બોક્સઓફિસ હિટ જોનર કોમેડી હોરરની બ્લોકબસ્ટર હેટ્રિક

  • આ વરસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમાં સ્ત્રી 2નું નામ આવી ગયું છે. એટલુ જ નહીં ખાન બ્રિગેડની 300 કરોડ ક્લબમાં પ્રવેશનારી આ ફિલ્મ બની છે

2024ના ઓગસ્ટ મહિનાના છેલ્લા શુક્રવારે બોક્સઓફિસ પર બિગ બજેટ, બિગ સ્ટાર ફિલ્મ રજુ થવાની નથી પણ ફિલ્મ સ્ત્રી 2ની ટંકશાળ રનિંગ સક્સેસફુલી છે. આ વરસની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મમાં સ્ત્રી 2નું નામ આવી ગયું છે.

એટલુ જ નહીં ખાન બ્રિગેડની 300 કરોડ ક્લબમાં પ્રવેશનારી આ ફિલ્મ બની છે. 2024ના વરસમાં સ્ત્રી 2ની સફળતા એક નવી કેડી કંડારનારી સાબિત થઈ છે. જો કે આ વરસે હિન્દી ફિલ્મોની વાત કરીએ તો દર્શકોએ સુપરનેચરલ, હોરર, હોરર કોમેડી ફિલ્મોને વધુ પસંદ કરી છે. આ વરસના આઠ મહિનામાં બોક્સઓફિસ પર સૌથી વધુ વકરો કરનારી દસ ફિલ્મોમાંથી ત્રણ ફિલ્મો હોરર જેનરની છે. એમા વળી બે ફિલ્મો તો દિનેશ વિજનની સુપરનેચરલ યુનિવર્સલ બ્રાન્ડની છે.

અજય દેવગનની આ વરસે કુલ ત્રણ ફિલ્મો આવી. મૈદાન, ઔરો મે કહા દમ થા અને શૈતાન. મૈદાન ક્રિટિકલી રીતે સૌએ વખાણી પણ નિર્માતાની તિજોરી ખાલી કરનારી ફિલ્મમાં આ ફિલ્મનું નામ લખાણું. અજયની બાયોપિક સ્પોર્ટ્સ ડ્રામા મૈદાન ફ્લોપ રહી. અ વેન્સડે, બેબી, સ્પેશિયલ છબ્બીસ, એમ એસ ધોની જેવી ફિલ્મોના ક્રિએટર નીરજ પાંડ઼ેની અજય દેવગન સાથેની ઔરો મેં કહા દમ થા ફિલ્મને દર્શકોએ નકારી કાઢી હતી. નીરજની ફિલ્મ તો 2024ની હતી પણ તેનો ઢાળ 80ના દાયકાની ફિલ્મ જેવો હતો. અજય માટે આ ફિલ્મ મોસ્ટ ડિઝાસ્ટર લિસ્ટમાં આવી ગઈ. આ બંને અજયના મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણી શકાય. તેમાં સફળતા ન મળી પણ અજયને શૈતાન ફિલ્મમાં મળી. શૈતાન મુળ ગુજરાતી ફિલ્મ વશની રિમેક હતી. આ ફિલ્મ અજય માટે લકી સાબિત થઈ અને ઓછા બજેટમાં બમ્પર કમાણી કરનારી નીવડી. ફિલ્મનું દિગ્દર્શન વિકાસ બહલે કર્યું હતુ. ગુજરાતી અભિનેત્રી જાનકી બોડીવાલાને આ ફિલ્મથી હિન્દી સિલ્વર સ્ક્રીન પર ડેબ્યુ કરવા મળ્યું હતું. શૈતાન સુપરનેચરલ હોરર ફિલ્મ હતી. આર માધવન, જ્યોતિકા સહિતના કલાકારો હતા. 60 કરોડના બજેટ સામે આ ફિલ્મના નામે 215 કરોડનો વકરો નોંધાયો હતો. અજયની આ ફિલ્મ 2024ની બ્લોકબસ્ટર ટેગ સાથે હિટ રહી હતી. રિતિક રોશનની બિગ બજેટ ફાઈટરના નામે વકરો સારો એવો નોંધાયો હતો પણ બજેટની તુલનાએ મોસ્ટ પ્રોફિટેબલ ફિલ્મ શૈતાન સાબિત થઈ. હા, યામી ગૌતમ અને પ્રિયામણીની આર્ટિકલ 370 સરપ્રાઈઝ હિટ સાબિત થઈ હતી.

સૌથી મોટુ સરપ્રાઈઝ મુંજ્યા ફિલ્મને કહી શકાય. યશરાજ બેનરથી હિન્દી સિનેમામાં એન્ટ્રી લેનાર શરવરી વાઘની ફિલ્મોગ્રાફીમાં પહેલી ફિલ્મનું નામ બન્ટી ઔર બબલી2 છે. આ ફિલ્મને સફળતા ન્હોતી મળી. શરવરીની એન્ટ્રી સાથે જ એક્ઝિટ થઈ ગઈ એમ મનાતુ હતુ. 2021 પછી શરવરીની 2024માં એકસાથે ત્રણ ફિલ્મો આવી. આ ત્રણેય ફિલ્મોમાં તેના નામ અને કામની કદર થઈ. શરવરીની બીજી ફિલ્મ એટલે મુંજ્યા. ત્યારપછી મહારાજ અને છેલ્લે વેદા ફિલ્મ આવી. મહારાજ ઓટીટી ફિલ્મ હતી. સિલ્વર સ્ક્રીન પર વેદાની ટક્કર સ્ત્રી2 સાથે હતી અને સ્ત્રી2ના વંટોળમાં આ ફિલ્મ ખોવાઈ ગઈ. મુંજ્યા કોમેડી હોરર ફિલ્મ હતી. આ ફિલ્મમાં શરવરી સાથે અભય વર્મા લીડ રોલમાં હતાં. અભયનો ફેસ પણ પોસ્ટર ફેસ હજુ બન્યો ન હતો. સુપર 30 અને એ મેરે વતન જેવી ફિલ્મોમાં દેખા દેખી હતી. શરવરી અને અભય વર્માના દમ પર મુંજ્યા સૌથી વધુ નફો રળનારી ફિલ્મ બની. 30 કરોડના બજેટ સામે 132 કરોડથી વધુ બોક્સઓફિસ ક્લેકશન કરનારી મુંજ્યા સુપરનેચરલ યુનિવર્સ ફિલ્મોનો ભાગ હતી. મુંજ્યાની સફળતાએ નિર્માતા દિનેશ વિજનને આ યુનિવર્સ ફિલ્મોની સીરીઝમાં આગળ વધવાનો પાનો ચડાવી દીધો. સ્ત્રી, રૂહી, ભેડિયા અને મુંજ્યા આ યુનિવર્સની ફિલ્મો છે.

આ સુપરનેચરલ યુનિવર્સની જે ફિલ્મ સાથે શરૂઆત થઈ હતી એ સ્ત્રીનો પાર્ટ 2 તાજેતરમાં જ રીલિઝ થયો. સ્ત્રી 2નું બોક્સઓફિસ ક્લેકશન બિગ સ્ટાર, બિગ બ્રાન્ડ, બિગ બેનરને ઝાંખુ પાડી દે તેવું છે. આ લખાય છે ત્યારે વિશ્વભરમાં સ્ત્રી 2ના નામે 450થી વધુનો બોક્સઓફિસ રેકોર્ડ નોંધાઇ ગયો છે. આ વીક બોક્સઓફિસ પર કોઈ મોટી ફિલ્મ રીલિઝ થવાની નથી અને સપ્ટેમ્બરના ફર્સ્ટ ફ્રાઈડે કંગના રનૌતની ઈમરજન્સી રજુ થવાની છે. કંગનાની ઈમરજન્સી કેવો દમ દાખવે છે એ તેનું રિપોર્ટ કાર્ડ દર્શકો બતાવશે પણ શ્રદ્ધા કપૂર, રાજકુમાર રાવની સ્ત્રી 2નો બોક્સઓફિસ પર ટોપ ચાર્ટમાં હિટ સાબિત થઈ છે. શ્રદ્ધા, રાજકુમાર સાથે પંકજ ત્રિપાઠી, અભિષેક બેનર્જી અને પરિક્ષિત ખુરાના છે. આ ફિલ્મની પબ્લિસિટીમાં તમન્ના ભાટિયાનું આઈટમ સોંગ સોશ્યલ મીડિયામાં બ્લોકબસ્ટર હિટ રહ્યું. તેનો સીધો ફાયદો ફિલ્મને થયો હતો. સ્ત્રી 2 કોઈ ગ્રેટ ક્લાસિક હોરર ફિલ્મ નથી પણ માસ એન્ટરટેઈનમેન્ટ કેટેગરીમાં આ ફિલ્મને જબ્બર સફળતા મળી છે.