કલાકારો પોતાની ભાવનાઓને કાબૂમાં ન રાખતાં `સીન’ થઇ જાય છે

પ્રણય અને પ્રેમની અનુભૂતિ દર્શાવવા પાત્રોની નજદીકી બતાવવી જ પડે અને ક્યારેક વાર્તાની જરૂરિયાત પ્રમાણે અથવા ક્યારેક દર્શકોને આકર્ષવા માટે રોમેન્ટિક સીન્સ કરવામાં આવે છે. પ્રેમ કેન્દ્રિત ફિલ્મની વાર્તા વર્ણવતી ફિલ્મોમાં પ્રણય દૃશ્ય ન હોય એવું તો કેવી રીતે બને? પરંતુ રોમેન્ટિક સીન ફિલ્માવવા આપણે ત્યાં સરળ નથી હોતા.

આ દૃશ્યોને ગુજરાતીમાં અંતરંગ અને અંગ્રેજીમાં ઈન્ટિમેટ સીન કહે છે.

જ્યારે આવાં દૃશ્યોનું શૂટિંગ કરવાનું હોય છે ત્યારે કલાકારો જાણતા હોય છે કે આ માત્ર શૂટિંગ છે, વાસ્તવિક નહિ. તેઓ ઘણી સાવચેતી રાખતા હોય છે તેમ છતાં કેટલીક વાર કલાકારો પોતાની ભાવનાઓ પર કાબૂ નથી રાખી શકતા અને ખરેખર જ `સીન’ થઇ જાય છે.

માધુરી જોડે એક ફિલ્મમાં જબરદસ્તી થઇ હતી. ફિલ્મ હતી `પ્રેમ પ્રતિજ્ઞા’ જેના એક દૃશ્યમાં રંજિતે માધુરી દીક્ષિત પર બળાત્કાર કરવાનો હતો. આ સીન ભજવતી વખતે રંજિત બેકાબૂ થઇ ગયો હતો. આ સીન પછી માધુરી એટલી ડરી ગઈ કે તેણે રંજિતને સ્પષ્ટ કહ્યું કે તેને ભૂલથી પણ હાથ ન લગાવે. આવી જ રીતે બળાત્કારના દૃશ્ય દરમિયાન, દલીપ તાહિલ જયાપ્રદા પ્રત્યે ખૂબ જ આક્રમક બની ગયા હોવાનું કહેવાય છે. જયાએ તેને દૂર કરવા ધક્કો મારવો પડ્યો હતો અને તેને થપ્પડ પણ મારી હતી.

ફિલ્મ `આઈ ડોન્ટ લવ યુ’ કલાકારો રુસલાન મુમતાઝ અને ચેતના પાંડે, ફિલ્મ ચાલી ન હતી, પરંતુ તેના અંતરંગ દૃશ્યોને કારણે ચર્ચામાં રહી હતી. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મમાં એક સીન કરતી વખતે રુસલાન એટલો ખોવાઈ ગયો હતો કે તેણે અજાણતાં જ એક્ટ્રેસ ચેતનાના ડ્રેસની ઝિપ ખોલી દીધી હતી. તેણે બાદમાં ચેતનાની માફી માંગી હતી.

વિનોદ ખન્ના અને માધુરીનો કિસ્સો ઘણો પ્રચલિત છે. ફિલ્મ `દયાવાન’ના ઈન્ટિમેટ સીન ભજવતી વખતે વિનોદ ખન્ના પોતાના પરનો કંટ્રોલ ગુમાવી બેઠા અને ચુંબન દૃશ્ય દરમિયાન માધુરીના હોઠ પર બચકુ ભરી લીધું હતું. જોકે, આ બાબતે વિનોદ ખન્ના કદાચ વધુ પડતા બેકાબૂ થઇ જતા હતા!

`યે જવાની હૈ દીવાની’ના એક ઘનિષ્ઠ દૃશ્ય માટે શૂટિંગ કરતી વખતે રણબીર કપૂર એવલિન શર્મામાં ખરેખર ખોવાઈ ગયો હતો અને આજુબાજુમાં શું ચાલી રહ્યું છે એનું ધ્યાન રહ્યું ન હતું. `કટ’ બાદ પણ એવલિન શર્મા સાથે `દૃશ્ય’ ચાલુ રાખ્યું હતું. `જેન્ટલમેન’ ફિલ્મમાં હીરો સિદ્ધાર્થ મલ્હોત્રા અને હિરોઈન જેક્લિન ફર્નાન્ડિઝના કેટલાક કિસિંગ અને હગિંગ (ભેટવાના) સીન્સ હતા. એક ચુંબન દૃશ્ય દરમ્યાન કટ કહ્યું હોવા છતાં બંને એકબીજાને કિસ કરતાં રહ્યાં હતાં.

પહેલાંના જમાનામાં કલાકારો વચ્ચે કિસિંગ દર્શાવવા માટે બે પક્ષીઓ ચાંચો ભરાવતાં અથવા ફૂલો પપ્પી લેતાં બતાવવામાં આવી દેતાં હતાં. બોલો, ફૂલો કિસ કરે તો વાંધો નહિ, માણસો કિસ કરે તો બબાલ થઇ જતી.

તમને થતું હશે કે આજના જમાનાના કલાકારો ફાટીને ધુમાડે ગયા છે એટલે આવું બધું થતું હશે, પણ છેક 1969માં પણ આવી જ ઘટના ઘટી હતી. ફિલ્મ હતી ગોલ્ડ મેડલ (ના, આ ઓલિમ્પિક મેડલની વાત નથી, અત્યારે જ ફાંફાં પડે છે તો ત્યારે તો ક્યાંથી મળવાના હતા), ફિલ્મના એક સીનમાં પ્રેમનાથે ફરયાલને છેડવાની હતી. પ્રેમનાથ આ સીન ભજવતી વખતે પોતાના પર કાબૂ ન રાખી શક્યો, તે એટલો ખોવાઈ ગયો કે તેણે ફરયાલને જોરથી પકડી લીધી. ક્યાં પ્રેમનાથનું કદ અને ક્યાં ફરયાલનું નાજુક શરીર! પ્રેમનાથની ચુંગાલમાંથી બહાર નીકળવા માટે ફરયાલને ખૂબ જ મહેનત કરવી પડી હતી. ઘણા સંઘર્ષને અંતે ચુંગાલમાંથી બહાર આવતાં જ તે ભાગી છૂટી.

આ કાંઈ સમજી, વિચારેલ, પૂર્વ આયોજિત દુષ્કૃત્ય નહીં, દૃશ્યો ભજવતી વખતે અજાણતાં જાગૃત થઇ ગયેલી કુચેષ્ટા હોય છે. આવા અચાનક ઊમડતા આવેગને મોટેભાગના કલાકારો સ્વાભાવિક ગણી સ્વીકારી લેતા હોય છે અને માનવીય સ્પંદનના એક પાસાને અવગણતા હોય છે, ભૂલી જતા હોય છે.