જાણો બોલિવૂડ ની અંદરની અવનવી વાત

મર્દાનીના દસ વર્ષ પૂરા થતા તેની ફ્રેન્ચાઈઝી આવશે

યશરાજ ફિલ્મ્સ ટૂંક સમયમાં જ પોતાની એક દશક જુની ફિલ્મ મર્દાનીની ફ્રેન્ચાઇઝી બનાવવા જઇ રહ્યા છે. તેમણે આ ફિલ્મના દસ વર્ષ પૂરા થતાં સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાંમાંથી રાની મુખર્જીના કેટલાક સિન્સ દર્શાવવામાં આવ્યા હતા. જેમાં કેટલાક દમદાર ડાયલોગનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

વીડિયોના અંતે સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યુ છે કે, ટૂંક સમયમાં જ મર્દાની ફ્રેન્ચાઈઝીની ત્રીજી ફિલ્મ પણ લોન્ચ થવાની છે. નોંધનીય છે કે, ફર્સ્ટ મર્દાની ફિલ્મ 22 ઓગસ્ટ 2014ના રોજ રિલીઝ કરવામાં આવી હતી. જેમાં રાની મુખર્જીને મુંબઇ પોલીસ ક્રાઈમ બ્રાચની અધિકારી શિવાની શિવાજી રોય તરીકે દર્શાવાઈ હતી, જે એક નાની છોકરીને બચાવવા જતા આગળ જઇને બાળકોના અવેધ વ્યાપારના કારોબારનો પર્દાફાશ કરે છે. ટૂંકમાં ફરી એકવાર સ્ત્રીપ્રધાન ફિલ્મ લઇને યશરાજ આવી રહ્યા છે. વધુમાં લાંબા સમય પછી રાની મુખર્જી સિને પડદાં પર જોવા મળશે.

ગદર 3 માટે દર્શકોએ હજી ઘણી રાહ જોવી પડશે : અનિલ શર્મા

અનિલ શર્માના નિર્દેશનમાં બનેલી ગદર 2એ બોક્સઓફિસ રેકોર્ડ બ્રેક કર્યા હતા. વર્ષની શરૂઆતમાં જ ગદર 3 બનાવવાની ચર્ચા અનિલ શર્માએ કરી હતી. જે માટે ઘણા લેખકોની ટીમ પણ તૈયાર કરવામાં આવી છે, જે આ વિષય પર મનોમંથન કરીને સ્ટોરીને વધુ અસરદાર બનાવશે. ગદર 3 વિશે વાત કરતાંની સાથે સાથે તેમણે તેમના દીકરા ઉત્કર્ષ શર્માની ફિલ્મ `વનવાસ’ વિશે પણ જણાવ્યું હતું. નોંધનીય છે કે, આ ફિલ્મમાં ઉત્કર્ષ શર્માની સાથે નાના પાટેકર સ્ક્રીન શેર કરી રહ્યા છે. અનિલ શર્માએ આ ફિલ્મને લઇને વધુમાં જણાવ્યું હતું કે, આ ફિલ્મ બનારસના કુંભ મેળાની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ એક ભાવનાત્મક ઈજા અને જીવનની યાત્રા સંબંધિત છે, જે દરેક વ્યક્તિ સાથે જોડાયેલી છે. ગદર 3 હજી શરૂઆતના ચરણમાં છે અને હજી તે વિશે તૈયારીઓ પણ ચાલી રહી છે.

નિતેશ તિવારીએ ફિલ્મ રામાયણમાં રણબીરને જ કેમ પસંદ કર્યો

છેલ્લા કેટલાક સમયથી બોલિવૂડમાં `રામાયણ’ ફિલ્મની જોરશોરથી ચર્ચા ચાલી રહી છે. કારણ કે, આ ફિલ્મમાં રણબીર કપૂરને ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવવાનો મોકો મળ્યો છે. આ ફિલ્મ નિતેષ તિવારીના નિર્દેશનમાં તૈયાર થઇ રહી છે. જોકે, હજી સુધી આ ફિલ્મની જાહેરાત કરવામાં આવી નથી. પણ, એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મ ચોક્કસપણે બની રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે. આ ફિલ્મમાં રામની ભૂમિકા માટે રણબીર કપૂર તેમજ માતા સીતાની ભૂમિકા માટે સાઇ પલ્લવીની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ડાયરેક્ટર મુકેશ છાબડાને પૂછવામાં આવ્યું હતું કે, ભગવાન શ્રી રામની પસંદગી માટે રણબીર કપૂરની જ પસંદગી શા માટે કરવામાં આવી? જેના જવાબમાં તેમણે જણાવ્યુ હતું કે, રણબીર કપૂરના ચહેરા પર શાંતિ દેખાય છે જે ફિલ્મ માટે ખાસ જરૂરી છે. નિતેશ તિવારીએ પણ આ વિશે પહેલેથી જ વિચારી રાખ્યું હતું. નિતેશના જણાવ્યા પ્રમાણે ફિલ્મ જોયા પછી દર્શકો જાણી શકશે કે કેમ રણબીરને જ ભગવાન શ્રી રામની ભૂમિકા ભજવવા માટે પસંદગી કરવામાં આવી.

ફિલ્મ `કાંતારા 2’ના ચોથા શેડ્યૂલ માટે ઋષભ શેટ્ટી તૈયાર

ખૂબજ નાના બજેટમાં અધધ કમાણી કરતી ફિલ્મ `કાંતારા’નો બીજો ભાગ થોડા સમયમાં રિલીઝ કરવામાં આવશે. નોંધનીય છે કે `કાંતારા’ ફિલ્મને નેશનલ એવોર્ડ પણ મળ્યો હતો. `કાંતારા’ આટલી મોટી હિટ જશે તેનો ખ્યાલ ઋષભ શેટ્ટીને પણ નહોતો. ફિલ્મ સુપર ડુપર હિટ થયા બાદ ઋષભે તેનો ભાગ 2 બનાવવાની જાહેરત કરી હતી અને હાલમાં `કાંતારા-2’નું ચોથા ભાગનુ શેડ્યૂલ પણ તૈયાર થવા આવી રહ્યું છે. મૂળ આ ફિલ્મ કાંતારાની પ્રિક્વલ છે અને ભારતભરના સિનેલવર્સ આ ફિલ્મ માટે કાગડોળે રાહ જોઇ રહ્યા છે. કાંતારા-2 ટીમ ઓગસ્ટ-સપ્ટેમ્બર સુધીમાં પોતાના ચોથા શેડ્યૂલના શૂટિંગની તૈયારી કરવાની છે. જેમાં ભરપૂર એક્શન સમાવવામાં આવશે. ફિલ્મ મેકર્સે આ માટેની તમામ તૈયારીઓ કરી રાખી છે. નોંધનીય છે કે આ ફિલ્મનુ બજેટ 100 કરોડ રૂપિયા સુધીનુ છે. કાંતારા ફિલ્મમાં નિર્દેશક, લેખક અને એકટર તરીકે ઋષભ શેટ્ટીએ પ્રશંસનીય ભૂમિકા ભજવી હતી. કાંતારા ફિલ્મે ઈન્ટરનેશનલ રેકોર્ડ પણ બનાવેલ છે. આ ફિલ્મ સ્વિટજરલેન્ડના જિનેવામાં સંયુક્ત રાષ્ટ્રના કાર્યલયમાં પ્રદર્શિત થવાનું બહુમાન પણ મેળવેલ છે.

`વૉર 2’ના શૂટિંગમાં ફેરફાર થતા જૂનિયર એનટીઆર વેકેશનમાં મસ્ત

સાઉથ સુપર સ્ટાર જૂનિયર એનટીઆરનો અલાયદો ચાહક વર્ગ છે. જૂનિયર એનટીઆરે ફિલ્મ ઈન્ડસ્ટ્રીને ઘણી હીટ ફિલ્મો આપી છે વધુમાં તેની આરઆરઆર સુપર ડુપર હિટ જતા બોલિવૂડમાં પણ તેની બોલબાલા વધી ગઇ છે. જેમાં `વોર 2’નો સમાવેશ થાય છે. જૂનિયર એનટીઆર રિતિક રોશન સાથે `વૉર 2’માં સ્ક્રિન શેર કરવાનો છે. જે માટે રિતિક અને જૂનિયર એનટીઆરના ફેન્સ આ ફિલ્મની કાગડોળે રાહ જોઇ રહ્યા છે. જોકે, હાલમાં આ ફિલ્મના શૂટિંગ થોડું પાછું ધકેલાતા જૂનિયર એનટીઆર મોકાનો ફાયદો ઉપાડીને વિદેશમાં વેકેશન માણવા ચાલ્યો ગયો છે. જેને તે મીની વેકેશન તરીકે ઓળખાવે છે. આ ફિલ્મમાં રિતિક અને એનટીઆરની સાથે કિયારા આડવાણી પણ છે. કિયારા આડવાણી આ ફિલ્મમાં જબરદસ્ત એક્શન કરવાની છે. રિતિક રોશન અને કિયારા આડવાણી એ પોતાની એન્ટ્રી સીન્સનું શૂટીંગ શેડ્યૂલ પુરુ કરી દિધુ છે. ઉલ્લેખનીય છે કે, વાઇઆરએફ દ્વારા બનાવવામાં આવેલી સ્પાઇ ફિલ્મોમાં આ છઠ્ઠી ફિલ્મ છે.

લોર્ડ બોબીના બંને દિકરા બોલિવૂડમાં આવવા ઉત્સુક

બોલિવૂડમાં બોબી દેઓલને હવે લોર્ડ બોબી જેવા હુલામણા નામે સંબોધવામાં આવે છે. વધુમાં જ્યારથી તેની ફિલ્મ `એનિમલ’ હિટ ગઇ છે ત્યારથી તેની માત્ર બોલિવૂડમાં જ નહીં પરંતુ સાઉથની ફિલ્મો માટે પણ વિશેષ બોલબાલા વધી ગઇ છે. હાલમાં બોબી પાસે અધધ ફિલ્મી પ્રોજેક્ટ્સ છે. લોર્ડ બોબીના ફેન્સ તેની આવનારી સાઉથની ફિલ્મ `કંગુવા’ માટે કાગડોળે રાહ જોઇ રહ્યા છે. થોડા દિવસો પહેલાં જ એક ઈન્ટરવ્યૂમાં તેણે પોતાના દિકરા આર્યમન અને ઘરમ વિશે જણાવ્યુ હતું. તેણે જણાવ્યુ હતું કે મારા બંને દિકરા બોલિવૂડમાં આવવા માટે ઉત્સુક છે. તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કરિયર બનાવવા માટેની જોરશોરથી તૈયારી પણ કરી રહ્યા છે. હું ઘણીવાર તેમની સાથે ફિલ્મોની કેટલીક બાબતોની છણાવટ પણ કરું છું અને ફિલ્મોમાં કંઇ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું તે માટે પણ સલાહ સૂચનો આપતો રહું છું. હું હંમેશા તેમને કહું છું કે આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવું જોઇએ. બોબીએ પોતાની વાતના અંતે એમ પણ કહ્યું હતું કે, મારા બંને દિકરાઓ ખૂબજ સારી રીતે હિન્દી બોલે છે જેનો મને ગર્વ છે.