ADVERTISEMENT
ADVERTISEMENT

સેન્સરે 13 કટ સૂચવતા કંગનાની ઇમરજન્સીનું કોકડું વધારે ગૂંચવાયું

એક્ટરમાંથી સાંસદ બન્યાં પછી કંગના રણોતની પહેલી ફિલ્મ ઈમરજન્સી આવી રહી છે. રિલીઝ પહેલાં જ વિવાદોમાં ઘેરાયેલી આ ફિલ્મને સેન્સર બોર્ડે U/A સર્ટિફિકેટ માટે મંજૂરી આપવાની સાથે 13 કટ્સ પણ સૂચવ્યા છે. આ કટમાં પૂર્વ વડાંપ્રધાન ઈન્દિરા ગાંધી, સંજય ગાંધી, ભિંદરાનવાલે સહિત કેટલાક સંદર્ભો ધરાવતા દૃશ્યો અને સંવાદનો સમાવેશ થાય છે. કંગના સહિત ફિલ્મના પ્રોડ્યુસર્સ આ કટ્સનો અમલ કરવા માટે ફિલ્મમાં ફેરફાર કરવાનું પસંદ કરે છે કે પછી કોર્ટ સમક્ષ સેન્સર બોર્ડના સૂચનોને પડકારે છે તે અંગે હજુ સ્પષ્ટતા નથી.

લોકસભાની ચૂંટણી પહેલાં કંગના રણોતનો લીડ રોલ અને ડાયરેક્શન ધરાવતી ‘ઈમરજન્સી’ તૈયાર થઈ ગઈ હતી. પ્રચારમાં વ્યસ્ત હોવાના કારણે કંગનાએ ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરી. ફિલ્મની રિલીઝ ડેટ નજીક આવી ત્યારે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (સેન્સર બોર્ડ) દ્વારા મંજૂરી નહીં મળી હોવાનો ખુલાસો થયો. આ મામલે કાનૂની વિવાદો બાદ સેન્સર બોર્ડ પાસે માત્ર ફિલ્મને અટકાવી રાખવાનો રસ્તો બંધ થઈ ગયો હતો. સેન્સર બોર્ડે આખરે આ ફિલ્મને 13 કટ્સ સાથે U/A સર્ટિફિકેટ આપ્યું છે.

સેન્સર બોર્ડની રીવાઈઝિંગ કમિટીએ ‘ઈમરજન્સી’ની ટીમને ડિસ્ક્લેમર મૂકવા કહ્યું છે. કટોકટી સમયે બનેલી ઘટનાઓ દર્શાવતી વખતે ‘સત્ય ઘટના આધારિત’ અથવા ‘નાટ્યાત્મક રૂપાંતરણ’ શબ્દો લખવા કહેવાયું છે. સેન્સર બોર્ડનું માનવું છે કે, આ ડિસ્કલેમરથી ફિલ્મમાં દર્શાવેલી ઘટના સંપૂર્ણ સત્ય દર્શાવતી હોવાની છાપ ઊભી થશે નહીં. ‘ચીને આસામને ભારતથી છૂટું કરી દીધું’ હોવાનો ડાયલોગ જવાહરલાલ નેહરુ બોલી રહ્યા છે. આ ડાયલોગ હકીકત આધારિત હોવાનું સાબિત કરતાં ઐતિહાસિક પુરાવા સેન્સર બોર્ડે માગ્યા છે. અન્ય એક સીનમાં ભીંદરાનવાલે અને સંજય ગાંધી વચ્ચેની વાતચીત છે. જેમાં ભીંદરાનવાલે કહે છે, તમારી પાર્ટીને વોટ જોઈએ છે અને અમારે ખાલિસ્તાન જોઈએ છે. આ સમગ્ર ડાયલોગને ફિલ્મમાંથી દૂર કરવા કહેવાયું છે. કારણ કે આ ડાયલોગના કારણે સંજય-ભીંદરાનવાલે વચ્ચે કોઈ ડીલ થઈ હોવાની છાપ ઊભી થાય છે. ભીંદરાનવાલેનો સંત તરીકે ઉલ્લેખ ધરાવતા ત્રણ જેટલા દૃશ્યોને ફિલ્મમાંથી દૂર કરવા કહેવાયું છે. આવા એક સીનમાં સંજય ગાંધી અને રાષ્ટ્રપતિ ગ્યાની જૈલસિંગ વચ્ચેનો સંવાદ છે. અન્ય સીનમાં ઈન્દિરા ગાંધી અને આર્મી ચીફ વચ્ચેની વાતચીત છે.

શીખો દ્વારા બિન શીખની હત્યાના દૃશ્યોને હળવા કરવા તથા ‘ઓપરેશન બ્લ્યૂ સ્ટાર’ અંગે ઈન્દિરા ગાંધી-આર્મી ચીફની વાતચીતનો ડાયલોગ દૂર કરવા સૂચન થયું છે. ફિલ્મમાં ભૂતકાળના સાચા દૃશ્યોનો ઉપયોગ થયો હોય ત્યારે તેની સાથે ડિસ્ક્લેમર બતાવવા સૂચન થયું છે. આ ઉપરાંત ફિલ્મમાં રજૂ થયેલા દરેક સ્ટેટમેન્ટ અને સીન-સંદર્ભના સમર્થનમાં પુરાવા રજૂ કરવા જણાવાયું છે.

ADVERTISEMENT
ADVERTISEMENT

‘ઈમરજન્સી’ના પ્રોડક્શન સાથે સંકળાયેલા ઝી એન્ટરટેઈનમેન્ટ દ્વારા આ કટ્સના અમલ માટે સમય માગવામાં આવ્યો છે. બીજી બાજુ, સેન્સર બોર્ડના મતે સર્ટિફિકેટ અપાઈ ગયું હોવાથી વહેલી તકે ફેરફાર થવા જોઈએ. સેન્સર બોર્ડના સૂચનો માનવા કે પછી હાઈકોર્ટમાં આ મામલે રજૂઆત કરવી તે અંગે ‘ઈમરજન્સી’ની ટીમે વિચારણા હાથ ધરી છે. હાઈકોર્ટમાં જતા પહેલા આ મામલે સેન્સર બોર્ડ સાથે નેગોશિએશનનો વિકલ્પ પણ વિચારાધિન છે. એકંદરે હાલની સ્થિતિએ સર્ટિફિકેટ મળવા છતાં ‘ઈમરજન્સી’ની રિલીઝનો માર્ગ સરળ રહ્યો નથી.

ADVERTISEMENT
ADVERTISEMENT