બોલિવૂડમાં રાધિકા મદાન ધીમે ધીમે પહેલી હરોળની એક્ટ્રેસીસમાં પોતાનું સ્થાન જમાવવા તૈયાર છે. હાલમાં ભલે તેમની ફિલ્મો બોક્સઓફિસ બ્રેક નથી કરી રહી, પરંતુ તેઓ એક્ટિંગ લેવલે બોક્સઓફિસ બ્રેક કરી રહ્યાં છે.
અલબત્ત, અત્યાર સુધી તેમણે જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે, તેમાં તેમણે કરેલી એક્ટિંગ અન્ય સિને મેકર્સ અને દર્શકો દ્વારા ભરપેટ વખાણવામાં આવી છે.
હજી પણ તેમની પાસે પાઈપલાઈનમાં કેટલીક ફિલ્મો છે, જેનાથી તેઓ બોલિવૂડમાં પહેલી હરોળની એક્ટ્રેસીસમાં સ્થાન જમાવી શકે છે.
તમે ઓડિશન અને બોડી પોઝિટિવિટી વિશે શું માનો છો? રાધિકાએ થોડા મહિનાઓ પહેલાં સોશિયલ મીડિયા પર બોડી પોઝિટિવિટી પર પોસ્ટ શેર કરી હતી. જ્યાં તેમણે પોતાની ખામીઓને જણાવીને તેનો સહર્ષ સ્વીકાર કર્યો હતો. રાધિકા મદાને ઈન્ડસ્ટ્રીમાં ઘણો સમય કાઢ્યો છે. જોકે, શરૂઆતમાં તેમણે પણ અધધ ઓડિશન આપેલાં હતાં અને આજે પણ ફિલ્મો માટે ઓડિશન આપી જ રહ્યાં છે. તેમણે ગ્લેમર ઈન્ડસ્ટ્રીમાં પોતાની ખામીઓ છુપાવતાં કેટલાંક એક્ટર-એક્ટ્રેસની વચ્ચે પોતાની બોડી ટાઇપ, હાઇટ અને લુક્સને લઇને એક સુંદર પોસ્ટ શેર કરી હતી, જેની નોંધ ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને તેમના ફેન્સે પણ લીધી હતી. આ વિશે તેમને પ્રશ્ન પૂછતાં તેમણે જવાબમાં જણાવ્યું હતું કે, `અમે એવી ઈન્ડસ્ટ્રીમાં છીએ, જ્યાં અમને દરરોજ દર્પણ દેખાડવામાં આવે છે. તમે અલગ અલગ ધારણાઓને ફેસ કરતા હોવ છો. દરેક જણાની પાસે તમને લઇને અલગ જ ઓપિનિયન હોય છે! ખૂબ જ જરૂરી છે કે અમે આ ઈન્ડસ્ટ્રીમાં કશુંક ઓરિજિનલ લઇને આવીએ. આ કોઇની જિદ્દથી જ પૂરી થઇ શકે છે. ખાસ પ્રકારની ક્રાંતિ પણ જરૂરી છે, નહીં તો તમે એ ભીડનો એક ભાગ થઇ જશો. વિવિધ પ્રકારની ભૂમિકાઓ જ અભિનયનો સાર છે તેમજ તમારે તમારું સ્થાન જાતે જ મેળવવું પડશે. જે માટે સંઘર્ષ કરવો પડશે.’
શું તમે તમારા વિશે કોઇ રૂલ બનાવ્યા છે ખરા?
ઉપરોક્ત પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે, `મારી સમજમાં તો હું એ જ માનું છું કે કોઇ જ પ્રકારની રૂલ બુક હોતી નથી. તમારે તમારી પર જ કામ કરવાની જરૂર હોય છે. પેટર્ન પર ચાલવાવાળાઓની સમય સીમા ખૂબ જ ઓછી અને મર્યાદિત જ હોય છે. તમારે દરરોજ કંઇક નવું કરવું પડશે. ત્યારે જ તમે આગળ આવી શકો છો અને ઈન્ડસ્ટ્રીમાં સર્વાઇવ કરી શકો છો. તમે નવું ત્યારે જ કરી શકો છો જ્યારે તમે ખુદના જ ટચમાં હોવ છો. તમે તમારી જાતનો સ્વીકાર કરો. તમે તમારી જાતને જ પ્રશ્નો કરો તમે કેવી રીતે સૌથી અલગ છો. નહીં તો ઈન્ડસ્ટ્રી જ તમને કેટલાંક વર્ષોમાં બધું શીખવી દેતી હોય છે, જેને સમજતા કદાચ વર્ષો વીતી જાય. તમે રોજ કોઇને મળી રહ્યા છો, રોજ નવી નવી ધારણાઓ બાંધી રહ્યા છો. ઘણીવાર આ જ લોકો તમને સેલ્ફ ડાઉટમાં પણ મૂકી દે છે. આ દરમિયાન મેં મારા મનમાં એવી ગાંઠ બાંધી લીધી હતી કે ક્યારેય પોતાની વેલ્યૂઝ સાથે કોઇ જ પ્રકારનો કરાર કે દબાણવશ આગળ નહીં વધું. વાસ્તવમાં બોડી ઈમેજની વેલ્યૂઝ, તમારા વિચારોની વેલ્યૂઝ છે! આ જ તો તમારી ઓરિજિનાલિટી છે. જેને તમે ઢાંકી શકો નહીં. મને ખબર છે કે જો તમે ક્રાફ્ટને વધુ સારું બનાવવા તમામ પ્રકારની ચીજવસ્તુઓનો ઉપયોગ કરો છો, એક્સપેરિમેન્ટ પણ કરો છો, પરંતુ જો આવા સમયે તમારું મગજ તમારો સાથ ન આપે તો તમે કેવી રીતે આગળ વધશો? બસ, અહીંથી જ તમે ખુદનો સ્વીકાર કરો છો અને સિક્યોરિટી પણ અહીંથી જ આવે છે. ટૂંકમાં, તમારે તમારી વેલ્યૂઝ કરવાની રહે છે, જે માટે કોઇ રૂલ બુક બનાવવાની હોતી નથી, પરંતુ જે કરો છો તેમાં નવીનતા હોવી ખૂબ જ જરૂરી છે.’
સોશિયલ મીડિયા પરના ટ્રોલર્સ વિશે શું કહેશો?
ટ્રોલર્સ વિશેના પ્રશ્નમાં રાધિકા મદાને જણાવ્યું હતું કે, `અમારી ફિલ્મી કરિયરની શરૂઆત જ ટ્રોલિંગથી થતી હોય છે. તમે સોશિયલ મીડિયા પર નેગેટિવ ચીજવસ્તુઓને ગમે તેટલી ઇગ્નોર કરો, તે સતત તમારી પાછળ રહ્યા જ કરે છે! તમે સૌ કોઇને તો ચૂપ ન જ કરી શકો.’ મને હજી પણ યાદ છે કે, જ્યારે મેં મારી કરિયરની શરૂઆત કરી હતી ત્યારે હું નેગેટિવ કોમેન્ટ વાંચીને ખૂબ જ રડ્યા કરતી હતી. હું મનોમન જ વિચાર્યા કરતી હતી કે કોઇ મારા વિશે આવું કેવી રીતે લખી શકે? તમે આવા સમયે હેલ્પલેસ અનુભવતા હોવ છો. તમે ઘણીવાર એવું પણ કહી શકો છો કે મારી વાતનો ખોટો મતલબ નીકળી રહ્યો છે, પરંતુ તે સમયે તમારું કોઇ માનવા તૈયાર હોતું જ નથી! મારા આ સમયે મારા સિનિયર્સે ખૂબ જ મદદ કરી હતી. તેઓએ મને શીખવાડ્યું હતું કે કેવી રીતે નેગેટિવિટીને નજરઅંદાજ કરવી જોઇએ. મારાં પેરેન્ટ્સે પણ મને ફુલ સપોર્ટ કર્યો હતો અને કહ્યું હતું કે, બેટા, તારે જાડી ચામડીનું બનવું પડશે. આવી બાબતોને તારે દિલ પર ન લેવી જોઇએ. તેમણે મને શોર્ટમાં એમ જ કહ્યું કે બેટા, આપણે સૌ કોઇને તો ન જ સમજાવી શકીએ. તને ચાહનારા અને માનનારા તને ચાહે જ છે અને તને રિસ્પેક્ટ પણ આપે જ છેને? તારે તારા ચાહનારા અને ફેન્સ માટે થોડો સમય આપવો જોઇએ અને અન્ય ટ્રોલર્સથી જોજન દૂર રહેવું જોઇએ.