શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહાલ માટે પ્રેમના પ્રતીકરૂપે તાજમહાલ બનાવ્યો. તાજને આજે પ્રેમનું પ્રતીક એટલે જ માનવામાં આવે છે. આ જ રીતે પ્રેમના કારણે જ ભારતીય સિનેમાના દિગ્ગજ ડાયરેક્ટર કમાલ અમરોહી પોતાના પ્રેમ મીના કુમારી માટે એક ભવ્ય ફિલ્મ બનાવવા માંગતા હતા.
એ ભવ્ય ફિલ્મ બનાવીને મીના પ્રત્યેનો પોતાનો પ્રેમ જાહેર કરવા માંગતા હતા.
એ મીના કુમારીને ભારતભરમાં અને વિદેશમાં પણ ખ્યાતિ અપાવવા માંગતા હતા. આ એ જ ફિલ્મ હતી જે પ્રેમ માટે બનવાની શરૂ થઇ અને અંતે મીના કુમારીના મૃત્યુથી પૂરી થઇ. અલબત્ત, આ ફિલ્મ બની ગઇ અને ફિલ્મી પડદે આવી ગઇ એ પછી મીના કુમારીનું મૃત્યુ થયું, પણ એમના મૃત્યુના સમાચારે ફિલ્મની પ્રસિદ્ધિ અને કમાણી બંનેમાં મોટો ઉછાળો લાવી દીધો હતો.
4 ફેબ્રુઆરી, 1972માં આવેલી પાકીઝા ફિલ્મે બનતાં બનતાં અનેક ચઢાવ-ઉતાર જોઇ લીધા. કલાકારોનો બદલાવ, પ્રેમની ટોચ અને એની દુ:ખદાયી નિષ્ફળતા, ફિલ્મના ક્રૂ સાથે જોડાયેલાં મહત્ત્વના લોકોનાં મૃત્યુ અને અંતે મુખ્ય એક્ટ્રેસનું મૃત્યુ પણ. જે પ્રેમ માટે આ ફિલ્મ બની હતી એ પ્રેમ તો ફિલ્મ બની ત્યાં સુધીમાં ક્યાંય રોળાઇ ગયો હતો. શરૂઆતથી વાર્તા માંડીએ તો 1952માં આવેલી તમાશા ફિલ્મના સેટ ઉપર મીના કુમારી અને રાઇટર, ડાયરેક્ટર કમાલ અમરોહીની મુલાકાત થઇ. કહેવાય છે કે તમાશાના સેટ ઉપર જ આ બંને એકબીજાનાં પ્રેમમાં પડી ગયાં હતાં. આ બંનેએ ટૂંક જ સમયમાં પોતાના પ્રેમ બાદ 14 ફેબ્રુઆરી, 1952માં જ એકબીજાં સાથે લગ્ન કરી લીધાં હતાં. લગ્ન બાદ પણ પ્રેમ સોળે કળાએ ખીલ્યો હતો. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં, એટલે જ પોતાના પ્રેમના પ્રતીક તરીકે અમરોહી મીના માટે એક ભવ્ય ફિલ્મ લખવા અને બનાવવા માંગતા હતા. એમને આ વિચાર 1953માં તેઓ દાયરા બનાવી રહ્યા હતા ત્યારે આવ્યો હતો. દાયરામાં મીના કુમારી અને નાસીર ખાન કામ કરી રહ્યાં હતાં. કમાલ કહેતાં કે મીનાને કેમેરાની સામે કામ કરતી જોવાનો લહાવો જ અલગ હતો. એ એક એક સીન આપતી હોય ત્યારે તમને એમ લાગે કે તમે એક્ટિંગની ચાલતી ફરતી યુનિવર્સિટી સાથે કામ કરી રહ્યા છો. હું દાયરા બનાવી રહ્યો હતો ત્યારે ફરી એકવાર મીનાના પ્રેમમાં પડ્યો હતો. એ વખતે જ મને એના માટે એક ફિલ્મની વાર્તા લખવાનું મન થયું. હું આ વાર્તાને ભવ્ય ફિલ્મમાં પરિવર્તિત કરવા માંગતો હતો એટલે સહેજેય ઉતાવળ નહોતો કરતો. અમરોહીને 1953માં જે વાર્તાનો વિચાર આવ્યો હતો એનો સ્ક્રીન પ્લે લખવાની શરૂઆત 1956માં કરી હતી.
પાકીઝાની વાર્તા તવાયફ નરગિસની હતી, જેને શાહબુદ્દીન સાથે પ્રેમ થઇ જાય છે. શાહબુદ્દીન નરગિસને કોઠામાં રાખવા નહોતા માંગતા એટલે એને પોતાના ઘરે લઇ આવ્યા, પણ શાહબુદ્દીનના પિતાને આ સંબંધ મંજૂર ન થતાં નરગિસ અંતે શાહબુદ્દીનના ઘરમાંથી બહાર નીકળી ગઇ અને એક કબ્રસ્તાનમાં જઇને વસવા લાગી. એણે એ જ જગ્યાએ એક દીકરીને જન્મ આપ્યો અને દીકરીને જન્મ આપ્યા બાદ એ ગુજરી ગઇ. નરગિસની બહેનને આ વાતની જાણ થઇ એટલે એ એની નવજાત બાળકી સાહેબજાનને પોતાની સાથે કોઠા ઉપર લઇ આવી. સાહેબજાન મોટી થઇને તવાયફ જ બને છે અને એને પણ માતાની જેમ એક ફોરેસ્ટ ઓફિસરનો પ્રેમ મળે છે. સાહેબજાન જાણતી હોય છે કે એ પ્રેમ તો કરી શકે છે, પણ પોતે જ્યાં રહે છે ત્યાં રહીને એને કોઇનું ઘર વસાવવાનું સપનું જોવાનો કોઇ હક નથી. એ પછી વાર્તામાં શું વળાંક આવે છે એ જોવું રસપ્રદ છે.
પાકીઝા ફિલ્મનો વિચાર 1953માં આવ્યો અને એ ફિલ્મી પડદે 1972માં આવી. આટલા વર્ષો આ ફિલ્મને બનતાં કેમ લાગ્યાં? આ વર્ષો દરમિયાન આ ફિલ્મે કેવા કેવા ફેરફાર જોયા, એ વાતો અત્યંત રસપ્રદ છે. ફિલ્મ બનવાની શરૂ થઇ ત્યારે અશોક કુમારને મૂળ સલીમનો રોલ સોંપવામાં આવ્યો હતો. અશોક કુમાર સાથે સલીમ તરીકેનું શૂટિંગ શરૂ પણ થઇ ગયું હતું અને અચાનક અમરોહીને સલીમ તરીકે અશોક કુમાર પરફેક્ટ ન લાગતાં શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. એ શૂટ અટક્યા બાદ સલીમના રોલ માટે હીરોની શોધખોળ શરૂ થઇ. સલીમ તરીકે ધર્મેન્દ્રને પણ આ ફિલ્મ ઓફર થઇ હતી, પણ ધર્મેન્દ્ર ઉપર કમાલ અમરોહીને શંકા જતાં એને ફિલ્મમાંથી દૂર કરવામાં આવ્યો હતો. આ ફિલ્મના કિસ્સા અઢળક અને રસપ્રદ પણ છે, જેની ચર્ચા આવતા અંકમાં કરીશું.