ગુજરાતી ફિલ્મ ‘કર્મ વૉલેટ’ને રિલીઝ પહેલાં જ આંતરરાષ્ટ્રીય એવોર્ડ અને સન્માન મળ્યાં

ગુજરાતી ફિલ્મોમાં સતત નવા વિષય સાથેના પ્રયોગો તો થઈ જ રહ્યા છે, સાથે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતી ફિલ્મો પોતાની હાજરી પુરાવવાની સાથે નામના પણ મેળવી રહી છે. ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર વિપુલ શર્મા, પ્રોડ્યુસર જય પંડ્યા અને એક્ટર તુષાર સાધુની ફિલ્મ ‘કર્મ વૉલેટ’ યુનાઇટેડ સ્ટેટ્સ એરિઝોનાના ગ્રાન્ડ કેન્યન ફિલ્મ ફેસ્ટિવલ તેમજ ભારતના ક્રાઉન વૂડ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વિજેતા થઈ છે.

સાથે જ આ ફિલ્મને ગ્રીસમાં એથેન્સ ઇન્ટરનેશનલ આર્ટ ફિલ્મ ફેસ્ટિવલ 2025માં ઓનરેબલ મેન્શન મળ્યું છે, તો જાપાન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આ ફિલ્મને બેસ્ટ એક્ટર અને બેસ્ટ મ્યુઝિક માટે નોમિનેશન મળ્યું છે. હવે આ ફિલમ 18 ઓક્ટોબરે ગુજરાતમાં અને મુંબઈમાં રિલીઝ થઈ રહી છે. ત્યારે તેના લીડ એક્ટર તુષાર સાધુ, ડિરેક્ટર વિપુલ શર્મા અને પ્રોડ્યુસર જય પંડ્યા નવગુજરાત સમયની મુલાકાતે આવ્યા હતા.

આ ફિલ્મ વિશે વાત કરતા વિપુલ શર્માએ કહ્યું હતું,’કર્મ પર આપણું જીવન છે, એ ફિલોસોફી આપણને બાળપણથી શીખવવામાં આવે છે. કોઈ એવું જીવન નથી જ્યાં દુઃખ હોય જ નહીં, છતાં ડર વિના જીવન જીવવું એ ગીતા આપણને શીખવે છે. આ જ વિચાર પર આધારિત છે. ફિલ્મ કોઈ સંદેશાત્મક અભિગમ અપનાવ્યા વિના એક્શન, થ્રિલ, રોમાન્સ, મજા અને મનોરંજન સાથે આ વાત સમજાવે છે કે આપણને ખુશીથી જીવતા શીખવે છે.’

વિવિધ ફેસ્ટિવલમાં ફિલ્મને મળેલી નામના અંગે તુષાર સાધુએ જણાવ્યુ,’આ પ્રકારના ઇન્ટરનેશનલ ફેસ્ટિવલ્સમાં હજારો ફિલ્મો મોકલાતી હોય છે, તેમાં અમુક ફિલ્મો સિલેક્ટ થાય અને તેમાં પણ આપણી ગુજરાતી ફિલ્મને એવોર્ડ કે નોમિનેશન મળે તો આપણા માટે ગૌરવની વાત છે, એક કલાકાર તરીકે આપણો આત્મવિશ્વાસ પણ વધે છે.’

પોતાના પાત્ર વિશે વાત કરતા તુષારે જણાવ્યું, ‘હું ખૂબ એરોગન્ટ બિઝનેસમેન દેવનું પાત્ર ભજવું છું. જે પોતાને દરેકથી ઉપર માને છે, પરંતુ એ એક એવી સ્થિતિમાં ફસાય છે કે તેને અન્ડરગ્રાઉન્ડ થઈ જવું પડે છે એને તે ફરી જીવન જીવતા શીખે છે. મારા માટે આટલા ગુસ્સાવાળા વ્યક્તિનું પાત્ર કરવું જ ખૂબ પડકારજનક હતું કારણ કે મને આ રીતે ગુસ્સો ક્યારેય નથી આવતો. પરંતુ અમે વર્કશોપ્સ કરી, તેમજ હું હંમેશા વિપુલ સર પાસેથી પહેલાં સ્ક્રિપ્ટ લઉં છું અને સવારે પહેલાં એક જ બેઠકમાં આખી સ્ક્રિપ્ટ વાંચી જઉં છું, ત્યાર બાદ આ પ્રકારના લોકોનું નિરીક્ષણ કરીને તેને અભિનયમાં ઉતારતો હોઉં છું.’

જય પંડ્યાએ કહ્યું, ‘સામાન્ય રીતે આ પ્રકારના ફેસ્ટિવલમાં તમે એવી જ ફિલ્મ મોકલી શકો જે થિએટરમાં રિલીઝ ન થઈ હોય. તે ઉપરાંત અમારી ફિલ્મ ‘ફ્રેન્ડો’ હાલ થિએટરમાં ચાલી રહી છે, તેથી અમે રિલીઝમાં થોડી રાહ જોઈ અને ઘણા ફેસ્ટિવલમાં અમારી ફિલ્મ મોકલી છે. ત્યાંથી અમને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે, અમે હજુ અમુક ફેસ્ટિવલ માટે આ ફિલ્મ મોકલી રહ્યાં છીએ. અમારી ત્રણની સાથે આ ત્રીજી ફિલ્મ છે, પહેલાં અમે ‘વર પધરાવો સાવધાન’ કરી, પછી ‘ફ્રેન્ડો’ અને હવે આ ‘કર્મ વૉલેટ’.’

આ ફિલ્મમાં બે ગીતો જ છે, જેમાંથી એક ટાઇટલ ટ્રેક સૂરજ જગને ગાયું છે અને બીજું ગીત કૈલાશ ખેર દ્વારા ગાવામાં આવ્યું છે.