આદ્યશક્તિ માતાજીની આરાધનાના પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બચ્યા છે, ત્યારે ખેલૈયાઓ અને ગરબા આયોજકો અત્યારથી તૈયારીમાં લાગી ગયા છે. બીજી તરફ ગુજરાતી ગરબા ક્વિન કિંજલ દવે હાલ અમેરિકામાં પ્રી-નવરાત્રિ ટૂરમાં ધૂમ મચાવી રહી છે.
ખુદ કિંજલ દવે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોતાના પોગ્રામની તસવીરો શેર કરતી રહે છે.
ગઈકાલે કિંજલ દવેએ પોતાના ડલ્લાસમાં આયોજિત કાર્યક્રમની તસવીરો અને વીડિયો પોતાના સોશિયલ મીડિયામાં મૂક્યા હતા. આ પોસ્ટમાં કિંજલ દવેએ લખ્યું હતું કે, સૌથી મોટો આઉટડૉર શૉ. ભારતની બહાર વિદેશમાં એક મેદાનમાં 10 હજાર ભક્તો ગરબે ઘુમ્યા.
ગુજરાતી ગરબા ક્વિને પોતાની અન્ય એક પોસ્ટમાં શિકાગોમાં પોતાના કાર્યક્રમનો વીડિયો મૂક્યો છે. જેમાં કિંજલ દવે પોતાનું ‘વિછુડો’ ગીત ગાઈ રહી છે, જ્યારે મેદાનમાં રહેલા લોકો ગરબા રમી રહ્યા છે.
જો કે ગરબા ક્વિન નવરાત્રી દરમિયાન ગુજરાતમાં જ રહેશે. આગામી 3 ઑક્ટોબરે નવરાત્રી પૂર્વે પહેલી તારીખે અમદાવાદના એસ.જી. હાઈવે પર આવેલ આર.એમ. પટેલ ફાર્મ ખાતે કિંજલ દવેની પ્રી-નવરાત્રી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે નવરાત્રીના 10 દિવસ કિંજલ દવે સુરતી ખેલૈયાઓને ડોલાવશે. જેમાં યશ્વી એન્ટરટેઈનમેન્ટ દ્વારા સુરતના પાલ વિસ્તારમાં વિશાળ એસી ડોમમાં કિંજલ દવેની ગરબા નાઈટનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે બુકિંગ પણ ચાલી રહ્યું છે.