‘સ્ત્રી 2’એ ત્રીજા શનિવારે ઐતિહાસિક કલેક્શન કર્યું, ફિલ્મ 500 કરોડની નજીક પહોંચી

શ્રદ્ધા કપૂરની હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ બોક્સ ઓફિસ પર અટકવાના કોઈ સંકેત દેખાઈ રહી નથી. 15 ઓગસ્ટે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવનારી આ ફિલ્મને રિલીઝ થયાને 18 દિવસ થઈ ગયા છે, પરંતુ સિનેમાઘરોમાં તેનો દબદબો હજુ પણ જોવા મળી રહ્યો છે. આ ફિલ્મ દરરોજ કરોડોની કમાણી કરી રહી છે અને કોઈને કોઈ રેકોર્ડ બનાવી રહી છે.

તેના ત્રીજા શનિવારના કલેક્શન સાથે, ‘સ્ત્રી 2’ એ નવો રેકોર્ડ બનાવ્યો છે.

‘સ્ત્રી 2’ના પ્રોડક્શન હાઉસ મેડોક ફિલ્મ્સ અનુસાર, ફિલ્મે 15 દિવસમાં ઘરેલુ બોક્સ ઓફિસ પર કુલ 453.60 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. Sacknilk અનુસાર, ફિલ્મે 16મા દિવસે 8.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી અને હવે 17મા દિવસના આંકડા પણ સામે આવ્યા છે. ‘સ્ત્રી 2’ એ ત્રીજા શનિવારે 16 કરોડ રૂપિયાની જોરદાર કમાણી કરી છે.

ફિલ્મ 500 કરોડના ક્લબની નજીક પહોંચી
‘સ્ત્રી 2’ના કુલ કલેક્શનની વાત કરીએ તો, ફિલ્મે ભારતમાં અત્યાર સુધીમાં કુલ રૂપિયા 478.10 કરોડનો બિઝનેસ કર્યો છે અને આ સાથે જ ફિલ્મ હવે રૂપિયા 500 કરોડના ક્લબમાં પ્રવેશવાની ખૂબ નજીક પહોંચી ગઈ છે.

ત્રીજા શનિવારે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની
શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ એ ત્રીજા શનિવારે બોક્સ ઓફિસ પર 16 કરોડ રૂપિયાનું કલેક્શન કરીને ઈતિહાસ રચ્યો છે. ‘સ્ત્રી 2’ હવે ત્રીજા શનિવારે સૌથી વધુ કમાણી કરનાર હિન્દી ફિલ્મોની યાદીમાં ટોચ પર છે.

વર્લ્ડ વાઇડ કલેક્શન
અમર કૌશિક દ્વારા નિર્દેશિત ‘સ્ત્રી 2’ પણ વિશ્વભરમાં ઘણી કમાણી કરી રહી છે. 15 દિવસમાં જ આ ફિલ્મ વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર રૂપિયા 600 કરોડના ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. હવે ‘સ્ત્રી 2’એ પણ 650 કરોડનો આંકડો પાર કરી લીધો છે.