ADVERTISEMENT
ADVERTISEMENT

ક્યારેક લાગે છે કે કંઈક અચીવ કરી લીધું છે… પણ!! : ‘અનુપમા’ની કિંજલ

આજે કારકિર્દીમાં એક લેવલ પર પહોંચેલી ‘અનુપમા’ની કિંજલ એટલે કે નિધિ શાહ અહીં સુધીનું ચડાણ કેવું કપરું હતું એના સહિતની અનેક અંગત વાતો ‘મિડ-ડે’ સાથે શૅર કરે છે

બચપણથી જે કરવાનું તમે વિચારતા હો અને સાવ થોડી જ મહેનતમાં એ તમને મળી જાય ત્યારે તમને કેવું લાગે?એમ જ થાયને કે ઓહો આમાં શું બહુ મોટી વાત છે? સાવ ઈઝી જ છે! ‘અનુપમા’ સિરિયલમાં કિંજલનો રોલ કરી રહેલી નિધિ શાહે વિલે પાર્લેની મીઠીબાઈ કૉલેજમાંથી ટ્વેલ્થની બોર્ડ એક્ઝામ આપ્યા પછી તરત જ અનુપમ ખેરની ઍક્ટિંગ સ્કૂલ ‘અનુપમ ખેર્સ ઍક્ટર પ્રિપેર્સ’માં ચાર મહિનાના અૅક્ટિંગ કોર્સમાં ઍડ્મિશન લીધું અને એ પત્યો એવું જ યશરાજની ફિલ્મ્સની ૨૦૧૩ની ફિલ્મ ‘મેરે ડૅડ કી મારુતિ’માં એક નાનકડો રોલ મળ્યો ત્યારે આવું જ ફીલ કર્યું હતું.

નિધિ કહે છે, ‘આ મૂવીનું ઑડિશન મેં આપ્યું અને હું સિલેક્ટ થઈ ગઈ. આ મારું પહેલું જ ઑડિશન હતું. આમાં એક પીધેલી છોકરીનો રોલ મારે કરવાનો હતો. રોલ ખૂબ નાનો અને ફની હતો. મેં એ એટલી સરસ રીતે કર્યો કે તેમને ખૂબ ગમ્યો, મને સિલેક્ટ કરી. ત્યાંથી મને લાગ્યું કે જાણે મેં હવે કંઈક અચીવ કરી લીધું છે, ઓહો આમાં શું અઘરું છે? આ તો ઈઝી છે. પણ ઇટ્સ નૉટ ઈઝી. એવરીટાઇમ યુ હૅવ ટુ સ્ટાર્ટ ફ્રૉમ ઝીરો.’ ટીવી પર આવવું હતું

૨૦ ઑક્ટોબરે છવ્વીસમી વર્ષગાંઠ ઊજવનારી નિધિ મુંબઈની છે.

મલાડ-ઈસ્ટમાં તેનો જન્મ. જુહુ પછી તેઓ અંધેરી શિફ્ટ થયાહતા. સ્ક્રીન પર આવવાનું સપનું નિધિ શાહે નાની હતી ત્યારથી જોયું હતું. તે કહે છે, ‘હું એકદમ નાની હતી ત્યારથી મને ડાન્સિંગનો બહુ શોખ. મમ્મીનો દુપટ્ટો લઈને હું અરીસા સામે ઊભી-ઊભી ડાન્સ કરતી અને ચેનચાળા કરતી રહેતી. મમ્મીની લિપસ્ટિક લગાવીને નખરાં કરતી. મારા પપ્પા મારા માટે રમકડાં લાવતા. જોકે એ વખતે ટૉય્ઝમાં અત્યાર જેટલી વરાઇટી નહોતી પણ છતાંય મારા પપ્પા મારા માટે ઘણાં રમકડાં લાવતા હતા, પરંતુ મારો ઇન્ટરેસ્ટ મમ્મીના દુપટ્ટામાં વધુ રહેતો હતો. જ્યારથી મને થોડી સમજણ આવી ત્યારથી મારી એવી ફીલિંગ હતી કે મારે સ્ક્રીન પર આવવું છે, અહીં પર્ફોર્મ કરવું છે.’

કપરી સફર

નિધિએ ટ્વેલ્થ પછી ઑડિશન આપવાનું શરૂ કર્યું. નાનો, પણ પહેલો રોલ યશરાજ ફિલ્મ્સની ફિલ્મમાં મળ્યો. એ પછી ‘ફટા પોસ્ટર નિકલા હીરો’ ફિલ્મમાં પણ નાનો રોલ મળ્યો. ‘જાના ના દિલ સે દૂર’, ‘તૂ આશિકી’, ‘કવચ’,‘મહાશિવરાત્રિ’, ‘કાર્તિક પૂર્ણિમા’ જેવી સિરિયલો કરી પણ તેને સૌથી વધુ ઓળખાણ ‘અનુપમા’થી મળીw માત્ર ૩ મહિના માટે આ શોમાં તેને લેવામાં આવી હતી પણ એક્સટેન્શન થતું ગયું. ૪ વર્ષથી તે ‘અનુપમા’ કરી રહી છે. નિધિના પપ્પા કાન્તિ શાહ જાણીતા ફિલ્મમેકર છે. મમ્મી મહારાિષ્ટ્રયન ઍક્ટ્રેસ હતાં. જોકે બહુ જાણીતાં નહોતાં. મમ્મી અને પપ્પા આ જ ફીલ્ડનાં હોવા છતાં પણ અહીં સુધીની મંઝિલ નિધિ માટે જરાય સરળ નહોતી. દર- દરની ઠોકરો ખાવી પડી, અનેક તકલીફો સહેવી પડી હતી એની વાત કરતાં તે કહે છે, ‘મારી આ જર્ની ઈઝી નથી રહી, જીવનમાં ખૂબ સ્ટ્રગલ હતી, ક્યારેક નસીબ સાથ નહોતું આપતું તો ક્યારેક કોઈ મોટા પ્રોજેક્ટ માટેહું પ્રિપેર્ડ નહોતી. કોઈવાર મને શીખવામાં સમય લાગી જતો હતો, કારણકે મને શીખવવાવાળું કોઈ નહોતું.મેં જે કંઈ કર્યું છે એ મારી જાતે, મારી મહેનતથી કર્યું છે. મારાં પપ્પા-મમ્મી આ ફીલ્ડમાં હતાં પણ મને કોઈએ હેલ્પ નથી કરી, મેં કોઈની મદદ નથી લીધી.તેમને તેમની સ્ટ્રગલ હતી. એ પછી અમે સેપરેટ થયાં. મારી જર્ની આસાન નહોતી, જીવનમાં ખૂબ કઠિનાઈઓ હતી. ઑડિશનો આપતા રહેવું, તમારા ટર્નની અને રિઝલ્ટની રાહ જોતા રહેવું. કેટલાક શોઝ બંધ થઈ ગયા. ઘણીબધી જગ્યાએથી રિજેક્શન મળ્યું. જોકે આ બધું પાર્ટ ઑફ લાઇફ છે.’

આ મારો છેલ્લો શો

બે ફિલ્મોમાં નાના રોલ કર્યા પછી નિધિએ ડેઇલી સોપમાં સ્વિચ કર્યું. પહેલો જ શો સ્ટાર પ્લસનો મળ્યો. નિધિ કહે છે, ‘મારે ટીવી પર આવવું હતું, પોતાની જાતને ટીવી પર જોવી હતી. મારું એ ડ્રીમ હતું.મારી ફૅમિલી પણ એ ઇચ્છતી હતી. પહેલો શો સ્ટાર પ્લસનો મળ્યો એ આશ્ચર્યજનક પણ હતું અને ભગવાનના આશીર્વાદ પણ હું માનું છું, કારણ કે મારે જે કરવું હતું એ કરવા મને મળી રહ્યું હતું. આ શો સારો ચાલ્યો પણ ખરો.’

શૂટિંગનો પહેલો દિવસ કેવો હતો એના જવાબમાં નિધિએ પોતાની માનસિક સ્થિતિ જ નહીં, ભારે ફિલસૂફી પણ વર્ણવી દીધી. તે કહે છે, ‘પહેલો એપિસોડ શૂટ થયો ત્યારે હું ખૂબ નર્વસ હતી.કંઈ આવડતું નહોતું, કંઈ સમજાતું નહોતું, લાઇનો યાદ નહોતી રહેતી, ખૂબ બધા ટેક્સ આપવા પડતા હતા. હું ખૂબ ગભરાઈ ગઈ હતી.એમ જ થતું કે નહીં યાર, યે શો કે બાદ મૈં નહીં કરુંગી. દરેક શૂટ પછી મને લાગતું હતું કે મૈં યે નહીં કર પાઉંગી, બસ આ છેલ્લો શો છે, આઇ ઍમ નૉટ કટ આઉટ ફૉર ઇટ… પર ઠીક છે, ચલતે રહો, કામ કરતે રહો. ઍઝ ઍન ઍક્ટર રીડિંગ અને પ્રૅક્ટિસ જ મહત્ત્વનાં છે. ક્રિકેટર માટે જેમ પ્રૅક્ટિસ મહત્ત્વની હોય છે એવું જ ઍક્ટર માટે પણ છે, એજ તમને કામ આવશે. પ્રૅક્ટિસ બેસ્ટ છે. ડેઇલી પ્રૅક્ટિસ જ તમારા પર્ફોર્મન્સને બેટર બનાવશે…અપને ગ્રાફ પે કામ કરો, અપને આપ પે કામ કરો.મારે ઍક્ટિંગ જ કરવી છે.પર્ફોર્મ કરવું છે. આમાં જ ગ્રો થવું છે, ઇમ્પ્રૂવ થવું છે, બહેતર કરવું છે. એવું નથી કે મને આ ઇન્ડસ્ટ્રીમાં દસબાર વર્ષ થઈ ગયાં છે. મને ૮ વર્ષ થયાં એમાં પાંચ ડેઇલી સોપ, બે મૂવી અને મૉડલિંગ કર્યાં છે. હવે વેબ-શો કરવા છે.’

ADVERTISEMENT
ADVERTISEMENT

મસ્તીખોર

નિધિ અંધેરીની જાનકીદેવી પબ્લિક સ્કૂલમાં ભણી છે. સ્કૂલની વાતો કરતાં નિધિ કહે છે, ‘મારી સ્કૂલ બહુ હાઇફાઇ હતી.હું મસ્તીખોર હતી તેથી ક્લાસમાં મને પનિશમેન્ટ ખૂબ મળતી.ક્લાસની બહાર કાઢી ઊભા રાખી દેતા. વાતે-વાતે હુંખૂબ હસતી હતી અને ત્યારે ટીચર મને કેમ હસે છે? નીકળો ક્લાસ બહાર… કહી કલાક સુધી બહાર ઊભી રાખી દેતા. ટીચર અમને કહી-કહીને થાકી જતાહતા પણ અમે સાંભળતા જ નહીં. ઍલ્જિબ્રા-જ્યોમેટ્રીના ક્લાસમાંથી પણ મને એક-એક કલાક સુધી બહાર કાઢી મૂકતા.’

આઇ લવ કુકિંગ

તીખું-તમતમતું ખાવાની શોખીન નિધિએ રસોઈ બનાવવી તેને ગમે છે અને તે બનાવે પણ છે એની વાત કરતાં કહ્યું, ‘મને કુકિંગ ગમે છે. મારી મમ્મી મહારા​િષ્ટ્રયન છે એટલે મને પૂરણપોળી, ઠેચા, ટમાટરની ચટણી, આમટી જેવી કેટલીક મહારા​િષ્ટ્રયન ડિશ આવડે છે. ગુજરાતી ડિશ પણ કેટલીક આવડે છે. દૂધીનો હલવો, ખીર, ચૂરમાના લાડુ વગેરે આવડે છે. મારા હાથના બનાવેલાં પનીર ભૂરજી, દૂધીનો હલવો મને બહુ ભાવે છે. ગુજરાતી દાળ, કઢી, બટાટાની સબ્ઝી, ઘી નાખેલો બાજરાનો રોટલો, દાળઢોકળી, વાઇટ ઢોકળાં મને ભાવે છે. મારી મમ્મીની જેમ મને પણ તીખું ખાવું ગમે છે.’

મૂવી કે ડેઇલી સોપ?

શરૂઆત મૂવીથી થઈ પછી ડેઇલી સોપમાં નિધિ કેમ આગળ વધી? આ ફીલ્ડની કેટલીક વાતો કરતાં તે કહે છે, ‘મારું પૅશન ડાન્સિંગ અને બૅડ્મિન્ટન રમવાનું છે, પણ જ્યારે ડેઇલી સોપમાં તમે કામ કરો ત્યારે પૅશન છૂટી જાય છે. હવે તો પૅશન ઍક્ટિંગ જ રહી ગયું છે. ‘અનુપમા’ શો મારા જીવનનો ટર્નિંગ પૉઇન્ટ કહી શકાય, કારણકે આ શોએ મને અલગ જ ઓળખ આપી.પ્રેક્ષકો અને ફૅન્સનો પ્યાર મળ્યો. મને શો મળ્યો ત્યારે કહેવામાં આવ્યું હતું કે ૩ મહિના મારું કૅરૅક્ટર છે. મને પણ હતું કે હું ૩ મહિના જ શો કરીશ, પછી છોડી દઈશ કારણકે મારે મૂવીઝ અને વેબ-શો કરવા હતા. ત્રણમાંથી ૬ મહિના કામ ચાલ્યું અને હવે તો ચાર વર્ષ થઈ ગયાં. ઘણીવાર મેં શો છોડ્યો પણ ખરો, પણ પછી લાગ્યું કે આટલો મોટો નંબર વન શો જેના કારણે મને આટલું બધું એક્સપોઝર મળ્યું છે, પ્યારો શો છે, પ્યારે લોગ, માઇન્ડબ્લોઇંગ મલ્ટિ-ટૅલન્ટેડ કો-ઍક્ટર્સ, ગ્રેટ પ્રોડ્યુસર. આટલું સરસ કૉમ્બિનેશન ભગવાનના આશીર્વાદથી મળ્યું છે તો શા માટે છોડીને જવું? પણ હવે મારે ગ્રો થવું છે, દરેકનો એક સૅચ્યુરેશન પૉઇન્ટ આવે. મારે એક ડગલું આગળ વધવું છે.’

નવરાત્રિ મિસ કરું

ADVERTISEMENT
ADVERTISEMENT

નિધિને ગરબા રમવા બહુ ગમે છે, પણ કૉલેજમાં આવી ત્યારથી નવરાત્રિમાં રમવા જવાનું સાવ છૂટી ગયું છે. આજે પણ તે નવરાત્રિને ખૂબ મિસ કરે છે. તે કહે છે, ‘મારા ડૅડ ગુજરાતી છે. હું બાળપણમાં ગરબા બહુ રમતી હતી. સ્કૂલમાં હતી ત્યારે અમે કોરા કેન્દ્ર અને ગોરેગામમાં ફાલ્ગુની પાઠક અને પ્રીતિ-પિન્કીની નવરાત્રિમાં બહુ રમવા જતાં હતાં. એક સપ્તાહ પહેલાંથી ગરબાની પ્રૅક્ટિસ ચાલુ થઈ જતી. અમે દાંડિયા રમતી વખતે ખૂબ મસ્તી કરતાં. કેટલીયે વાર દાંડિયા અને હાથ-પગ તોડીને પણ આવ્યાં છીએ. નવરાત્રિમાં મેદાન પર સાથે રમતાં, ખાઈપીને જલસા કરતાં. ગરબા રમતી અમારી આખી ગૅન્ગ હતી. હવે બધા પોતાના કામમાં બિઝી થઈ ગયા છીએ, કોઈ મળી નથી શકતા. હવે નવરાત્રિ બહુ મિસ થાય છે.’

નવરાત્રિમાં આજના જેવી કપડાંની વરાઇટી અને ભરમાર ત્યારે ચલણમાં નહોતી અને નિધિ પાસે પણ નહોતી એમ જણાવતાં તે કહે છે, ‘અમારી લાઇફ સિમ્પલ હતી. નવરાત્રિમાં પહેરવાના એક-બે ડ્રેસ જ મારી પાસે હતા. એ સમયે નવરાત્રિમાં પહેરવા ચણિયાચોળી વગેરે મારી પાસે નહોતાં. મમ્મી મને અલગ જ કપડાં પહેરાવતી હતી. એવું ઘણી વાર થયું છે કે પૅન્ટ અને ટૉપ પર હું દુપટ્ટો નાખીને રમવા જતી હતી અને ત્યારે મને થતું કે હું આ શું પહેરીને આવી છું, હું બહુ ફની લાગું છું, હું શું કામ આવું પહેરીને આવી? પણ મારી પાસે નવરાત્રિના એક-બે જ ડ્રેસ હતા.’