કલકત્તામાં ટ્રેઇની ડૉક્ટર સાથે જે અમાનવીય ઘટના બની છે એ જોતાં શ્રેયા ઘોષાલે તેની આ મહિને યોજાનારી કૉન્સર્ટ પોસ્ટપોન કરી છે. એ ઘટનાને લઈને તેણે મહિલાઓની સલામતી પર ચિંતા વ્યક્ત કરી છે. આર.જી. કર હૉસ્પિટલમાં બનેલી આ ઘટનાથી દેશભરમાં વિરોધ-પ્રદર્શન થઈ રહ્યાં છે. કૉન્સર્ટ પોસ્ટપોન કરવાની વાત તેણે ઇન્સ્ટાગ્રામ પર એક નોટ શૅર કરીને જણાવી હતી.
એમાં શ્રેયાએ લખ્યું છે કે ‘કલકત્તામાં થયેલી કરપીણ અને અમાનવીય ઘટનાથી મને ખૂબ આઘાત લાગ્યો છે. તેની સાથે જે નિર્દયતા થઈ છે એ વિચારમાત્રથી જ કંપી જવાય છે. ભારે હૃદય અને દુખી થઈને મેં અને મારા પ્રમોટર્સે ‘શ્રેયા ઘોષાલ લાઇવ, ઑલ હાર્ટ્સ ટૂર ઇશ્ક FM ગ્રૅન્ડ કૉન્સર્ટ’ પોસ્ટપોન કરવાનો ફેંસલો કરી લીધો છે. એ શો ૧૪ સપ્ટેમ્બરે થવાનો હતો અને હવે એ ઑક્ટોબરમાં યોજાશે.
આ કૉન્સર્ટ માટે અમે બધા ખૂબ ઉત્સુક હતાં, પરંતુ અમારે આ નિર્ણય લેવો અને એકતા દેખાડવી જરૂરી હતી. હું ન માત્ર આપણા દેશ માટે, પરંતુ વિશ્વભરની મહિલાઓની સલામતી અને સન્માન માટે પ્રાર્થના કરું છું. આશા છે કે મારા ફ્રેન્ડ્સ અને ફૅન્સ કૉન્સર્ટને પોસ્ટપોન કરવાના અમારા આ નિર્ણયનો સ્વીકાર કરશે. અમારા બૅન્ડ અને અમને સપોર્ટ કરો, કેમ કે અમે માનવજાતના રાક્ષસ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. હું સૌને વિનંતી કરું છું કે નવી તારીખની જાહેરાત કરીએ ત્યાં સુધી ધીરજ રાખજો. તમારી હાલની ટિકિટ એ નવી તારીખના શો માટે વૅલિડ ગણાશે. તમને સૌને જોવા માટે અમે આતુર છીએ.’