એકદમ જોરદાર ફિલ્મ `Kill Bill-1’બદલો લેવો હોય તો ઠંડકથી જ લો!

અમુક ફિલ્મો એવી હોય કે એક વખત તેના વિશે વાત કર્યા પછી પણ બીજી વખત વાત કરવાનું મન થાય. જેટલી વખત જોઈએ એટલી વખત તેમાંથી નવું નવું મળતું રહે. ખરી કળા શાંત-ઊંડા પાણી જેવી હોય. એક ડૂબકીમાં તેનું ઊંડાણ ખબર ન પડે. કિલ બિલ ફિલ્મ સીરિઝના બંને ભાગ એટલે કે બંને વોલ્યૂમ એવા છે.

નાની ઝીણવટભરી ખૂબીઓ અને સૂક્ષ્‍મ નિરીક્ષણો જો ફિલ્મ જોતાં જોતાં કરી શકાય તો એ ફિલ્મ જોવાની મજા અલગ જ આવે.

કિલ બિલ એ માન્યતાનો જડબાંતોડ જવાબ છે, જે એવું માને છે કે ફિલ્મની ફાઇટિંગમાં કંઈ બુદ્ધિનું કામ ન હોય, એ તો મગજ વિનાની લડાઈ હોય – ઢીશૂમ ઢીશૂમમાં તો શું વાર્તા હોવાની? કિલ બિલ જુઓ તો એમાં જેટલો વીર રસ કે રૌદ્ર રસ છે એનાથી વધુ વાર્તાનો રસ છે, નાટ્યતત્ત્વ છે. ફિલ્મમાં વધુ પ્રમાણ એક્શન સિક્વન્સનું હોવા છતાં વાર્તાતત્ત્વનું પલડું ભારે રહે છે. આવો કમાલ ભલભલા ડિરેક્ટર સિનેમાના ઇતિહાસમાં કરી શક્યા નથી, જે ક્વેન્ટિન ટેરેન્ટીનોએ કરી બતાવ્યું છે.

વુમન એમ્પાવરમેન્ટ શબ્દપ્રયોગ સામે આમ તો વાંધો છે, પણ એનો જે હેતુ છે તેની સાથે સંપૂર્ણ સહમત થવું પડે. મૂંઝાયેલી, ગભરાયેલી, કચડાયેલી, દબાયેલી, આત્મવિશ્વાસ વિહોણી સ્ત્રીઓમાં એ શ્રદ્ધા ભરવી કે તમે પણ કંઈ કમ નથી અને તમે સમસ્ત સંસારનું સંચાલન એકલપંડે કરી શકો છો, ગમે તે પરિસ્થિતિનો સામનો કરી શકો છો, અન્યાય સામે અવાજ ઉઠાવી શકો છો, બધાં જ કામ કરી શકો છો અને જરૂર પડ્યે તમને હેરાન કરનાર સામે બદલો પણ લઈ શકો છો. કિલ બિલ વુમન એમ્પાવરમેન્ટ ઉપર પોપ-આર્ટના કલ્ચરમાં બનેલી શ્રેષ્ઠ એક્શન ફિલ્મ છે. આ રીવેન્જ સાગાની શરૂઆતમાં જ ઈંગ્લિશમાં લખેલી એક લાઈન આવે છે – રીવેન્જ ઇઝ અ ડિશ બેસ્ટ સર્વડ કોલ્ડ. હાંફળાફાંફળા થઈને બદલો લેવા જઈએ તો માત થવાના ચાન્સ વધુ છે. આ તો પૂરી તૈયારી સાથે, પૂરતા હોમવર્ક સાથે, બધી જ ગણતરીઓ સાથે બદલો લેવા મેદાનમાં ઊતરીએ તો ફતેહ થવાની શક્યતાઓ વધી જાય. સ્ત્રી આ કરી શકે. સ્ત્રી ઠંડા કલેજે પોતાને હેરાન કરનારને પાઠ ભણાવી શકે. કિલ બિલ એ સનાતન સત્યનું જ પોતાની આગવી શૈલીમાં સિનેમાના પડદે પુનરાવર્તન કરે છે, પણ આ સત્યને જે રીતે રી-પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે તે અદ્ભુત છે – યાદગાર અને ચોટદાર.

ચોટથી તરબતર આખો ચહેરો, કચડાઈ ગયેલું શરીર, છેલ્લા શ્વાસ ચાલતા હોય એવી કરપીણ હાલત, લોહીલુહાણ દેહ અને પીંખાઇ ગયેલો દેખાવ – આ ફિલ્મનો પહેલો શોટ છે, જેમાં ફિલ્મની મુખ્ય અદાકારા ઉમા થર્મન આવી સ્થિતિમાં દેખાય, એ પણ બ્લેક એન્ડ વ્હાઈટમાં. બીજી કોઈ સાધારણ ફિલ્મ હોય તો આવું દૃશ્ય ફુલ કલરમાં બતાવે, જેથી લોહીના લાલ રંગથી દૃશ્યની ગંભીરતા ઉપસી આવે, પણ ટેરેન્ટીનોની આ મૌલિકતા છે કે બ્લેક એન્ડ વ્હાઈટ દૃષ્યછબીનો ઉપયોગ કરવો. દૃશ્યની તીવ્રતા અતિશય વધારી નાખવી અને પછી એને આવા ફિલ્ટર દ્વારા ટોન ડાઉન કરવી, જેથી તે વધુ વાસ્તવિક અને કન્વિન્સિંગ લાગે. પ્રેક્ષક એ દૃશ્યની સત્યતામાં માનવા લાગે. માટે કિલ બિલના પહેલા વોલ્યૂમમાં બે લાંબી સિક્વન્સ શ્વેત શ્યામ રંગમાં છે. શરૂઆતનો સીન જેમાં `બ્રાઇડ’ એટલે કે વાર્તાની મુખ્ય નાયિકાની વેડિંગ સેરેમનીમાં બધાની કત્લેઆમ કરી નાખવામાં આવે છે. બીજી એક્શન સિક્વન્સ જે ફિલ્મના ક્લાઈમેક્સમાં આવે છે જેમાં આ બ્રાઇડ મુખ્ય વિલનની ક્રેઝી 88 તરીકે ઓળખાતી ખૂંખાર ટીમ સામે એકલેહાથે લડે છે. બંને દૃશ્યો બ્લેક એન્ડ વ્હાઈટ.

પણ આ ફિલ્મમાં ભડકીલા રંગોનો સખત ઉપયોગ થયો છે. બ્રાઈડ જે કાર હંકારે છે એ પીળી પચરક છે અને એ ગાડીનું નામ બેબી પિંક રંગમાં લખ્યું છે! એક્શન સિક્વન્સમાં તો લોહીના ફુવારા બતાવ્યા જ છે, જે હિંસાનું અલગ જ અને થોડું બિનતાર્કિક સ્તર દર્શાવે છે. વચ્ચે વચ્ચે રેડ ફિલ્ટર પણ લાઉડ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે આવે. આટલું જ નહીં, વચ્ચે વચ્ચે એનિમેશનવાળી સિક્વન્સ પણ આવે છે. (એ જાણીતી વાત છે કે એની પ્રેરણા ટેરેન્ટીનોને કમલ હાસનની તમિલ ફિલ્મ જે હિન્દીમાં `અભય’ શીર્ષક સાથે રિલીઝ થઈ હતી એમાંથી મળી હતી.) જાપાનીઝ શૈલીના કાર્ટૂન જેવી એ એનીમ સિક્વન્સ પણ એકદમ કલરફુલ છે. ટોકિયોની નાઈટ લાઇફને રિયાલિસ્ટિક બતાવી છે અને એકદમ રંગીન. બ્રાઈડ હતારી હોન્ઝો તલવાર લેવા જાય છે ત્યાં પણ રંગોનો બહુ સરસ ઉપયોગ થયો છે. જુદા જુદા રંગની ચમકીલી તલવારો. એટલી બધી પોલિશ્ડ તેની સપાટી હોય કે એ અરીસાનું કામ કરે. તલવારનો અરીસા તરીકે ઉપયોગ આ ફિલ્મમાં બે વખત થયો છે. એક વખત બ્રાઈડ એની તલવારમાં યકૂઝા ગેંગસ્ટરની ટોળકીને જુએ છે અને એક વખત એમાં પોતાની જ આંખો દેખાય છે.

બ્રાઈડનો સૌથી પહેલો શિકાર માઉન્ટેન સ્ક્વેર ઉર્ફે વર્નીટા ગ્રીન છે. તેના ઘરમાં બહાર ઘાસની હરિયાળી અને અંદર કલરફુલ ચિત્રો, રાચરચીલું વગેરે. જ્યારે એની છાતીમાં બ્રાઈડ છરીનો ઘા કરે છે ત્યારે ટોપ એંગલમાં આખું રસોડું બતાવે છે. આખી ફિલ્મમાં બદલો લેનારી બ્રાઈડ તો દૂરથી પણ દેખાઈ આવે એવા પીળા ટ્રેકસ્યૂટમાં જ દેખાય છે. વળી, ટેરેન્ટીનોએ સિલુએટનો ઉપયોગ પણ બખૂબી કર્યો છે. ફક્ત કાળા ધબ્બામાં માનવાકૃતીઓ દેખાય અને એ દૃશ્ય રચનાત્મક અને સુંદર લાગે.

આ તો માત્ર આ ફિલ્મનાં એક-બે પાસાં થયાં. કિલ બિલમાં તો મ્યુઝિક, વાર્તા, ડાયલોગ, સ્ક્રીનપ્લે, કોસ્ચ્યુમ, લોકેશન અને ખાસ તો હોલિવૂડની બીજી ફિલ્મોના અઢળક રેફરન્સની ઢગલાબંધ વાતો પછી કરીશું.