હિન્દી સિનેમામાં ગરબાની રમઝટ વર્ષોથી ચાલતી આવે છે. વર્ષો પહેલાંય હિન્દી ફિલ્મોના ગરબા મશહૂર બન્યા હતા અને આજેય એની એક લાઇન કાને પડી જાય તો ગરબો ગાવાનું મન થઇ જાય. અલબત્ત, પહેલાં ગરબાઓ વધારે પ્રમાણમાં નહોતા આવતા, જ્યારે હવે ફિલ્મોમાં એનું પ્રમાણ વધ્યું છે. એક સમય તો એવો હતો
જ્યારે હિન્દી સિનેમાના મેકર્સ એવું વિચારવા લાગ્યા હતા કે ફિલ્મોને હિટ કરવી હોય તો એની અંદર એક ગરબો એડ કરી દેવો.
હિન્દી ફિલ્મોમાં ગરબાનો ક્રેઝ સંજય લીલા ભણસાલીની ફિલ્મોએ ખાસ વધાર્યો છે. એમણે હમ દિલ દે ચૂકે સનમથી આ ક્રેઝ હિન્દી ઇન્ડસ્ટ્રીમાં ક્રિએટ કર્યો છે, જે હજી ચાલતો આવે છે. એ પહેલાં પણ હિન્દી ફિલ્મોમાં ગરબા આવતા, પણ એ કોઇ કોઇ ફિલ્મોમાં હતા. જ્યારે હમ દિલ દે ચૂકે સનમ પછી બહોળા પ્રમાણમાં હિન્દી ફિલ્મોમાં ગરબા શરૂ થઇ ગયા છે. આમ જોવા જઇએ તો ભણસાલીએ પોતે પણ એમની મોટાભાગની ફિલ્મોમાં ગરબા લીધા જ છે. નવરાત્રી ચાલી જ રહી છે તો કઇ કઇ ફિલ્મના ગરબા ખૂબ ચાલ્યા છે એ વિશે થોડી વાત કરી લઇએ.
મૈં તો ભૂલ ચલી, સરસ્વતીચંદ્ર (1968)
વર્ષ 1968ની ફિલ્મ સરસ્વતીચંદ્રમાં એક્ટ્રેસ નૂતન ઉપર ફિલ્માવેલું ગીત મૈં તો ભૂલ ચલી બાબુલ કા ઘર એ સમયે ઘણું જ પ્રસિદ્ધ થયું હતું. અલબત્ત, આ હાર્ડકોર ગરબો નહોતો, પણ તે ગરબાની ધૂન ઉપરથી ઇન્સ્પાયર થઇને બનાવવામાં આવ્યું હતું. એના મ્યુઝિકના કારણે જ એને ગરબા તરીકે 70ના દાયકાની નવરાત્રીમાં ખૂબ વગાડાતું હતું. ગીત લતા મંગેશકરે ગાયું હતું.
મૈં તો આરતી ઉતારું રે, જય સંતોષી મા (1975)
ફિલ્મ જય સંતોષી માનું ગીત મૈં તો આરતી ઉતારું કાનન કૌશલ ઉપર ફિલ્માવવામાં આવ્યું હતું. આ ફિલ્મ આવ્યા બાદ સ્ત્રીઓમાં સંતોષી માતાના વ્રતનો ક્રેઝ ખૂબ વધી ગયો હતો. મૈં તો આરતી ઉતારું ભલે સંતોષી માતાની આરતી માટે ગવાયેલું હતું, પણ એનું મ્યુઝિક એકદમ ગરબાના મ્યુઝિક જેવું હોવાના કારણે તે નવરાત્રીમાં પણ લોકપ્રિય બન્યું હતું. આ ગીત ઉષા મંગેશકરે ગાયું હતું.
ઓ શેરા વાલી, સુહાગ (1979)
80ના દાયકામાં ફિલ્મી ગરબાઓમાં જો કોઇ ગરબો સૌથી વધારે ફેમસ બન્યો હોય તો એ સુહાગ ફિલ્મનો ઓ શેરા વાલી ગરબો હતો. આ ગરબો અમિતાભ બચ્ચન અને રેખા ઉપર ફિલ્માવવામાં આવ્યો હતો. આ ગરબાએ એ સમયે અને એ પછી ઘણાં વર્ષો સુધી ધૂમ મચાવી હતી. એને આશા ભોંસલે અને મહોમ્મદ રફીએ ગાયો હતો. સુહાગ ફિલ્મ આવ્યા બાદ ખાસ્સાં વર્ષો સુધી નવરાત્રીમાં આ ગરબો ફરજિયાતપણે વગાડાતો.
જય અંબે જગદંબે મા, ક્રાંતિવીર (1994)
ક્રાંતિવીર ફિલ્મનો ગરબો જય અંબે જગદંબે મા ડિમ્પલ કાપડિયા ઉપર ફિલ્માવવામાં આવ્યો હતો. આ ફાસ્ટ અને એનર્જેટિક ગરબો હતો. ડિમ્પલે એમાં કમાલ કરી હતી. મજાની વાત એ હતી કે 1994માં આ ગરબામાં ગુજરાતી ગાયક પ્રફુલ દવેએ પણ પોતાનો કંઠ આપ્યો હતો. એમની સાથે સપના અવસ્થી અને સુદેશ ભોંસલે હતાં.
યહી હૈ પ્યાર, આ અબ લૌટ ચલે (1999)
ઐશ્વર્યા રાયે એની કરિયરનો પહેલો ગરબો યહી હૈ પ્યાર શૂટ કર્યો હતો. આ એક હિન્દી ગીત છે, પણ એનું મ્યુઝિક ગરબા જેવું તેમજ એમાં ડાન્સમાં ગરબાનાં જ સ્ટેપ્સ લેવામાં આવ્યાં હતાં. આ ગીત જસ્પિંદર નરુલા, ઉદિત નારાયણ અને અલ્કા યાજ્ઞિકે ગાયું હતું.
ઢોલી તારો ઢોલ, હમ દિલ દે ચૂકે સનમ (1999)
ઐશ્વર્યાનો આ અબ લૌટ ચલેનો ગરબો ભલે બહુ ફેમસ ન થયો હોય, પણ ઢોલીડાએ 1999માં અને એ પછી ઘણાં વર્ષો સુધી ધૂમ મચાવી હતી. આ ફિલ્મમાં ગુજરાતી કલ્ચર બતાવવામાં આવ્યું હતું એટલે ગુજરાતીના તમામ તહેવારો બતાવાયા છે. એશ અને સલમાન ઉપર ફિલ્માવવામાં આવ્યો.
રાધા કૈસે ના જલે, લગાન (2001)
આમિર ખાનની ફિલ્મ લગાન પણ ગુજરાતી બેગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મ હોવાથી સ્વાભાવિકપણે એમાં ગરબો હોય જ. આ ફિલ્મનો ગરબો રાધા કૈસે ન જલે પણ ખૂબ ફેમસ થયો હતો. રાધા કૈસે ન જલે આશા ભોંસલે અને ઉદિત નારાયણે ગાયો હતો.
છોગાળા તારા, લવયાત્રી (2018)
લવયાત્રી ફિલ્મ ભલે પિટાઇ ગઇ હોય, પણ ગુજરાતી સિંગર દર્શન રાવલના કંઠે ગવાયેલો છોગાળા તારા ગરબો ખૂબ ચાલ્યો હતો.
મોર બની થનગાટ કરે, નગાડા સંગ ઢોલ બાજે અને લહુ મુંહ લગ ગયા, રામલીલા (2013)
1999માં ગરબાની ધૂમ મચાવ્યા બાદ ભણસાલીએ ફરી ગુજરાતી બેકગ્રાઉન્ડવાળી ફિલ્મ રામલીલા બનાવી અને એમાં એમણે ત્રણ ત્રણ ગરબા મૂક્યા. મોર બની થનગાટ કરે, લહુ મુંહ લગ ગયા અને નગાડા સંગ ઢોલ. આ બંને ખૂબ જ ફેમસ થયા હતા. બંનેમાં દીપિકા અને રણવીરે જીવ રેડ્યો છે. આ ફિલ્મમાં પણ ગુજરાતી સિંગર ઓસમાન મીરે મોર બની થનગાટ કરેમાં કંઠ આપ્યો છે.
ઘૂમર, પદ્માવત (2018)
સતત ત્રીજી વાર પણ ગરબા બાબતે ભણસાલીની ફિલ્મોએ દર્શકોને ખૂબ ઇમ્પ્રેસ કર્યા છે. 2018માં આવેલી પદ્માવતનું ઘૂમર ગીત રાજસ્થાની ફોક સોંગ ઉપર હતું, પણ આ ગીતને નવરાત્રીમાં ગરબાની જેમ જ વગાડવામાં આવે છે.