સારા અલી ખાન હંમેશા પોતાના પિતાની અભિનય ક્ષમતા બાબતે અહોભાવથી વાત કરતી જોવા મળે છે. તેણે તાજેતરમાં એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે ભવિષ્યમાં ક્યારેક તેના માતા-પિતા કરતાં અડધી અભિનય ક્ષમતા પણ હાંસલ કરી શકે. સારાએ 2018માં ‘કેદારનાથ’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. જોકે, હજુ સુધી એણે ‘દેવરા પાર્ટ 1’માં તેના પિતાનું કામ હજુ જોયું ન હોવાની પણ વાત કરી હતી.
પરંતુ તેને વિશ્વાસ છે કે સૈફે જોરદાર કામ જ કર્યું હશે.
સારાએ કહ્યું,’હું મારા પપ્પાને બહુ પ્રેમ કરું છું અને મને વિશ્વાસ છે કે એમણે જોરદાર કામ જ કર્યું હશે. મને એમના માટે બહુ માન છે અને એમનું કામ પણ બહુ ગમે છે. હું આશા રાખું કે એક દિવસ મારામાં મારા પૅરેન્ટ્સ કરતાં અડધી પણ એક્ટિંગ ક્ષમતા હોય.’
સારા સેનેટરી પૅડ્ઝની બ્રાન્ડ સાથે પણ કામ કરે છે. તો આ ઇવેન્ટમાં તેણે કહ્યું, ‘એક મહિલા તરીકે હું માનું છું કે બીજી મહિલાને મારે બને એટલો આરામ આપવાની કોશિશ કરવી જોઈએ. આપણે ત્યાં પિરીયડ્ઝ એક ટેબૂ છે, પૅડ છુપાવી દો, પીરિયડ્ઝ વિશે જાહેરમાં વાત ન કરો, તેને કાળી બૅગમાં પેક કરીને રાખો.’
આગળ સારાએ કહ્યું,’આપણે ત્યાં પીરિયડ્ઝ, માનસિક આરોગ્ય અને હાઇજિન વિશે વાત કરતાં લોકોને બહુ સંકોચ થાય છે. તે વિશે ખુલીને વાત કરવી એ જ સૌથી મોટું પગલું છે. આપણું જીવન કોઈને કોઈ રીતે પીરિયડ્ઝની આસપાસ જ સંકળાયેલું છે.’
સારા પહેલાંથી જ પીસીઓડી અને ઓબેસિટી વિશે ખુલીને બોલતી રહી છે. તેણે આ અંગે કહ્યું, ‘ઘણી સ્ત્રીઓ મારી પાસે આવે છે અને કહે છે કે સારું થયું તમે વજન, સ્ટ્રેસ અને પીસીઓડી વિશે વાત કરી. આ બધી બાબતો એટલી સામાન્ય છે કે મને સમજાતું નથી કે લોકો તેના વિશે ખુલીને વાત કેમ કરતાં નથી. જો હું કોઈને પણ એવો અહેસાસ કરાવવા માગતી હોય કે હું એમને સમજું છું, તો એ આ સમસ્યાઓ છે, જ્યારે મહિલાઓ તમને કહે છે કે આ તો મારી પણ સમસ્યા છે. ત્યારે તમને અચાનક સારું લાગવા માંડે છે. જો હું એટલું કરી શકતી હોય તો કમ ન કરું.’