હું મારી ફિલ્મો વારંવાર નથી જોઈ શકતો, ખામીઓ શોધવામાં માઇગ્રેન થઈ જાય છે

૧૯૯૮ની ૧૬ ઑક્ટોબરે કરણ જોહરની પહેલી ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ રિલીઝ થઈ હતી. ગઈ કાલે એને ૨૬ વર્ષ થયાં. આ પ્રસંગે કરણ જોહરે ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શૅર કર્યો હતો, જેમાં ફિલ્મના શૂટિંગ દરમ્યાનના ફોટોઝ હતા. કરણ જોહરે લખ્યું હતું કે ‘કૂલ નેક ચેઇન, નિયૉન શર્ટ, ગુલાબી હેડબૅન્ડ, ડાન્સ સાથેનો સમર કૅમ્પ, તૂટતા તારાની માનતા, બાસ્કેટબૉલમાં વિશ્વાસઘાત, દોસ્તી જે પ્યારમાં બદલાઈ જાય અને એવાં પાત્રો, જે સમયની પાર જઈને જીવતાં રહે છે.’

કરણ જોહરને એક ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવ્યું કે તેણે ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મ કેટલી વખત જોઈ છે ત્યારે તેણે કહ્યું હતું કે ‘બે વખત. ધૅટ્સ ઑલ. હું મારી ફિલ્મોને વારંવાર નથી જોઈ શકતો. એમ કરીશ તો હું એકદમ સેલ્ફ-ઑબ્સેસ્ડ ફિલ્મમેકર બની જઈશ. હું એ અભિનેતાઓ કે ડિરેક્ટરો પૈકીનો નથી જે પોતાના કામને બહુ જ પ્રેમ કરતા હોય. ખામીઓ શોધતાં-શોધતાં મને તો માઇગ્રેન થઈ જાય છે.’