શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવની સ્ત્રી 2ની કમાણીનો વૈશ્વિક આંકડો હિન્દી સિનેમાની સૌથી વધુ કમાણી કરનારી દસ ફિલ્મોમાં આવી ગયો. પચાસ કરોડની આસપાસના બજેટમાં બનેલી સ્ત્રી 2નો ઈન્ટરનેશનલ બોક્સઓફિસ કલેક્શનનો આંકડો 766 કરોડે પહોંચ્યો છે. જોકે, બધી ભાષાઓની ફિલ્મોનો સમાવેશ કરી લઈએ તો પણ સ્ત્રી 2ની એન્ટ્રી ટોપ ઈલેવનમાં થઈ જ ગઈ છે. ઈન્ટરનેશનલ બોક્સઓફિસ પર ભારતીય ફિલ્મનો પરછમ લહેરાવવાનું કામ આમિર ખાને કર્યું એમ કહી શકાય.
સો કરોડ અને બસ્સો કરોડના આંકડાઓમાં રાજીના રેડ થઈ જતા ફિલ્મકારોને બે હજાર કરોડની કમાણીના આંકડા દેખાડવાનું કામ આમિર ખાને કર્યું છે.આમિર ખાનની દંગલ ફિલ્મનો રેકોર્ડ આજે પણ અકબંધ છે. આ ફિલ્મના રેકોર્ડ ડેટા અનુસાર ફિલ્મનો વૈશ્વિક વકરો 1970 કરોડ રૂપિયાનો છે. હિન્દી બોક્સઓફિસ પર 387 કરોડની કમાણી કરનારી દંગલ ફિલ્મ ચાઈનામાં સૌથી વધુ હિટ નીવડી હતી. ભારતની આ પહેલી ફિલ્મ છે, જે વિદેશની ધરતી પર 1435 કરોડ રૂપિયા કમાવવામાં સફળ રહી હોય. દંગલ પછી એસ. એસ. રાજામૌલીની બાહુબલી પાર્ટ 2 ફિલ્મના નામે 1747 કરોડ રૂપિયાનો વકરો બોલે છે. આ ફિલ્મનો હિન્દી વકરો 511 કરોડ જેટલો હતો. રાજામૌલીની ટ્રિપલ આર અને યશની કેજીએફ પાર્ટ ટુ એક હજાર કરોડના આંકડાને પાર કરવામાં સફળ રહેલી ફિલ્મો હતી. એક હજાર કરોડના આંકડાને પાર કરવામાં હિન્દી ફિલ્મોમાં પછી શાહરુખ ખાનની પઠાણ અને જવાન ફિલ્મે ઈતિહાસ બનાવ્યો. જવાનના નામે 1163 કરોડ અને પઠાણ ફિલ્મના નામે 1069 કરોડની કમાણીનો આંકડો બોલે છે. તાજેતરમાં રિલીઝ થયેલી પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની ક્લિક 2898 એડી ફિલ્મે એક હજાર કરોડનો આંકડો પાર કરી લીધો છે.
દંગલ, બાહુબલી, કેજીએફ, જવાન, પઠાણ અને કલ્કિ ઈન્ટરનેશનલ બોક્સઓફિસ પર એક હજાર કરોડથી વધુ રૂપિયા રળવામાં સફળ સાબિત થઈ છે. એક હજાર કરોડના આંકડાને આંબતા આંબતા રહી ગઈ એવી ફિલ્મોમાં રણબીર કપૂરની એક્શન ડ્રામા એનિમલ, સલમાન ખાનની બજરંગી ભાઈજાન અને આમિર ખાનની સિક્રેટ સુપરસ્ટાર છે. સિક્રેટ સુપરસ્ટારમાં આમિર ખાનની ભૂમિકા નાની હતી, પણ દંગલના પ્રભાવમાં ચીનમાં બ્લોકબસ્ટર હિટ રહી હતી અને બજરંગી ભાઈજાનને પણ ચીનમાં સુપર સફળતા મળી હતી. આમિર ખાનની વધુ એક ફિલ્મ પીકેનો પણ ઈન્ટરનેશનલ બોક્સઓફિસ પર સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં રેકોર્ડ છે. પીકેએ 831 કરોડનો વકરો કર્યો હતો. આ યાદીમાં સની દેઓલની ગદર 2ની એન્ટ્રી પણ છે. ગદર 2નો આંકડો 685 કરોડનો છે. સન્ની દેઓલની કરિયરની સૌથી મોટી હિટ બનેલી ગદર 2 ફિલ્મે હિન્દી બોક્સઓફિસ પર 525 કરોડનો આંકડો પાર કર્યો હતો.
ગદર 2ની સફળતાનું રહસ્ય ગદર એક પ્રેમકથામાં છુપાયેલું છે. 2001ના વર્ષમાં આમિર ખાનની લગાન ફિલ્મ સાથે રજૂ થયેલી ગદરે ભારતીય સિનેમાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. સનીના નામનો ડંકો વાગ્યો અને એ અરસામાં કરોડો રૂપિયાની કમાણી ફિલ્મના નામે નોંધાણી હતી. સની દેઓલની ફિલ્મના નામે સૌથી વધુ કમાણી કરવાનો વિક્રમ એ વખતે નોંધાયો હતો અને ગદર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં મોટી બ્રાન્ડ બની ગઈ. આ સફળતાના દમ પર ગદર 2ને ભારતમાં જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો.
સૌથી વધુ કમાણી કરવાના મામલે સૌથી મોટી સરપ્રાઈઝ બે છે. એક સિક્રેટ સુપરસ્ટાર અને બીજી સ્ત્રી 2 ફિલ્મ છે. મોટાભાગે એક્શન ફિલ્મો કમાણી કરવામાં આગળ રહેતી હોય છે અથવા બિગ બ્રાન્ડ સુપરસ્ટાર ફેસ. સિક્રેટ સુપરસ્ટાર આમિર ખાનની ફિલ્મ હતી, પણ એમા મુખ્ય ભૂમિકા દંગલ ફેમ ઝાયરા વસીમની હતી. પંદર કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ 902 કરોડનો વકરો કરવામાં સફળ રહી હતી. નફાની ટકાવારી સૌથી વધુ આજે આ ફિલ્મના નામે બોલે છે.
કમાણીના મામલામાં સૌથી વધુ ફિલ્મો આમિર ખાનની છે. તેની ત્રણ ફિલ્મો દંગલ, પીકે અને સિક્રેટ સુપરસ્ટાર છે. શાહરુખ ખાનની જવાન અને પઠાણ, સલમાન ખાનની બજરંગી ભાઈજાન, રણબીર કપૂરની એનિમલ, સન્ની દેઓલની ગદર 2 અને શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવની સ્ત્રી 2નાં નામ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં છે. આ વર્ષે આ ફિલ્મોની યાદીમાં અલ્લુ અર્જુનની તેલુગુ ફિલ્મ પુષ્પા 2ના નામનો ઉમેરો થાય તેવી શક્યતા છે. આમિર ખાનનો સમયકાળ નબળો ચાલી રહ્યો છે, પણ આ વર્ષે ડિસેમ્બરમાં તેની સ્પોર્ટ્સ ડ્રામા ઈમોશનલ ફિલ્મ સિતારે ઝમીં પર રજૂ થવાની છે. તારે જમીં પર, સિક્રેટ સુપરસ્ટારની જેમ સરપ્રાઈઝ ફેક્ટર હિટ રહ્યું તો આ ફિલ્મનું નામ પણ આ યાદીમાં આવી શકે છે.