ઉત્તમ પૅરેન્ટિંગ માટે ચોક્કસ નીતિ-નિયમ કે રૂલબૂક ન હોયઃ ઐશ્વર્યા રાય

ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનની દિકરી આરાધ્યા જન્મી ત્યારથી ઐશ્વર્યા કોઈ પણ જગ્યાએ જાય તો હંમેશા તેને સાથે રાખી છે, પછી તે કોઈ પણ ઇવેન્ટ કે કોઈ પણ ફંક્શન હોય. ધીરે ધીરે આરાધ્યા પણ હવે તેની માતાનો પડછાયો બનીને હંમેશા ડ્રેસ કોઓર્ડિનેશનમાં માતા સાથે જોવા મળે છે. તાજેતરમાં જ ઐશ્વર્યા રાય બચ્ચન અબુ ધાબી ખાતે દિકરી આરાધ્યા સાથે આઇફા એવોર્ડની ઇવેન્ટમાં પહોંચી હતી.

તેઓ બંને જ્યાં પણ જાય ત્યાં તેમનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ જતો હોય છે. ત્યારે તાજેતરમાં ગ્રીન કાર્પેટ પર ઐશ્વર્યાને દિકરીઓની માતાઓને તે ઉછેર અંગે શું સલાહ આપવા માગશે, તેવું પૂછવામાં આવ્યું હતું.

આ પ્રશ્નના જવાબમાં ઐશ્વર્યાએ કહેલું,’સાંભળો, તમે માતા છો, તમે જે જાણો છો અને તમારી દિકરી માટે તમે જે કરો છો તે શ્રેષ્ઠ જ છે. આપણે બધાં જ માણસ છીએ, આપણે એકબીજા સાથે બેસીને સલાહ નથી આપવાના કે એકબીજાને બધું કહેવાના નથી. કારણ કે આપણે કોઈ ચોક્કસ નીતિ નિયમ કે રૂલબૂક સાથે નથી જન્મ્યા. તમે જે કરતા હશો એ જ કરશો અને તમે તમારી દિકરી સાથે શ્રેષ્ઠ જ કરશો. બસ બધાને પ્રેમ અને આશીર્વાદ.’

ત્યાર બાદ ઐશ્વર્યાને પૂછવામાં આવેલું કે આરાધ્યા હંમેશા તેની સાથે હોય છે તો તે હંમેશા શ્રેષ્ઠ ગુરુ પાસેથી જ શીખતી હશે. જેના જવાબમાં ઐશ્વર્યાએ કહેલું, ‘એ મારી દિકરી છે, તો એ હંમેશા મારી સાથે જ રહેવાની ને.’

અભિષેક બચ્ચન હાલ અક્ષય કુમાર, રિતેશ દેશમુખ, ડિનો મોરિયા અને જેકલીન ફર્નાન્ડિઝ સાથે ‘હાઇસફુલ 5’ના શૂટિંગમાં વ્યસ્ત છે. જ્યારે ઐશ્વર્યાએ છેલ્લે મણી રત્નમની ‘પીએસ 2’માં કામ કર્યું છે અને ફૅન્સ તેની આગામી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.