રણબીર કપૂર ‘રોકસ્ટાર’થી દેશભરમાં જાણીતો બન્યો હતો. આગામી બે વર્ષમાં તેની ‘એનિમલ પાર્ક’, ‘ધૂમ 4’, ‘રામાયણ’ અને ‘લવ ઍન્ડ વૉર’ સહિતની ફિલ્મો રિલીઝ થઈ રહી છે. આ બિગ બજેટ ફિલ્મોને જોતાં પાન ઈન્ડિયા સ્ટાર તરીકે પ્રભાસના મુકાબલામાં બોલિવૂડના રોકસ્ટાર તરીકે રણબીરને સ્થાન મળી શકે છે.
રામાયણ પાર્ટ 1
નિતેશ તિવારીની ‘રામાયણ’ની ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે.
આ ફિલ્મમાં રણબીર ભગવાન રામની ભૂમિકામાં જોવા મળશે. જ્યારે તેની સાથે સાઈ પલ્લવી સીતાની ભૂમિકામાં છે. તો ‘કેજીએફ’ ફેમ યશ રાવણના રોલમાં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે આ ફિલ્મમાં સન્ની દેઓલ હનુમાનજીના રોલમાં અને લારા દત્તા કૈકેયીના રોલમાં જોવા મળશે. આ ઉપરાંત પણ ઘણા જાણીતા કલાકારો આ ફિલ્મમાં અલગ અલગ રોલમાં જોવા મળશે.
બ્રહ્માસ્ત્ર 2
રણબીર અને આલિયાના ટ્રાયોલોજી ‘બ્રહ્માસ્ત્ર’નો પહેલો ભાગ આવ્યો ત્યારથી તેમના ફૅન્સ હવે આ ફિલ્મના બીજા ભાગની રાહ જોઈ રહ્યા છે. 2022માં રિલીઝ થયેલી આ ફિલ્મે દર્શકોને અસ્ત્રાવર્સ નામના નવા બ્રહ્માંડનો પરિચય કરાવ્યો હતો. આયાન મુખર્જીની પહેલી ફિલ્મમાં રણબીર, આલિયા, નાગાર્જુન અને અમિતાભ બચ્ચન મુખ્ય રોલમાં હતાં. હવે તેના બીજા ભાગ ‘બ્રહ્માસ્ત્ર પાર્ટ 2 -દેવ’માં રણવીર સિંહ પણ જોવા મળશે. આ ટ્રોયોલોજીના આગામી બે ભાગ 2026 અને 2027માં રિલીઝ થશે.
ધૂમ 4
થોડાં દિવસો પહેલા જ ધૂમ ફ્રેન્ચાઇઝીના મેકર્સ દ્વારા આ ફિલ્મના ચોથા ભાગની જાહેરાત કરવામાં આવી છે અને તેમાં રણબીર કપૂર મુખ્ય રોલમાં હોવાની વાત થવાની સાથે જ તેના ફૅન્સ ઉત્સાહમાં આવી ગયા છે. બાઇક ચેઝિંગ અને થ્રિલિંગ ચોરીની વાર્તાઓ પર આધારિત આ ફિલ્મોને પસંદ કરનારો એક અલગ વર્ગ છે. આ ફિલ્મનું પ્રી પ્રોડક્શન શરૂ થઈ ચૂક્યું છે. ત્યારે આ સ્વરૂપમાં રણબીરને જોવા માટે બધા ઘણા આતુર છે.
એનિમલ પાર્ક
‘એનિમલ’ને તાજેતરની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મની સફળતા બાદ તેની સિક્વલની જાહેરાત કરવામાં આવી હતી. જેને ‘એનિમલ પાર્ક’ નામ આપવામાં આવ્યું છે. આ એક એક્શન થ્રિલર હશે, જેમાં રણબીર ડબલ રોલમાં જોવા મળશે. ફિલ્મના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગાએ કહ્યું હતું કે આ ફિલ્મ અગાઉની ફિલ્મ કરતાં પણ વધુ ડાર્ક અને ઇન્ટેન્સ હશે. તેમાં પણ રણબીર સાથે રશ્મિકા મંદાના મુખ્ય રોલમાં હશે.
લવ ઍન્ડ વૉર
આ ફિલ્મ સાથે તે ફરી એક વક સંજય લીલા ભણસાલી સાથે કામ કરશે, જેની સાથે તેણે ‘સાંવરિયા’ ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. તેની સાથે ‘લવ ઍન્ડ વૉર’માં આલિયા ભટ્ટ હશે, તેની ભણસાલી સાથે આ બીજી ફિલ્મ હશે. તે આ પહેલાં ભણસાલીની ‘ગંગુબાઈ કાઠીયાવાડી’માં કામ કરી ચૂકી છે. જ્યારે વિકી કૌશલની આ ભણસાલી સાથે પહેલી ફિલ્મ છે. પહેલાં આ ફિલ્મ ક્રિસમસ 2025 પર રિલીઝ થવાની હતી, પરંતુ હવે તેની રિલીઝ 26 માર્ચ સુધી પાછી ખેંચાઈ હોવાની ચર્ચા છે.