મારા માટે ફેશન માત્ર સારું દેખાવું કે ટ્રેન્ડ ફોલો કરવો નથી:ભૂમિ પેડનેકર

ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની અલગ જ ઓળખ ઊભી કરનાર ભૂમિ પેડનેકર પહેલી હરોળની એક્ટ્રેસીસમાં સ્થાન પામવા માટે થોડાંક જ ડગલાં પાછળ છે. ભૂમિ પેડનેકરે અત્યાર સુધી અલગ અલગ ભૂમિકાઓ ભજવીને ઈન્ડસ્ટ્રીને ચોંકાવી દીધા છે.

એક સમય એવો પણ હતો કે તેમના પર ગ્લેમર વર્લ્ડમાં ફિટ એન્ડ ફાઇન રહેવા માટે દબાણ હતું. જોકે, તેમણે ફિટ એન્ડ ફાઇન બનીને સૌની બોલતી બંધ કરી દીધી છે.

તેમણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, ઈન્ડસ્ટ્રીના પ્રેશરના કારણે તેમનું કોન્ફિડન્સ લેવલ પણ ઘટી ગયું હતું.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બ્યૂટી સ્ટાન્ડર્ડ વિશે શું મંતવ્ય છે?

એક ઈન્ટરવ્યૂમાં જ્યારે તેમને ફેશનને લઇને તેમજ સુંદરતાના ચોક્કસ ધારાધોરણ (બ્યૂટી સ્ટાન્ડર્ડ) વિશે તેમનુ મંતવ્ય આપવા જણાવવાનું કહ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, જ્યારે હું ઉંમરમાં મોટી થઇ રહી હતી, ત્યારે મને મારી અંદર આત્મવિશ્વાસની ઊણપ હોય એવું લાગતું રહેતું હતું. અલબત્ત, સુંદરતાના ચોક્કસ ધારાધોરણ પ્રમાણે જીવવા માટેનું જબરદસ્ત પ્રેશર હતું. તેમ છતા હું મારા હિસાબથી અને મારી મરજી મુજબ જ ફેશનને આવકારતી હતી. ફેશનની બાબતે મને જે ઠીક લાગે તેમ જ હું કરતી રહી હતી અને કરતી રહું છું. જોકે, એ વાતનો પણ હું સહર્ષ સ્વીકાર કરું છું કે, જેમ જેમ હું ઉંમરમાં વધુ મોટી થતી ગઇ તેમ તેમ સુંદરતા અને ફેશનની બાબતે મારી સમજ પહેલાંનાં વર્ષો કરતાં ઘણી સારી બનતી ગઇ. તમે એમ સમજી શકો કે સુંદરતા અને ફેશનને હું એકદમ સ્પષ્ટપણે સમજી શકી અને જાણી પણ શકી. થોડા મહિના પહેલાં જ ભૂમિ ફેશન સ્ટેટમેન્ટ અને લુક્સનાં નિવેદનોથી સોશિયલ મીડિયામાં અને ન્યૂઝમાં છવાઇ ગયાં હતાં. તેમણે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, `મારા માટે ફેશન માત્ર સારું દેખાવું કે ટ્રેન્ડ ફોલો કરવો નથી, મારા હિસાબથી મારી ફેશન એવી છે કે, જેનાથી મારી પર્સનાલિટી વિશે ખબર પડે. આજના સમયમાં ફેશન મારી ભાવનાઓ અને મનની સ્થિતિ દર્શાવવાનું એક સરળ સહજ માધ્યમ છે.’

હું કોઇ પણ પ્રકારના બોક્સમાં ફિટ રહેવા નથી માંગતી

ફેશનના અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે ગર્વભેર જણાવ્યું હતું કે, હું મારી જાતને કોઇ પણ પ્રકારના ફેશન ટ્રેન્ડમાં બાંધવા માંગતી નથી. હું હંમેશાં મારા ડ્રેસીસ દ્વારા લાઇફને એન્જોય કરવાનું જાણું છું અને મને ગમતા તેમજ મને કમ્ફર્ટેબલ લાગતા ડ્રેસ પહેરીને જ હું જે તે પાર્ટી કે પ્રસંગમાં જવાનું વધારે અનુકૂળ સમજુ છું. હા, હું સ્વીકારું છું કે, મને ફેશનની સાથે એક્સપેરિમેન્ટ કરવાનું પસંદ છે, એટલા માટે હું ફેશનને દિલથી એન્જોય કરું છું, મજા લઇ રહી છું. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2015માં મેં ફિલ્મ `દમ લગા કે હઇશા’માં બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું, જે માટે મેં મારું અધધ વજન પણ વધાર્યું હતું. મને ફિલ્મને લઇને ગર્વ પણ અનુભવાયો અને મારી ફિલ્મ મારા રંગરૂપ, વજનને પણ ઈન્ડસ્ટ્રીના લોકોએ અને પબ્લિકે મને સાથ આપ્યો હતો. જોકે, આગળ જતાં ઈન્ડસ્ટ્રીના લોકો મને આ જ રંગરૂપ અને વજનમાં જોવા માંગતા હતા, પરંતુ મેં ફેશનને ધ્યાનમાં લઇને ફેશન દ્વારા મારા આ વજનથી બહાર આવી અને સફળ પણ થઇ. ભૂમિએ પોતાની વાત આગળ વધારતાં ઉમેર્યું હતું કે, `હા, જિમ વર્કઆઉટ અને ફેશનથી તમે તમને ગમતા આકારમાં ઢાળી શકો છો.’

ભૂમિ પેડનેકરની ફિલ્મી કરિયર

પોતાની પહેલી જ ફિલ્મ દમ લગાકે હઇશાથી તેમણે બોલિવૂડ અને સિને લવર્સના દિલમાં પોતાનું અનેરું સ્થાન જમાવી દીધું હતું. ત્યારબાદ તેમની મોટા ભાગની ફિલ્મો બોક્સઓફિસ હિટ રહી છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે તેમણે તેમની પહેલી ડેબ્યૂ ફિલ્મ 45 વાર જોઇ હતી. તેમને આ ફિલ્મ ખૂબ જ ગમી હતી અને તેઓ આ ફિલ્મ વારંવાર જોવાનું ખૂબ જ પસંદ કરતાં હતાં. આજે પણ તેઓ ક્યારેક ક્યારેક તેમની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ જુએ છે. આ ફિલ્મ કર્યા બાદ તેમણે ટોઇલેટ એક પ્રેમકથા, શુમ મંગલ સાવધાન, બાલા, પતિ પત્ની ઔર વો, સાંડ કી આંખ અને બધાઇ હો જેવી ઘણી ફિલ્મો કરી છે. આ ફિલ્મો પૈકી તેમને ફિલ્મ બધાઇ હો માટે સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસ માટેનો ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ પણ મળેલો હતો.

ભૂમિ પેડનેકરે અત્યાર સુધીની તેમની ફિલ્મી કરિયરમાં સૌથી વધુ ફિલ્મો આયુષ્માન ખુરાના, રાજકુમાર રાવ અને અક્ષય કુમાર સાથે કરી છે. તેમને ફિલ્મ દમ લગા કે હઇશા માટે કુલ 11 એવોર્ડ મળેલા છે. તેમજ ફિલ્મ થેંક્યૂ ફોર કમિંગ માટે સર્વશ્રેષ્ઠ એક્ટ્રેસ તરીકે ફિલ્મફેર એવોર્ડમાં નામાંકિત પણ કરવામાં આવ્યાં હતાં. તો બીજી તરફ તેમને ફિલ્મ બાલા માટે સર્વશ્રેષ્ઠ સહાયક એક્ટ્રેસ તરીકેનો પણ એવોર્ડ મળેલ છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીને બાદ કરતાં મળેલું સન્માન

ભૂમિ પેડનેકરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા એવોર્ડ મળેલા છે, પરંતુ તેમને એક એવો એવોર્ડ પણ મળેલો છે જેનાથી તેઓ ગર્વ અનુભવે છે. ક્લાઇમેટ વોરિઅર અને વિચારક નેતા તરીકે ઓળખાતા ભૂમિ પેડનેકરને વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા યંગ ગ્લોબલ લીડર (YGL) ના સ્વરૂપમાં માન્યતા આપવામાં આવી રહી છે. વર્ષના અંત સુધી જીનેવામાં પ્રતિષ્ઠિત YGL-2024ના લિસ્ટમાં તેમને સામેલ કરવામાં આવશે. નોંધનીય છે કે કોવિડ-19 મહામારી દરમિયાન જીવન બચાવવાના અને પોતાના અવિશ્વસનીય કામની સાથે સાથે સ્થિરતા અને જળવાયુ પરિવર્તન પ્રત્યે જાગરૂકતા વધારવામાં ભૂમિ પેડનેકરનું વિશેષ યોગદાન રહ્યું હતું, જેની નેશનલ અને ઈન્ટરનેશનલ લેવલે નોંધ લેવામાં આવી છે.

દેશી સાડી સાથે વિદેશી બ્લાઉઝ પહેરીને ભૂમિ પેડનેકર સોશિયલ મીડિયામાં વાઇરલ

ભૂમિ પેડનેકર હંમેશાં પોતાની ફેશનને લઇને સોશિયલ મીડિયામાં છાશવારે લાઇમ લાઇટમાં રહ્યા કરે છે. થોડા દિવસ પહેલાં જ તેમણે લેટેસ્ટર ગોલ્ડન ફ્લોરલ સાડી પહેરી હતી, જેની તસવીરો સોશિયલ મીડિયામાં જબરદસ્ત વાઇરલ થઇ હતી. તેમનો આ લુક એકદમ રેટ્રો લુક લાગતો હતો. સાથે સાથે તેમણે જે પ્રકારનું બ્લાઉઝ પહેરેલું હતું તે જોઇને તેમના ફેન્સ સોશિયલ મીડિયામાં તેમને હાર્ટ પ્લસ ફાયર ઈમોજી આપી રહ્યા હતા.