સ્માર્ટ ગુજરાતની સ્માર્ટ ફિલ્મ : કારખાનું

2024નું વર્ષ ગુજરાતી ફિલ્મ જગત માટે ખરેખર વરદાન સાબિત થયું છે. કમઠાણ, કસુંબો અને હવે કારખાનું જેવી સ્માર્ટ ફિલ્મ આ વર્ષે રીલીઝ થઈ છે. કારખાનું ફિલ્મ એ તમામ મેણાઓ, ફરિયાદો કરનારા એ લોકોના ગાલ ઉપર તમતમતો લાફો માર્યો છે કે જે કહે છે ગુજરાતી ફિલ્મોમાં પારિવારિક ઘટનાઓ, છીછરી કોમેડી સિવાય કઈ બનતું નથી.

પાર્થ મધુકૃષ્ણ, ઋષભ થાનકી, પૂજન પરીખ જેવા સાવ નવા પણ ખૂબ અભ્યાસુ છોકરાઓએ કારખાનું જેવું ઘરેણું ગુજરાતી ફિલ્મ જગતને આપ્યું છે.

કારખાનું ફિલ્મ સાચ્ચે જ સ્માર્ટ ફિલ્મ છે, વાર્તા, સ્ક્રીન પ્લે, ડાઈલોગ્સ, ગીતો, અને મૂળ તો ફિલ્મનું સ્ટ્રક્ચર ખૂબ ખૂબ જ સ્માર્ટ.

3 કારીગરો કાળી ચૌદસની રાતે કારખાનામાં કામ કરવા જાય પછી એમની સાથે ઘણી વિચિત્ર ઘટનાઓ બને, અને તમને એમ થાય કે આવું તો થોડી હોય શકે, આવું કેવું વિચિત્ર ભૂત, આ શું રમણ-ભમણ ચાલે છે. અને પછી વાર્તા તમને એવી પકડે કે તમારી આંખો એક સેકન્ડ માટે પણ સ્કીન ઉપરથી હટશે નહીં. ખૂબ બધા એવોર્ડને કાબિલ તથા સામાન્ય માણસને પચી જાય એવી અદ્ભૂત ફિલ્મ એટલે કારખાનું.

અર્ચન ત્રિવેદીની અત્યાર સુધીની આ સર્વશ્રેઠ ફિલ્મ છે, વેનીલા આઇસક્રીમમાં જેટલો ઠહેરાવ વાળો અભિનય કર્યો તો તેનાથી સાવ જ નોખો અભિનય કારખાનુંમાં રતનકાકા તરીકે કર્યો છે. ખૂબ ઉમદા અભિનેતાની આ જ મજા છે. રાજુ બારોટ જેવા તપસ્વી કલાકારે આ ફિલ્મમાં એક નાની પણ ખૂબ મહત્વની ભૂમિકા ભજવી છે, એમનો અવાજ તમને ચોક્કસથી ડરાવશે.

મકરંદ શુક્લ બાળકલાકાર તરીકે ખૂબ બધી ફિલ્મોમાં અભિનયનો અજવાળા પાથર્યા પછી ફરી એકવાર ગુજરાતી ફિલ્મોમાં અદ્ભૂત રીતે રજૂ થયાં છે, મકરંદભાઈ ભવિષ્યના ખૂબ મોટાં અભિનેતા તરીકે પોતાની અલગ જ છાપ આ ફિલ્મમાં છોડી છે. કાજલ ઓઝા વૈધની ભૂમિકા સાચ્ચે જ ખૂબ દમદાર છે.

મૂળ વાર્તા અને સ્ક્રીનપ્લે દમદાર હોય અને તેમાં દરેક કેરેક્ટર ખૂબ જીણવટ પૂર્વક લખાયું હોય એટલે સ્વાભાવિક છે દર્શકોને ખૂબ મજા આવે. કારખાનું ફિલ્મે ગુજરાતી ફિલ્મ જગતને 4 નવા ચહેરા આપ્યા છે.

હાર્દિક શાસ્ત્રી, હર્ષદીપ જાડેજા, દધીચી ઠાકર અને પાર્થ મધુકૃષ્ણ. બધાં જ ખૂબ મંઝાયેલા કલાકારો, લાગે જ નહીં કે આ એમની પહેલી ફિલ્મ છે. પાર્થ મધુકૃષ્ણ લેખન, પ્રોડ્યૂસરની સાથે સાથે અભિનયમાં પણ એટલો જ પારંગત છે. ઓવરઓલ ફિલ્મ સહપરિવાર જોવા લાયક છે.