અમેરિકાના ખૈલેયાઓને રાસ રમાડીને ગુરુવારથી બોરીવલીમાં મુંબઈના રાસરસિયાઓને ડોલાવવા સજ્જ થઈ રહેલી ગરબા પ્રિન્સેસ ઐશ્વર્યા મજમુદાર અમેરિકાથી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેનો મસ્ત અનુભવ લઈને આવી છે.
નરેન્દ્ર મોદી તાજેતરમાં અમેરિકા ગયા ત્યારે ન્યુ યૉર્કની નાસાઉ કાઉન્ટીના ઇન્ડોર અરીનામાં તેમણે વિશાળ અમેરિકન ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું.
એ ઇવેન્ટમાં નરેન્દ્ર મોદીનું સંબોધન શરૂ થાય એ પહેલાં ઐશ્વર્યાને પર્ફોર્મ કરવાનો મોકો મળ્યો હતો એટલું જ નહીં, વડા પ્રધાનને મળીને તેમની સાથે વાતો કરવાનો પણ મોકો મળ્યો હતો.
ત્રીજા નોરતે પાંચમી ઑક્ટોબરે ૩૧મી વર્ષગાંઠ ઊજવનારી ઐશ્વર્યાને નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે તને પહેલી વાર સાંભળી ત્યારે તું ચાર વર્ષની હતી. વડા પ્રધાને ઐશ્વર્યાને તેનાં મમ્મી-પપ્પાના ખબરઅંતર પણ પૂછ્યા હતા અને પૂછ્યું હતું કે હવે તેઓ ક્યાં રહે છે – અમદાવાદ, ન્યુ યૉર્ક કે મુંબઈ? ઐશ્વર્યાને જોઈને નરેન્દ્ર મોદીએ તેને ‘વજન ઉતાર્યું?’ એવો સવાલ પણ પૂછ્યો હતો.
ઐશ્વર્યાએ હજારો લોકોની ઉપસ્થિતિમાં પર્ફોર્મ કર્યું એ તેના માટે કોઈ મોટી વાત નહોતી, પણ તે કહે છે, ‘ભારતના વડા પ્રધાન ઉપસ્થિત રહેવાના હોય અને ૧૫,૦૦૦ કરતાં વધુ ભારતીયોની હાજરી હોય એ કાર્યક્રમમાં ગરબાની સાથે રાષ્ટ્રગીત રજૂ કરવું એ મારા જીવનની સૌથી વધુ ગર્વની ઘડી હતી.’
ગર્વની આ જ લાગણી સાથે ઐશ્વર્યા હવે નવરાત્રિ માટે સજ્જ થઈ રહી છે.