રાજકુમાર રાવ અને તૃપ્તિ ડીમરીને લીડ રોલમાં રજૂ કરતી ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ની રિલીઝના દિવસો નજીક આવી રહ્યા છે ત્યારે તેના પર ઉઠાંતરીનો આરોપ લાગ્યો છે. 2015માં લખાયેલી સ્ક્રિપ્ટની ઊઠાંતરી કરીને આ ફિલ્મ બનાવાઈ હોવાના દાવા સાથે લીગલ નોટિસ મોકલવામાં આવી છે.
પ્રોડ્યુસર ગુલ બાનોએ જણાવ્યું હતું કે, ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’નો સેન્ટ્રલ ઈઆઈડિયા તેમણે 2015ના વર્ષમાં સ્ક્રિપ્ટ રાઈટર્સ એસોસિએશન સમક્ષ રજિસ્ટર કરાવ્યો હતો.
તેના પર ફિલ્મ બનાવવાની હતી અને પ્રોડ્યુસર તરીકે સંજય તિવારી હતા. કેટલાક કારણોસર આ પ્રોજેક્ટમાં વિલંબ થયો છે. તેથી ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’ના પ્રોડ્યુસરને લીગલ નોટિસ મોકલવામાં આવી છે. આ નોટિસ ટી સિરીઝ, બાલાજી મોશન પિક્ચર્સ, વેક ફિલ્મ્સ એલએલપી, કઠવાચક ફિલ્મ્સ અને એએ પ્રાઈવેટ લિમિટેડને મોકલવામાં આવી છે.
નોટિસમાં દાવો કરાયો છે કે, સંજય તિવારી અને ગુલ બાનોએ 2015ના વર્ષમાં ઓરિજિનલ સ્ટોરી લાઈન સાથે સ્ક્રિપ્ટ લખી હતી. તેનું ટેન્ટેટિવ ટાઈટલ ‘સેક્સ હૈ તો લાઈફ હૈ’ રખાયુ હતું. સ્ક્રિપ્ટમાં એવા કપલની વાત હતી, જેમણે પોતાની અંગત પળોની ડીવીડી બનાવી હતી. બાદમાં આ ડીવીડી ક્યાંક મૂકાઈ જાય છે અને જડતી નથી. બીજા લોકોના હાથમાં આ ડીવીડી પહોંચી જવાની શક્યતા હતી.
ગુલ બાનોએ સ્ક્રિન રાઈટર્સ એસોસિએશનને આ બાબતે મેઈલ દ્વારા જાણ પણ કરેલી છે. ‘વિકી વિદ્યા કા વો વાલા વીડિયો’માં પણ અંગત પળોની ડીવીડી ખોવાઈ ગયા બાદ સંકટમાં મૂકાયેલા કપલની સ્ટોરી છે.
રાજકુમાર રાવ અને તૃપ્તિની આ ફિલ્મનું પ્રમોશન લાંબા સમયથી ચાલી રહ્યું છે અને ફિલ્મની સ્ટોરી લાઈન પણ જગજાહેર છે. આટલા લાંબા સમય સુધી કાનૂની કાર્યવાહી કરવામાં આવી ન હતી. બે વીકમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે ત્યારે અચાનક કાનૂની વિવાદ ઊભો થયો છે.