત્તાએ ડિરેક્ટ કરી હતી.

કરીના એ વખતે ૧૯ વર્ષની હતી. પોતાની પહેલી ફિલ્મના પહેલા દિવસે પહેલવહેલો સીન ભજવવા તે સ્વાભાવિક રીતે ઉત્સુક હતી અને નર્વસ પણ.

જોકે એ માટે તેણે ખૂબ રાહ જોવી પડી હતી. એના વિશે કરીનાએ એક ઇન્ટરવ્યુમાં વાત કરી છે. કરીના કહે છે, ‘મારા પહેલા શૉટ માટે મારે આખો દિવસ રાહ જોવી પડી હતી, રીતસર આખો દિવસ; એ છતાંય મારો વારો ન આવ્યો. એ પછી હું આખી રાત રાહ જોતી રહી, એ છતાંય કંઈ ન થયું.

મારા મનમાં વિચારો ચાલી રહ્યા હતા કે આ શું થઈ રહ્યું છે, શૂટિંગ ખરેખર શરૂ થશે કે નહીં. આખરે સવારે પોણાચાર વાગ્યે અસિસ્ટન્ટ ડિરેક્ટર મારી પાસે આવ્યો અને બોલ્યો : શૉટ ઇઝ રેડી, આ તમારો ઇન્ટ્રોડક્શન શૉટ છે. એમાં મારે ઘૂંઘટ ઉઠાવીને પૂછવાનું હતું, પાની મિલેગા? જે.પી. દત્તા ‘કૅમેરા, રોલિંગ, ઍક્શન બોલ્યા;’ હું ઘૂંઘટ ઉઠાવીને ‘પાની મિલેગા?’ બોલી અને તેમણે કહી દીધું ‘કટ.’ એક જ ટેકમાં શૉટ ઓકે થઈ ગયો.’