ફિલ્મમેકર વિવેક અગ્નિહોત્રિએ ખુલાસો કર્યો છે કે તેમણે પોતાની આગામી ફિલ્મમાંથી તેના મુખ્ય કલાકારને જ કાઢી નાંખ્યો છે, કારણ કે તેનો મેનેજર બહુ ઘમંડી હતો. કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરાએ એક્સ પર એક પોસ્ટ કરી હતી, જેમાં તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની હાલની સ્થિતિ અંગે વાત કરી હતી. જેના જવાબમાં વિવેક અગ્નિહોત્રિએ આ ખુલાસો કર્યો હતો. મુકેશ છાબરાએ લખ્યું હતું, ‘હાલની ફિલ્મ ઇન્ડસ્ટ્રીની સ્થિતિઃ એક કલાકાર, 200 કાસ્ટિંગ ડિરેક્ટર અને 15680 મેનેજર્સ.’
આ પોસ્ટના જવાબમાં વિવેકે ટ્વીટ કર્યું,’મારે ગયા અઠવાડિયે એક લીડ એક્ટરને કાઢી નાખવો પડયો કારણ કે એનો મનેજર અતિશય ઘમંડી હતો અને એવું વર્તન કરતો હતો કે તે એક મોટા સેલેબ્રિટીના સ્ટાર કિડની ટેલેન્ટ એજન્સીનો કર્મચારી હોવાથી તેને આવું અહંકારી વર્તન કરવાનો હક હતો. આવા વચેટિયાઓએ લોકોની કારકિર્દી બનાવવાને બદલે બરબાદ વધારે કરી છે. આ સ્ટાર કિડ્ઝ સાથે ટ્રેનિંગ અને વર્કશોપ કરો, મુકેશ છાબરા.’
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં વિવેક અગ્નિહોત્રીએ તે કઈ રીતે અર્થપૂર્ણ ફિલ્મો બનાવવા માગે છે અને તે માટે તેની શું કલ્પના હોય છે, તે અંગે વાત કરી હતી.’હું લોકો સાથે દલીલો કરવાને બદલે મારી ફિલ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં માનું છું. તેથી હવે હું ટીવી પર જતો નથી. હું કોઈ જ જાહેર ચર્ચાઓનો ભાગ બનવા માગતો નથી. જો મારે કોઈ મુદ્દે વાત કરવી હશે તો હું કોઈ ફિલ્મ બનાવીશ કે લખીશ, મારા પુસ્તકો, મારી બાબતો. મારે ભારતને ખરાબ ચીતરવા સાથે જકડાઈ રહેવું નથી, હું એ વિચારધારાનો ભાગ બનવા માગતો નથી.’
હાલ વિવેક અગ્નિહોત્રી ‘ધ દિલ્હી ફાઇલ્સ’ ફિલ્મ પર કામ કરી રહ્યા છે. ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ જેવો જ વિવાદ વિવેકની આગામની ફિલ્મોમાં થઈ શકે છે. આ અંગે તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તે અખંડ ભારતમાંથી બંગાળના લોહિયાળ ઇતિહાસ પર આવનારી ફિલ્મમાં પ્રકાશ પાડવા માગે છે, જેમાં 1946ના નોઆખલીના રમખાણો, મુસ્લિમ લીગ, કોંગ્રેસ, મહાત્મા ગાંધી, મહોમ્મદ અલી ઝીણા વિશે પણ વાત કરવામાં આવશે. ‘ઘણા લોકો એવા હશે જે કહેશે કે વિવેક અગિનહોત્રી ઉત્તરપૂર્વના રાજ્યોની સ્થિતિ પર ફિલ્મ કેમ નથી બનાવતો, ઘણા ફિલ્મમેકર્સ છે. તેમાંથી કોઈને આ કામ કરવા દો. મેં પસંદ કરેલા વિષય પર મને જાગૃતિ લાવવા દો.’