હિન્દી સિનેમામાં અનેક દિગ્દર્શકો અને નિર્માતાઓ છે, જેમની ફિલ્મો ઈતિહાસના સુવર્ણ પુસ્તકમાં નોંધાયેલી છે. તેમાંથી એક દિગ્દર્શક બલરામ રાજ ચોપરા (બી. આર. ચોપરા)નું નામ છે. તેમણે હિન્દી સિનેમામાં ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે.
જેમને લોકો આજે પણ ખૂબ યાદ કરે છે. `સાધના’, `કાનૂન’ અને `ગુમરાહ’ જેવી ઘણી ફિલ્મો બનાવી છે. અશોક કુમાર અને બી.
આર. ચોપરા શરૂઆતથી જ મિત્રો હતા તેમજ તેમના પારિવારિક સંબંધો હતા. કિશોર કુમારના શરૂઆતના દિવસો સારા ન હતા. પારિવારિક સંબંધો હોવાથી કિશોર કુમાર કામ મળશે તેની આશાએ બી. આર. ચોપરાને મળવા જાય છે. બી.આર. ચોપરા સાથે રસપ્રદ મુલાકાત થઈ, કિશોર કુમારે તેમની પાસે કામ માગ્યું. હવે અશોક કુમારનો નાનો ભાઈ કામ માંગે તો ના કેમ પડાય! તેઓએ કિશોરને કહ્યું કે ભલે હું તને કામ કરવાની તક આપીશ, પરંતુ…
`પરંતુ’ ખતરનાક શબ્દ છે અને તેમાં પણ જો અધ્યાહાર તરીકે વપરાય તો બહુ જ ગંભીર રૂપ ધારણ કરી લે છે. બી. આર. ચોપરાએ પરંતુ પછી જે કહ્યું તે કિશોર કુમારે વિચાર્યું ન હતું. તેમણે પરંતુ પછી કહ્યું, `મારી કેટલીક શરતો છે જે તારે માનવી પડશે. તક આપવા સંમત છું, અમુક શરતો રાખ્યા વિના નહીં.’ કિશોર કુમારની હાલત સારી ન હતી, મજબૂરી હતી જ. તેમણે નક્કી કરેલી શરતો સ્વીકારી લીધી. જોકે, સામે કિશોર હતો, તેમનું સ્વમાન તો ઘવાયું જ હતું. તેમણે ત્યાં જ રોકડું પરખાવ્યું, આજે મારો સમય ખરાબ છે તેથી તમે શરત રાખી રહ્યા છો, જ્યારે મારો સમય આવશે ત્યારે હું શરત રાખીશ. તમને મારી જરૂર પડશે, હું શરતો પૂરી કર્યા પછી જ તમારી સાથે કામ કરીશ. કિશોરની ઉંમર અને તેમના અનુભવના જોરે બી. આર. ચોપરા ટિપ્પણી પર હસી પડ્યા.
પછી તો કિશોર કુમારે પોતાના સૂરીલા અવાજથી દુનિયાને પ્રભાવિત કરી દીધી. તેમનું નામ અને કામ વખાણવા લાગ્યું. મહાન ઊંચાઈઓ પર પહોંચ્યા. ભારતના શ્રેષ્ઠ અને સૌથી પ્રિય ગાયકોમાંના એક બન્યા. તેમના સુવર્ણ યુગના દરેક મોટા દિગ્દર્શક ઈચ્છતા હતા કે કિશોર દા તેમની ફિલ્મોમાં ગીતો ગાય. જ્યારે બધા જ નિર્માતાઓ અને દિગ્દર્શકો કિશોર પાસે ગીતો ગવડાવવા પડાપડી કરતા હોય ત્યારે શરૂઆતમાં સાથ આપનારા બી. આર. ચોપરા કેમ પાછળ રહી જાય. બી. આર. ચોપરા પણ તેમની સાથે કામ કરવા ઈચ્છતા હતા. તે પહોંચી ગયા કિશોર કુમાર પાસે ગીતોની ઓફર લઈને.
હવે ટેબલ ફેરવાયું હતું અને ખુરશીઓ પણ, જે વાત વર્ષો પછી બી. આર. ભૂલી ગયા હતા તે વાત કિશોરને યાદ હતી. તેમણે બી. આર.ને આવકાર્યા. તેમની ઓફર સાંભળી પછી ધીમેથી કહ્યું, હું તમારી ઓફર સ્વીકારીશ, તમારી ફિલ્મોમાં ગીત ગાઈશ, પરંતુ મારી કેટલીક શરતો છે. બે ઘડી તો બી. આર. ચોપરા છક્કડ ખાઈ ગયા. આ કોની સામે શરતો મૂકી રહ્યો છે? વળી પાછી શરતો પણ જેવીતેવી ન હતી `નક્કી કરેલી શરતો પ્રમાણે બી. આર. ચોપરાએ તેમને મળતી વખતે ધોતી પહેરવી પડશે. દિગ્દર્શકે તેમની મીટિંગ પહેલાં એક પાન પણ ખાવું પડશે, એટલું જ નહિ પાન ખાધું છે તેની ખાતરી થાય તે માટે પાનના લાલ ડાઘ તેમના મોં પર રહેવા જોઈશે. બદલો લેવાની તક ઝડપી લેતા કિશોર કુમારે બી. આર. ચોપરા પર ઘણી વિચિત્ર શરતો લાદી. સ્થિતિ વિચિત્ર ઊભી થઇ હતી. એક તો બી. આર. મોટા ગજાના નિર્માતા-નિર્દેશક ઉપરથી તેમના પારિવારિક સંબંધ, તેમાં વળી કિશોરને શરૂઆતમાં જ સાથ આપનારા. તેઓ ધોતી પહેરવા કે પાન ચાવવા ટેવાયેલા ન હતા. શરત સ્વીકારવાને બદલે મોટેભાગના લોકો કરે છે તેમ વચલો રસ્તો અપનાવ્યો. કહ્યું, `જો તે શરતો પડતી મૂકે તો તેની ગાયક તરીકેની ફીમાં વધારો કરી આપશે.’
એમ કાંઈ બદલો થોડો પૂરો થાય! કિશોરે શરતો સ્વીકારી હતી, બી. આરે. પણ સ્વીકારવી જ પડશે. હઠાગ્રહી કિશોર કુમારે વધારાની ફી સ્વીકારી નહિ. છેવટે બી. આર. ચોપરાને અસામાન્ય શરતો માટે સંમત થવું પડ્યું. બી. આર. ધારતા તો બીજા કોઈ ગાયક પાસે ગીત ગવડાવી શકે તેમ હતા, પણ શરત સ્વીકારી કિશોરની હઠ અને તેમની મહાનતા બંને પોષી હતી.