તીન પત્તીના શૂટિંગના શરૂઆતના 3 દિવસ પછી શ્રદ્ધા કપૂરને નર્વસ બ્રેકડાઉન થયું હતું

શ્રદ્ધા કપૂરે ૨૦૧૦માં ‘તીન પત્તી’ ફિલ્મથી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. ‘તીન પત્તી’માં તેની સાથે અમિતાભ બચ્ચન અને આર. માધવન હતા. એક ઇન્ટરવ્યુમાં શ્રદ્ધા કપૂરે જણાવ્યું હતું કે ફિલ્મના શૂટિંગના શરૂઆતના બે-ત્રણ દિવસમાં જ તે અત્યંત ડરી ગઈ હતી અને ઑલમોસ્ટ નક્કી કરી લીધું હતું કે તે ક્યારેય ઍક્ટિંગ નહીં કરે.

શૂટના બીજા કે ત્રીજા દિવસે જ મારું નર્વસ બ્રેકડાઉન થયું હતું એમ જણાવતાં શ્રદ્ધા કહે છે, ‘મેં મારી મમ્મીને કહ્યું કે મારે પાછું નથી જવું.

હું એ દુનિયા નહોતી સમજી શકતી કેમ કે મેં ક્યારેય પણ સેટ પર અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે પણ કામ નહોતું કર્યું. હું ત્યારે માત્ર ૨૦ કે ૨૧ વર્ષની હતી.’

લોકો હંમેશાં સારા નથી હોતા. એમ જણાવતાં શ્રદ્ધા કહે છે, ‘તમે ‘કંઈક’ હો તો અચાનક જ તમારા સાથે જુદી રીતે વાત કરે છે અને તમે ‘કંઈ ન હો’ એ ખબર પડે એટલે બીજી રીતે ટ્રીટ કરે છે. હું આ બધું જોઈ શકતી અને દુઃખ થતું. મને બીજી ફિલ્મ કરતાં પહેલી ફિલ્મ વધુ ચૅલેન્જિંગ લાગી હતી. બીજી ફિલ્મ વખતે હું કૉન્ફિડન્ટ હતી. મને સમજાયું કે કોઈ કંઈ શીખી રહ્યું હોય અથવા પોતાનો રસ્તો શોધવા સ્ટ્રગલ કરતું હોય ત્યારે તેમના સાથે સહાનુભૂતિપૂર્વક વર્તવું.’

શ્રદ્ધા કપૂરની બીજી ફિલ્મ ‘લવ કા ધી એન્ડ’ હતી, જેની હાલત પણ બૉક્સ-ઑફિસ પર ‘તીન પત્તી’ની જેમ સારી નહોતી રહી. શ્રદ્ધાને તેની ત્રીજી ફિલ્મ ‘આશિકી 2’થી સફળતા મળી હતી.

ધૂમ 4માં રણબીરની સાથે દેખાશે શ્રદ્ધા?

ધૂમ 4’માં મુખ્ય ભૂમિકા રણબીર કપૂર ભજવશે એવા સમાચાર થોડા સમય પહેલાં આવેલા. એ સમાચારની હજી પુષ્ટિ નથી થઈ ત્યાં એવી વાત બહાર આવી છે કે આ ફિલ્મમાં રણબીરની સાથે શ્રદ્ધા કપૂર જોવા મળશે. બન્નેએ સાથે ‘તૂ જૂઠી મૈં મક્કાર’માં કામ કરેલું.