વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મના મેકર્સ પર લાગ્યો ગંભીર આરોપવિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો ફિલ્મને લઈને વિવાદ શરુ થયો છે. આ ફિલ્મના મેકર્સ પર એક ગંભીર આરોપ લાગ્યો છે. આ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે.
રાજકુમાર રાવ અને તૃપ્તિ ડીમરીની ફિલ્મ વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો રિલીઝ થાય તે પહેલા જ વિવાદમાં ઘેરાઈ જવા પામી છે.
ફિલ્મનો વિવાદ એટલો વધી ગયો છે કે મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. આ ફિલ્મ મામલે મેકર્સને નોટિસ પણ ફટકારવામાં આવી છે. આ નોટીસ જાણીતા નિર્માતા સંજય તિવારી અને લેખક ગુલ બાનો ખાને ફિલ્મ નિર્માતાને ફટકારી છે.
ગુલબાનો ખાને જણાવ્યું છે કે વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો ફિલ્મનો જે સેન્ટ્રલ આઈડિયા છે તે વર્ષ 2015માં તેણે રાઇટર તરીકે એસડબલ્યુએ સાથે રજીસ્ટર કરાવ્યો હતો. આ ફિલ્મને સંજય તિવારી પ્રોડ્યુસ કરવાના હતા પરંતુ કેટલાક કારણોસર ફિલ્મ બનાવવામાં મોડું થઈ ગયું. આ ફિલ્મની સ્ટોરી ચોરી કરી હોવાનો આરોપ ફિલ્મ નિર્માતા પર લાગ્યો છે અને તેમને કાનૂની નોટિસ મોકલવામાં આવી છે.
કાનૂની નોટિસ ટી સીરીઝ, બાલાજી મોશન પિક્ચર, વેક ફિલ્મ એલએલપી, કથા વાચક ફિલ્મ સહિતના લોકોને ફટકારવામાં આવી છે. નોટિસમાં દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2015માં સંજય તિવારી અને ગુલબાનો ખાનેએ ફિલ્મની મૂળ સ્ટોરી અને સેન્ટ્રલ આઈડિયા લખ્યો હતો. જેનું અસ્થાયી નામ “સેક્સ હે તો લાઈફ હૈ” રાખવામાં આવ્યું હતું. આ વાર્તા એવા કપલની આસપાસ ફરે છે જે પોતાની અંગત ક્ષણોની ડીવીડી રેકોર્ડ કરે છે. ત્યાર પછી તે ડીવીડી ખોવાઈ જાય છે અને પછી તે ડીવીડી પાછી મેળવવા માટે અફરાતફરી મચી જાય છે.
ઉલ્લેખનીય છે કે વિક્કી વિદ્યા કા વો વાલા વિડીયો ફિલ્મ અપકમિંગ હિન્દી ફિલ્મ છે જેનું નિર્દેશન રાજ શાંડિલ્યએ કર્યું છે અને ભૂષણ કુમાર તેના નિર્માતા છે. આ ફિલ્મની સ્ટોરી એક કપલ એટલે કે વીકી અને વિદ્યાની આસપાસ ફરે છે. જેમનો ઇન્ટીમેટ વિડીયો ચોરી થઈ જાય છે. આ કપલ પોતાના વીડિયોની ડીવીડી કેવી રીતે પાછી મેળવે છે તેની આસપાસ ફિલ્મની સ્ટોરી ફરે છે. આ ફિલ્મ 11 ઓક્ટોબરે રિલીઝ થવાની છે.