ગુજરાતી ફિલ્મો છેલ્લાં કેટલાક વખતથી વૈવિધ્યસભર વિષયવસ્તુ સાથે બની રહી છે, ત્યારે રાષ્ટ્રિય સ્તરે હવે ગુજરાતી ફિલ્મોની નોંધ લેવાતી થઈ છે, અને નેશનલ એવોર્ડ સહીતનાં એવોર્ડઝ પણ મળતા થયા છે. હવે વધુ એક ગુજરાતી ફિલ્મને આંતરરાષ્ટ્રિય સ્તરનો એવોર્ડ મળ્યો છે.
ગુજરાતી ફિલ્મ ‘મારણ’નેશિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ 2024માં બેસ્ટ ફીચર ફિલ્મ કેટેગરીનો એવોર્ડ મળ્યો છે.
આ ફિલ્મ ‘કેવી રીતે જઇશ’ અને ‘બે યાર’ જેવી ફિલ્મોના ડિરેક્ટર પ્રોડ્યુસર અભિષેક જૈન દ્વારા ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરવામાં આવી છે. તેમાં યશ સોની અને દીક્ષા જોશી લીડ રોલમાં છે. આ એક પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલ છે, જે છેલ્લા 15 વર્ષથી ચાલે છે. ત્યાં વિવિધ ભાષાની લગભગ 40 જેટલી ફિલ્મો આવતી હોય છે, તેમાં આ ફિલ્મ રજૂ થઈ હતી.
આ ફિલ્મ ફેસ્ટિવલ વિશે નવગુજરાત સમય સાથે વાત કરતા અભિષેક જૈને જણાવ્યું, ‘મારા અંગત કારણો સર હું આ ફેસ્ટિવલમાં હાજરી આપી શક્યો નહીં. પરંતુ યશ સોની ત્યાં હાજર રહ્યો હતો. આ એક અલગ જોનરની ફિલ્મ છે, સામાન્ય રીતે કોમેડી કે ફેમિલી ડ્રામા પ્રકારની આપણી ગુજરાતી ફિલ્મો આવે છે, એવી આ ફિલ્મ નથી. અમે રિયાલિટી દર્શાવતી અને હાર્ડ હિટિંગ મેસેજ આપતી ફિલ્મ બનાવી છે. આપણા સમાજમાં મહિલાઓની સ્થિતિ વિશે અમે વાત કરી છે. યશ અને દીક્ષા બંને માટે આ ફિલ્મ ઘણી પડકારજનક હતી, કારણ કે તેમણે અત્યાર સુધીમાં કરેલા કામથી આ કામ ઘણું અલગ છે.’
આગળ ફેસ્ટિવલના અનુભવ વિશે અભિષેકે જણાવ્યું, ‘બોમન ઇરાની પોતે આ ફેસ્ટિવલમાં હાજર હતાં અને તેમણે આ ફિલ્મ જોઈ. એ યશને મળીને ભેટી પડ્યા અને તેમણે ફિલ્મના ઘણા વખાણ કર્યા હતા. ફેસ્ટિવલમાં કલાકારોનું કામ ઘણુ વખણાયું છે, ખાસ તો યશ બિલકુલ અલગ લૂકમાં જોવા મળશે આ ફિલ્મમાં, તો ઘણાં લોકો ત્યાં યશને ઓળખી જ ન શક્યા કે આ એ જ કલાકાર છે. લોકોએ ત્યાં તેને પ્રશ્નો પણ પૂછ્યાં હતા.’
આ ફિલ્મને એવોર્ડ મળશે તેવી અપેક્ષા હતી કે નહીં તે અંગે અભિષેક કહે છે,’હું બહુ જ ઓછી અપેક્ષા રાખતો હોઉં છું, ત્યાં ભારતના અને વિદેશના બધાં જ જ્યુરી મેમ્બર્સે આ ફિલ્મ જોઈ છે. ફિલ્મ અને ફિલ્મ મેકર બંનેનુ સન્માન જળવાય એવી ડિગ્નિફાઇડ ફિલ્મ બનાવી હોવાનો વિશ્વાસ જરૂર હતો. ત્યારે જ્યુરી એવોર્ડ મળવો એ બહુ મહત્વની વાત હોય છે.’
‘કેવી રીતે જઈશ’ જેવી ફિલ્મથી ગુજરાતી ફિલ્મોનો એક નવો દોર શરૂ કરનાર અભિષેક જૈન ફરી ગુજરાતી ફિલ્મોને એક અલગ લેવલ પર જોવા માગ છે, તેમણે કહ્યું,’મેં દસ વર્ષથી ફિલ્મ નહોતી, બનાવી તો મારે કશુંક એવું કરવું હતું જે આપણી ઇન્ડસ્ટ્રીને ફરી એક નવા લેવલ પર લઈ જાય. આ ફિલ્મને હજુ અમુક ફેસ્ટિવલમાં મોકલવાના છીએ, તેને થોડું ગ્લોબલ રેક્ગ્નિશન મળે પછી અમે તેને અહીં થિએટરમાં રિલીઝ કરવા માગીએ છીએ. તેથી રિલીઝ અંગે કોઈ તારીખ અમારા મનમાં નક્કી નથી.’
ઘણી વખત નબળી ગુજરાતી ફિલ્મો કે પછી ફિલ્મ નહીં ચાલવા પાછળ ફિલ્મ મેકર્સ બજેટને જવાબદાર માનતા હોય છે, આ અંગે તેઓ માને છે,’આજના જમાનામાં ટેક્નોલોજી જેટલી આગળ આવી ગઈ છે, એમાં તમે નાના બજેટમાં પણ સારી વાર્તા કહી જ શકો છો.’
આ ફિલ્મ માટે વાર્તાની પસંદગી બાબતે અભિષેકે કહ્યું,’આ ફિલ્માં કલાકારોએ અલગ પ્રકારનો રોલ કર્યો છે, એટલે એમના માટે અલગ વર્કશોપ્સ કરવામાં આવ્યા. જેમકે, યશ આ ફિલ્મમાં વિલનના રોલમાં જોવા મળશે, જે ગુજરાતી દર્શકો માટે અને તેના માટે પણ અલગ પ્રકારનો રોલ હતો. એમને ફિલ્મના મૂડમાં લાવવા માટે અમે ઘણો અભ્યાસ કર્યો. ‘
‘ફિલ્મની વાર્તા દિવ્યા ઠાકોરે લખી છે, એમનું આ પહેલું મોટું કામ બહાર આવશે, બાકી તેઓ ઘણી સિનીયર છે અને ઘણું લખી ચૂક્યા છે. જ્યારે આ વાર્તા પાછળની અમારી પ્રેરણા આપણી આસપાસની આપણા સમાજની મહિલાઓ છે. આજકાલ વીમેન સેન્ટ્રીક ફિલ્મોની વધુ નોંધ લેવાઈ રહી છે, તે અંગે અભિષેક જૈને કહ્યું, ઘણી વીમેન સેન્ટ્રિક ફિલ્મો એવી પણ હશે જે નહીં ચાલી હોય.