કાસ્ટિંગ કાઉચનો ભોગ બનીને મુંજ્યાના ઍક્ટર અભય વર્માએ છોડી દીધું હતું મુંબઈ

હૉરર-કૉમેડી ફિલ્મ ‘મુંજ્યા’માં બિટ્ટુનું મુખ્ય પાત્ર ભજવીને લોકોનું ધ્યાન ખેંચનાર અભિનેતા અભય વર્માએ મુંબઈના પોતાના શરૂઆતના દિવસો યાદ કર્યા હતા. ઍક્ટરે ખુલાસો કર્યો હતો કે એક વખત તે કોઈ મીટિંગ માટે ગયો હતો અને ત્યાં કાસ્ટિંગ કાઉચનો શિકાર બન્યો હતો. કાસ્ટિંગ કાઉચ એટલે કામ માગવા આવેલી વ્યક્તિ પાસે કામના બદલામાં સેક્સ્યુઅલ ફેવર માગવામાં આવે એ.

આ ઘટનાના કારણે તે મુંબઈથી પાછો હરિયાણા ચાલ્યો ગયો હતો.

અભય વર્માએ એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ‘આમ તો મારું એ વખતે એ લેવલ નહોતું કે હું કોઈને ના પાડી શકું, પણ એક વખત એવું થયું હતું. મુંબઈની મારી પહેલી મીટિંગ આદર્શ કહી શકાય એવી નહોતી. હું પાનીપતથી આવેલો એક નિર્દોષ છોકરો હતો. મને એ મીટિંગમાં લાગ્યું કે એ વ્યક્તિ મારી સાથે કામની વાત નથી કરી રહ્યો, તે કંઈક બીજું ઇચ્છી રહ્યો છે. મને લાગ્યું કે મારું ટીવીનું રિમોટ હું બીજાને રમવા કે ચૅનલ બદલવા ન આપી શકું, આ મારું જીવન છે અને મારું લક્ષ્‍ય છે. હું પાનીપત પાછોજતો રહ્યો.’

અભય આગળ કહે છે, ‘મેં પોતાની જાતને કહ્યું કે આ મારી જર્ની છે અને બીજા કોઈને હક નથી કે તે મારી જર્ની કેવી હોવી જોઈએ એ નક્કી કરે. ત્યાર પછી મેં નક્કી કર્યું કે હું મુંબઈ પાછો ફરીશ. હું વધુ સ્ટ્રૉન્ગ થઈને મુંબઈ પાછો આવ્યો.’

અભય વર્માએ ૨૦૨૩માં આવેલી ફિલ્મ ‘સફેદ’થી બૉલીવુડમાં ડેબ્યુ કર્યો હતો. એમાં તેણે એક ટ્રાન્સજેન્ડરનું પાત્ર ભજવ્યું હતું. અભય વર્માએ મનોજ બાજપાઈની સિરીઝ ‘ધ ફૅમિલી મૅન’માં પણ કામ કર્યું છે.