શક્તિમાન બનવા રણવીર સિંહે મુકેશ ખન્ના પાસે ત્રણ કલાક બેસીને આજીજી કરી

મુકેશ ખન્નાના શો ‘શક્તિમાન’ પર ફિલ્મ બનાવવાની જાહેરાત ૨0૨૨માં થઈ હતી. ત્યારે ન્યુઝ આવ્યા હતા કે એમાં ‘શક્તિમાન’નું પાત્ર રણવીર સિંહ ભજવશે, પરંતુ ‘શક્તિમાન’ શોના પ્રોડ્યુસર અને એમાં ટાઇટલ રોલ ભજવનાર અભિનેતા મુકેશ ખન્નાએ કહ્યું હતું કે તેઓ નથી ઇચ્છતા કે ‘શક્તિમાન’માં રણવીર સિંહને લેવામાં આવે.

તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં મુકેશ ખન્નાએ કહ્યું છે કે રણવીર તેમની પાસે ગયો હતો અને તેમને મનાવવાની કોશિશ કરી હતી. રણવીરે મુકેશને રિક્વેસ્ટ કરી કે ‘શક્તિમાન’માં તેને જ કાસ્ટ કરવામાં આવે.

મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ‘લોકો જાણી ચૂક્યા છે કે રણવીર સિંહ મારી પાસે આવ્યો હતો. તેણે મને મનાવવાની કોશિશ કરી કે હું ‘શક્તિમાન’ તરીકે તેને કાસ્ટ કરું. હવે હું આ વાતને છુપાવી શકું એમ નથી કેમ કે નહીંતર લોકો કહેશે કે મેં તો રણવીર સિંહને સારો ઍક્ટર કહ્યો હતો. સમાચાર આવવા માંડ્યા હતા કે રણવીર સિંહ જ આ રોલમાં જોવા મળશે, પણ હું સહમત નહોતો. સોની એન્ટરટેઇનમેન્ટ સાથે મારી દલીલ પણ થઈ. મેં તેમને પણ કહ્યું કે રણવીરને આ રોલ માટે રાખવા હું સહમત નથી.’

મુકેશ ખન્નાએ રણવીરને કાસ્ટ ન કરવાનું કારણ આપતાં કહ્યું હતું કે ‘તે બિચારો મારી સામે ૩ કલાક બેસી રહ્યો પણ અંતે મારે તેને કહેવું પડ્યું કે આ રોલ માટે ચહેરા પર જે એક્સપ્રેશન આવવાં જોઈએ એ તારી પાસે નથી. તે ચંચળ લાગતો હતો. ‘શક્તિમાન’ ગંભીર રોલ છે. હસીમજાક કરતા હોય એવો રોલ નથી.’

મુકેશ ખન્નાએ રણવીરના ન્યુડ ફોટોશૂટને લઈને દીપિકા પાદુકોણને કહ્યું કે આટલા મૉડર્ન પણ ન બનવું જોઈએ
મુકેશ ખન્નાએ જણાવ્યું હતું કે તેઓ ફિલ્મ માટે રણવીર સિંહના કાસ્ટિંગ સાથે સહમત નથી એનું એક મોટું કારણ તેણે કરેલું ન્યુડ ફોટોશૂટ પણ છે. રણવીર સિંહે કરેલા ન્યુડ ફોટોશૂટ વિશે વાત કરતાં મુકેશ ખન્નાએ કહ્યું હતું કે ‘તેના એ ફોટોશૂટના કારણે હું તેની ઘૃણા કરવા લાગ્યો હતો. જોકે રણવીરે કહ્યું કે તેણે ખરેખર એવા ફોટો નહોતા પડાવ્યા. રણવીરે મને કહ્યું કે તેણે અન્ડરવેઅર પહેર્યું હતું. બાદમાં તેણે પ્રમોશનલ ટીમને પણ કાઢી મૂકી હતી. મેં તેના પર વિશ્વાસ પણ કર્યો, પણ મને તેનું એ નિવેદન યાદ આવ્યું જેમાં તેણે મીડિયાને કહ્યું હતું કે એ ફોટોશૂટમાં તે એકદમ સહજ હતો. મેં ત્યારે નિવેદન આપ્યું હતું કે તમે સહજ હતા પણ અમે એ ફોટો જોઈને અસહજ થઈ ગયા હતા.’મુકેશ ખન્નાએ દીપિકા પાદુકોણને ઉદ્દેશીને કહ્યું કે પત્ની હોવાના નાતે તેણે પણ કોઈ વિરોધ રજૂ ન કર્યો, આટલા મૉડર્ન પણ ન બનવું જોઈએ.

રણવીર સિંહને ખરાબ લાગ્યું હશે, લાગવું પણ જોઈએ
મુકેશ ખન્નાને જ્યારે કહેવામાં આવ્યું કે રણવીર સિંહે ગંભીર પાત્રો પણ કર્યાં છે, ત્યારે તેમણે કહ્યું કે ‘તે જબરદસ્ત અને એનર્જેટિક ઍક્ટર છે. મેં તેનાં વખાણ કર્યાં જ હતાં, એટલે જ લોકોને લાગ્યું કે મેં સહમતી આપી છે રોલ માટે. તે ‘શક્તિમાન’ માટે યોગ્ય નથી જ. તેને ખરાબ લાગ્યું હશે. લાગવું પણ જોઈએ. પણ એક વાત યાદ રાખવી જોઈએ કે ઇન્ડસ્ટ્રીમાં પ્રોડ્યુસર ઍક્ટરને કાસ્ટ કરે છે, ઍક્ટર પ્રોડ્યુસરને કાસ્ટ નથી કરતો.’