બોલિવૂડનો સૌથી પ્રતિષ્ઠિત અને ગ્લેમરસ એવોર્ડ શો IIFA 2024 આજથી શરૂ થયો છે. 3 દિવસ સુધી ચાલનારા આ એવોર્ડ સમારોહમાં ભાગ લેવા માટે બોલિવૂડ સ્ટાર્સ પણ અબુ ધાબી પહોંચ્યા છે. ગત રોજ અહીં શાહરૂખ ખાનની એન્ટ્રીએ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. હવે રેખા પણ આઈફા 2024માં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દિગ્ગજ અભિનેત્રી રેખા 22 મિનિટનું ડાન્સ પરફોર્મન્સ આપવા જઈ રહ્યા છે.
આટલું જ નહીં રેખાની પાછળ 150થી વધુ બેકગ્રાઉન્ડ ડાન્સર જોવા મળશે. એવોર્ડ શો 27 સપ્ટેમ્બરથી એટલે કે આજથી શરૂ થયો છે અને 29 સુધી ચાલશે. આ ત્રણ દિવસીય એવોર્ડ સેરેમનીમાં બોલિવૂડના ઘણા સ્ટાર્સ પોતાની પ્રતિભા દર્શાવતા જોવા મળશે.
રેખા, જે તેના સમયના સુપરસ્ટાર હિરોઈન હતા, તેમણે બોલિવૂડને ઘણી શાનદાર અને સુપરહિટ ફિલ્મો આપી છે. રેખાની ઘણી ફિલ્મોમાં અભિનય આજે પણ ઉદાહરણ તરીકે જોવામાં આવે છે. રેખાના ઘણા પાત્રો આજે પણ લોકો ભૂલી શક્યા નથી. વર્ષ 2018 માં, રેખાએ આઈફા એવોર્ડ્સમાં તેનું સુપરહિટ ગીત ‘પ્યાર કિયા તો ડરના ક્યા’ રજૂ કર્યું હતું. આ ડાન્સ પરફોર્મન્સે લોકોના દિલ જીતી લીધા હતા. આ ઉંમરે પણ રેખાનો જુસ્સો ઓછો થયો નથી. હવે રેખા અબુ ધાબીમાં તેના 22 મિનિટના ડાન્સ પરફોર્મન્સથી ફરી એકવાર લોકોના દિલ જીતવા માટે તૈયાર છે.