લગ્નની બીજી વર્ષગાંઠે જેનિફર લોપેઝ ડિવાર્સની અરજી આપી
હોલિવૂડ ટોપ સિંગર્સ પૈકીની એક જેનિફર લોપેઝ છેલ્લા કેટલાક સમયથી પોતાના ડિવોર્સને લઇને ટોક ઓફ ઘ ઈન્ડસ્ટ્રી બની છે. જોકે, હવે તે પોતાના લગ્નના બે વર્ષ બાદ ડિવોર્સ લેવા જઇ રહી છે. એક મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે ગત સપ્તાહે જેનિફર લોપેઝે એલએ કાઉન્ટી સુપીરિયર કોર્ટમાં ડિવોર્સ માટેની અરજી દાખલ કરી છે.
જેમાં જેનિફર અને તેનો હસબન્ડ બેન અફ્લેક 26 એપ્રિલના રોજ કાયદાકીય રીતે અલગ થઇ જશે. નોંધનીય છે કે, જેનિફર અને બેન અફ્લેકની જોડીને લોકો ખૂબ જ પસંદ કરતા હતા. અલબત્ત. હોલિવૂડના બેસ્ટ કપલ તરીકે પણ બંનેનું નામ પહેલી હરોળમાં આવતું હતું. આ બંને જણાએ વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. આશ્ચર્યની વાત એ છે કે, જેનિફર અને બેન એફ્લેક બે-બે વાર લગ્ન કરી ચૂક્યા છે એ પણ એક જ વર્ષમાં સતત બીજા મહિનામાં જ! તેમણે પહેલા લગ્ન જુલાઇ 2022માં લાસ વેગાસમાં કર્યા હતા. ત્યારબાદ બંને જણાએ ઓગસ્ટ 2022માં જોર્જિયામાં લગ્ન કર્યા હતા. હવે જ્યારે બંને જણા અલગ થઇ રહ્યા છે તે માટે તેમના ફેન્સ અનેક તર્ક વિતર્ક લગાવી રહ્યા છે.
નિક અને પ્રિયંકાનો `ફોરએવર ડેટ’નો વીડિયો વાઇરલ
ઈન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા અને નિક જોનસનો અલાયદો ચાહકવર્ગ છે. પ્રિયંકા ચોપરાની ગણના ગ્લોબલ સ્ટાર તરીકે થાય છે, જ્યારે નિકનું નામ મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં આદરથી લેવાય છે. આ બંને જણા છાસવારે સોશિયલ મીડિયામાં છવાયેલા જોવા મળે છે. થોડા દિવસ પહેલાજ પ્રિયંકા ચોપરાએ તેનો અને નિક જોનસ સાથેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને સાથેસાથે કેપ્શનમાં `ફોરએવર ડેટ’ લખ્યું હતું જે જબરદસ્ત વાઇરલ થયું હતું. આ વીડિયોમાં પ્રિયંકા તસ્વીરો માટે પોઝ આપતી દેખાય છે જ્યારે નિક તેના માટે સુંદર રીતે વીડિયો બનાવી રહ્યો છે. ત્યારબાદ કપલ એકબીજાને કિસ કરતા પણ નજરે પડે છે અને ખુશીની પળોને પોતાના કેમેરામાં કંડારે છે.
હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યો છે. પ્રિયકાં ચોપરા પાસે હજી ઘણા પ્રોજેક્ટ છે જેમાં `ધ બ્લફ’ અને જોન સીના તેમજ ઇદરિસ એલ્બાની સાથેનો `હેડ્સ ઓફ સ્ટેટ’નો સમાવેશ થાય છે. તો બીજી તરફ નિક રોબર્ટ શ્વાર્ટજમેન દ્વારા નિર્દેશિત કોમેડી-ડ્રામાવાળી ફિલ્મ `ધ ગુડ હાફ’માં જોવા મળવાનો છે.
ફિલ્મ `ફ્રોઝન 3 અને હોપર્સ’ વર્ષ 2026-27માં સિનેમાઘરોમાં રિલીઝ થશે
એનિમેશન લવર્સ માટે ખુશીના સમાચાર છે કે, થેંક્સગિવિંગ પહેલા જ ફિલ્મ `ફ્રોઝન 3′ રિલીઝ કરી દેવામાં આવશે.સાથેસાથે પિક્સરની ફિલ્મ `હોપર્સ’ પણ ટૂંક સમયમાં જ રિલીઝ કરી દેવામાં આવશે. નોંધનીય છે કે, વોલ્ટ ડિઝ્નીના ડી23માં `ફ્રોઝન 3’ની ઝલક પણ દેખાડવામાં આવી હતી. ત્યારબાદ થોડા દિવસમાંજ નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ ડેટની પણ જાહેરાત કરી દીધી હતી. `ફ્રોઝન 3′ એટલેકે થ્રીક્વલ 24 નવેમ્બર વર્ષ 2027ના રોજ દુનિયાભરના સિનેમાઘરમાં રિલીઝ કરવામાં આવશે. વધુમાં હજી ફ્રોઝન 4 પર પણ કામ ચાલુ કરી દેવામાં આવ્યુ છે. અલબત્ત, એનિમેશન લવર્સ માટે ખુશીના સમાચાર છે. નોંધનીય છે કે, ફર્સ્ટ ફ્રોઝન ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2019માં ફ્રોઝન 2 રિલીઝ કરવામાં આવી હતી. આ બંને ફિલ્મોએ બોક્સ ઓફિસ બ્રેક કરી હતી. બીજી તરફ પિક્સરની ફિલ્મ `હોપર્સ’ની રિલીઝ ડેટ સામે આવી ગઇ છે. `હોપર્સ’ ફિલ્મ 6 માર્ચ, વર્ષ 2026ના રોજ દુનિયાભરના સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મમાં જોન હેમ અને બોબી મોયનિહાને પોતાનો અવાજ આપ્યો છે.