દક્ષિણની સિનેમાએ પરસ્પર સહમતિથી ફિલ્મોનો રીલીઝ માટેનો ક્લેશ ટાળ્યો

આ વર્ષ બોલિવૂડની નબળી ફિલ્મ રિલીઝ પ્લાનિંગ માટે યાદ રહેશે. તહેવારોની રિલીઝ ડેટ પર એક પછી એક ફિલ્મો ક્લેશ થઈ રહી છે. બાકીની રિલીઝ તારીખો ખાલી પડી છે. જ્યારે દક્ષિણ સિનેમાનાં લોકોએ ફિલ્મો ક્લેશ ન થાય તે માટે અમુક ફિલ્મો મુલતવી રાખી હતી.

દિવાળી પર રિલીઝ થઈ રહેલી કાર્તિક આર્યનની ફિલ્મ ભૂલ ભૂલૈયા 3 ના નિર્માતાઓએ તાજેતરમાં અજય દેવગનની દિવાળી રિલીઝ ફિલ્મ સિંઘમ અગેઈનના નિર્માતાઓને તેમની ફિલ્મ મુલતવી રાખીને આ ક્લેશ ટાળવા માટે અપીલ કરી હતી.

પરંતુ સિંઘમના નિર્માતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ તેમની ફિલ્મ દિવાળી પર જ થિયેટરોમાં લાવશે. મતલબ કે આ વખતે દિવાળી પર બે મોટા બજેટ મલ્ટી સ્ટારર ફિલ્મો સામસામે આવશે.

તાજેતરમાં સ્વતંત્રતા દિવસ પર ત્રણ ફિલ્મો ક્લેશ થઈ હતી તેનું પરિણામ ફિલ્મો જોનારાઓ પહેલેથી જ જોઈ ચૂક્યાં છે. જ્યારે ફિલ્મ સ્ત્રી 2 એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યાં છે. જ્યારે ખેલ ખેલ મેં અને વેદા બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી. બીજી બાજુ, જો આપણે સાઉથ સિનેમેટોગ્રાફર્સની ફિલ્મ રિલીઝ લાઇનઅપ પર નજર કરીએ, તો તેઓએ તેમની ઘણી મોટી ફિલ્મો વચ્ચેના ક્લેશને અટકાવવા માટે ફિલ્મ રિલીઝ ન કરી હતી.

સાઉથની ફિલ્મો ક્લેશ નહિ થાય
આ વર્ષે દશેરા પર સાઉથની ફિલ્મોની ટક્કર થવાની હતી. તેલુગુ સુપરસ્ટાર જુનિયર એનટીઆરની ફિલ્મ દેવરા 11 ઓક્ટોબરે રિલીઝ થવાની હતી. તમિલ સુપરસ્ટાર રજનીકાંતની આગામી ફિલ્મ વેટ્ટિયની પણ આ સપ્તાહના અંતમાં જાહેરાત કરવામાં આવી હતી. તમિલ સિનેમાનાં અન્ય સુપરસ્ટાર, સુર્યાએ દશેરા પર તેની ફિલ્મ કંગુઆની જાહેરાત કરી હતી.

એવું માનવામાં આવતું હતું કે ત્રણ મેગા બજેટ ફિલ્મોનાં આ ક્લેશમાં સાઉથ સિનેમાના સ્ટાર્સને ઘણું નુકસાન થશે. પરંતુ અચાનક જુનિયર એનટીઆરની ફિલ્મની રિલીઝ સપ્ટેમ્બરનાં છેલ્લાં સપ્તાહમાં બે અઠવાડિયા પહેલાં કરવામાં આવી હતી. જ્યારે સૂર્યાએ તેની ફિલ્મ લગભગ એક મહિના માટે મુલતવી રાખી હતી. જાણકારોનું કહેવું છે કે સૂર્યાએ આ નિર્ણય રજનીકાંતની ફિલ્મને સન્માન આપવા માટે લીધો છે.

દશેરા પછી સૂર્યા પાસે દિવાળીની રિલીઝ ડેટનો વિકલ્પ પણ હતો. પરંતુ આજકાલ સાઉથના કલાકારો પણ હિન્દી ચાહકોને ધ્યાનમાં રાખે છે . તેથી, તેને દિવાળી પર સિંઘમ અગેઇન અને ભૂલ ભુલૈયા-3ની મેગા ક્લેશના બે અઠવાડિયા પછી તેની ફિલ્મની રિલીઝ ડેટ રાખી છે. બીજી તરફ, તેલુગુ સિનેમાનાં વધુ બે સુપર સ્ટાર અલ્લુ અર્જુન અને રામ ચરણે તેમની ફિલ્મોની રિલીઝ ડેટ ડિસેમ્બરમાં બે અઠવાડિયાના અંતરે રાખી હતી. ઉદાહરણ તરીકે, અલ્લુ અર્જુનની પુષ્પા 2 ડિસેમ્બરનાં પહેલાં અઠવાડિયામાં રિલીઝ થશે. રામચરણની ગેમ ચેન્જર ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં રિલીઝ થશે.

દર્શકો જ લે છે અંતિમ નિર્ણય
નિર્માતા અને ફિલ્મ બિઝનેસ એનાલિસ્ટ કહે છે કે તહેવારો પર મોટી ફિલ્મો વચ્ચે ઘર્ષણ એ વર્તમાન યુગની વાસ્તવિકતા બની ગઈ છે. આજકાલ, મલ્ટિપ્લેક્સ થિયેટરોમાં એટલી બધી સ્ક્રીન છે કે સિનેમા માલિકો બે કે ત્રણ ફિલ્મોનો ક્લેશ સરળતાથી સંભાળી શકે છે. જો કે, ફિલ્મોના નિર્માતાઓ રિલીઝ પહેલાં વધુ સ્ક્રીન મેળવવા માટે ચોક્કસપણે યુક્તિઓ અજમાવતા હોય છે. ફિલ્મ રિલીઝ થયાં પછી બધુ દર્શકોની પસંદગી પર નિર્ભર કરે છે. જે ફિલ્મને સારો પ્રતિસાદ મળે છે. સિનેમાનાં લોકો તેના શોને જ વધારે છે.

સ્વતંત્રતા દિવસે ત્રણ ફિલ્મો વચ્ચે ટક્કર થઈ હતી, જેમાં એક ફિલ્મ સફળ રહી અને રૂા. પ00 કરોડની કમાણી કરી હતી. પરંતુ આ વખતે દિવાળી પર બંને ફિલ્મો વચ્ચેની ટક્કરમાં બંને ફિલ્મો સારું પ્રદર્શન કરે તેવી આશા છે. જો કે, દક્ષિણનાં સિનેમેટોગ્રાફર્સે તેમની મોટાં બજેટની ફિલ્મો વચ્ચે ક્લેશ થવાનું ચોક્કસપણે ટાળ્યું છે. આ જ કારણ છે કે આગામી દિવસોમાં તેની ફિલ્મો સોલો રિલીઝ થશે.