વાસુ ભગનાની સાથે કામ કરવાનું દુઃખદાયકઃ રોનિત રોય

પ્રતિષ્ઠિત પ્રોડ્યુસર તરીકે સ્થાન જમાવનારા વાસુ ભગનાની કેટલાક સમયથી આર્થિક સંકટમાં મૂકાયેલા છે. અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ સાથે તેમણે બનાવેલી ‘બડે મિયાં છોટે મિયાં’ ઊંધા માથે પછડાઈ છે. આ ફિલ્મ ફ્લોપ ગયા બાદ તેમના માથે મોટુ દેવું થઈ ગયું હોવાનું કહેવાય છે. આ ઉપરાંત ફિલ્મના ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફર સાથેના સંબંધો પણ બગડેલા છે.

આ ફિલ્મમાં મહત્ત્વનો રોલ કરનારા રોનિત રોયે વાસુ ભગનાની સાથે કામ કરવાના અનુભવને દુઃખદાયક ગણાવ્યો હતો.

રોનિત રોયે કહ્યુ હતું કે, ફિલ્મનું મહેનતાણુ વાસુ ભગનાની ચૂકવવાના હતા. તેમણે ફી આપી પણ ખરી. જો કે, અલી અબ્બાસ ઝફરના સહયોગી હિમાંશુ મેહરાના હસ્તક્ષેપ બાદ માંડ નાણાં મળ્યા હતા. વધુમાં તેમણે કહ્યું હતું કે, મારી સિક્યુરિટી કંપની મુંબઈમાં સેટ્સની સલામતી જાળવે છે અને અન્ય સ્ટાફ પણ રાખેલો છે. આ તમામ સ્ટાફનું પેમેન્ટ ખૂબ વિલંબથી મળ્યું હતું. આ નાણાં મેળવવા માટે પણ હિમાંશુની મદદ લેવી પડી હતી. અલી અબ્બાસ ઝફર પોતાના સ્ટાફના બાકી નાણાં ઝડપથી ચૂકવવા પ્રયાસ કરી રહ્યા છે. ભગનાની સાથે ફરી કામ કરવાની ઈચ્છા ન થાય તેવો વ્યવહાર હતો.

ભગનાનીના પૂજા એન્ટરટેઈનમેન્ટ દ્વારા પ્રોડ્યુસ થયેલી ‘બડે મિયાં છોટે મિયાં’ને ડાયરેક્ટર અલી અબ્બાસ ઝફરે હાઈજેક કરી લીધી હોવાના આરોપ મૂકાયા છે. આ અંગે રોનિત રોયે જણાવ્યુ હતું કે, વાસુ રોજ સેટ પર આવતા હતા. તેઓ અનુભવી છે અને તેમને આખી ફિલ્મ હાઈજેક થઈ ગઈ તેની ખબર ના પડે? આ વાત શક્ય નથી. અલી અબ્બાસ ઝફરે પોતાના બાકી નાણાં મેળવવા માટે ફેડરેશન ઓફ વેસ્ટર્ન ઈન્ડિયા સિને એમ્પ્લોઈઝમાં ફરિયાદ કરી છે. તેમના આ પગલાં બાદ વાસુ ભગનાની અને જેકી ભગનાનીએ ‘બડે મિયાં છોટે મિયાં’માં ગરબડો કરી નાણાં હડપ કરવાનો આરોપ અલી પર લગાવ્યો છે.