કપિલ શર્મા શો ‘વલ્ગર’ અને ખુદ કપિલ અસંસ્કારી : મુકેશ ખન્નાની કડવી કોમેન્ટ

મુકેશ ખન્ના મનોરંજનની દુનિયાના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક છે. પોતાનાં અભિનય કૌશલ્યના આધારે તેણે દર્શકોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે. 90 ના દાયકાનાં લોકોમાં ‘શક્તિમાન’ જેવા સુપરહીરોની ઈમેજ અકબંધ છે.

મુકેશને ક્યારેય પોતાની વાતને ટ્વિસ્ટ કરવાનું પસંદ નથી. તે જે પણ કહે છે તે ખૂબ જ સરળ રીતે કહે છે.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં મુકેશ ખન્નાએ કપિલ શર્માને ‘અસંસ્કારી’ કહ્યો હતો. તેમજ તેનાં શોને ‘વલ્ગર’ કહ્યો હતો.

મુકેશ ખન્નાને એક ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું હતું કે, તેઓ ‘ધ કપિલ શર્મા શો’ અને ‘બિગ બોસ’ જેવાં શોનો ભાગ કેમ બનવા માંગતા નથી. આ અંગે પોતાનાં વિચારો વ્યક્ત કરતાં મુકેશ ખન્નાએ કહ્યું- કપિલ એક શાનદાર કોમેડિયન છે, તેમાં કોઈ શંકા નથી.

ફક્ત મારા વિચારો તેમની સાથે મેળ ખાતા નથી. મેં કોમેડિયન કૃષ્ણા અભિષેકને પણ કહ્યું કે, હું કપિલ શર્મા સાથે કમ્ફર્ટેબલ ફીલ નથી કરતો. મને બંને શો તદ્દન ‘વલ્ગર’ લાગે છે.

મુકેશે કહ્યું કે, “આ લોકો ‘કોમેડી સર્કસ’માં સ્કિટ કરતાં હતા. કપિલે તેમાં ‘શક્તિમાન’નો પોશાક પહેર્યો હતો. કપિલની સામે એક છોકરી હતી. બાજુમાં બેડ હતો. મેં કહ્યું કે, આ કેવી રીત છે. અમે આ આઇડિયલ પાત્ર બનાવ્યું તમે ‘શક્તિમાન’ પોશાક પહેરીને આ કેવી રીતે કરી શકો છો. મેં કૃષ્ણાને ફોન કર્યો અને પૂછ્યું હતું તેને કહ્યું કે તે એ એકટ કરશે પણ પછી કપિલે કર્યો હતો.

આ જ ઈન્ટરવ્યુમાં મુકેશે બીજી એક ઘટના યાદ કરી, જેમાં તેણે કહ્યું કે, તે કપિલ સાથે કમ્ફર્ટેબલ ફીલ નથી કરી રહ્યો. મુકેશે કહ્યું, “હું અને કપિલ એક જ ઈવેન્ટમાં સાથે આવ્યાં હતાં. કપિલે તે સમયે તેની કારકિર્દીની શરૂઆત જ કરી હતી. કપિલ 15-20 મિનિટ સુધી મારી બાજુમાં બેઠો હતો અને મને અભિવાદન પણ ન કર્યું. તે એવોર્ડ લઈને ચાલ્યો ગયો. જ્યારે કોઈ આ રીતે વર્તે છે, તે તેનું સન્માન ગુમાવે છે.

કપિલ શર્મા નેટફ્લિક્સ પર પોતાના કોમેડી શો ‘ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો’ની બીજી સીઝન લઈને આવ્યાં છે. દરેક એપિસોડમાં જાણીતાં સેલેબ્સ આવે છે અને હાસ્ય સર્જે છે. કપિલ દરેક નવાં એપિસોડમાં કંઈક અલગ અને નવું કરતો જોવા મળે છે. પરંતુ મુકેશ ખન્નાને આ બધું પસંદ નથી.