કંગનાની ફિલ્મ ઇમર્જન્સીની રિલીઝ ટળી ગઈ: સેન્સર બોર્ડથી સર્ટિફિકેટ મળ્યું નથી

કંગના રનૌતની વિવાદાસ્પદ ફિલ્મ ‘ઇમર્જન્સી’ની રિલીઝ ટળી ગઈ છે, કારણ કે આ ફિલ્મને હજી સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ મળ્યું નથી. કંગનાએ આ પહેલાં જ જણાવ્યું હતું કે સેન્સર બોર્ડના સભ્યોને થોડા દિવસોથી ધમકીઓ મળી રહી છે.

આ ફિલ્મમાં કંગના રનૌત ભૂતપૂર્વ વડાં પ્રધાન દિવંગત ઇન્દિરા ગાંઘીની ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મનું ડિરેક્શન પણ તેણે કર્યું છે.

ફિલ્મની રિલીઝ પોસ્ટપોન કરવામાં આવી એ પહેલાં એક વિડિયો-મેસેજમાં કંગનાએ જણાવ્યું હતું કે ‘એવી અફવાઓ ચાલી રહી છે કે અમારી ફિલ્મ ‘ઇમર્જન્સી’ને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે, પણ આ સાચું નથી. હકીકતમાં અમારી ફિલ્મને ક્લિયર કરી દેવામાં આવી છે, પણ સર્ટિફિકેશન આપવાની પ્રક્રિયા અટકાવી દેવામાં આવી છે, કારણ કે મોતની ધમકીઓ આપવામાં આવી રહી છે. સેન્સર બોર્ડના સભ્યોને ધમકીઓ મળી રહી છે. અમને ઇન્દિરા ગાંધીની હત્યા કેવી રીતે થઈ એ નહીં દર્શાવવા પ્રેશર આપવામાં આવી રહ્યું છે. જરનૈલ સિંહ ભિંડરાં વાલે નહીં બતાવવા કે પંજાબ રમખાણો પણ નહીં બતાવવા કહેવામાં આવ્યું છે. મને એ ખબર પડતી નથી કે એ પછી ફિલ્મમાં શું બચશે? મારા માટે આ માન્યામાં ન આવે એવું છે, દેશમાં જે થઈ રહ્યું છે એનાથી મને ખૂબ પીડા થઈ રહી છે.’

આ ફિલ્મને લગતો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે એનું ટ્રેલર રિલીઝ થયું હતું. એમાં સિખ અલગાવવાદી નેતા અને અલગ ખાલિસ્તાનની માગણી કરનારા જરનૈલ સિંહ ભિંદરાં વાલેને એવું કહેતાં દર્શાવવામાં આવ્યો છે કે અલગ સિખ દેશના બદલામાં તે ઇન્દિરા ગાંધીની પાર્ટીને મત અપાવવામાં મદદ કરશે. આને પગલે શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક કમિટીના દિલ્હી યુનિટે સેન્સર બોર્ડને નોટિસ મોકલી હતી અને ફિલ્મમાં જે રીતે સિખોને દર્શાવવામાં આવ્યા છે એ મુદ્દે ફિલ્મની રિલીઝને અટકાવવાની માગણી કરવામાં આવી હતી. આ ટ્રેલરથી અકાલ તખ્ત જેવી સર્વોચ્ચ સિખ સંસ્થાએ તીવ્ર પ્રતિક્રિયા આપી હતી.

દરમ્યાન ઍડિશનલ સૉલિસિટર જનરલ સત્યપાલ જૈને પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટને શનિવારે જાણકારી આપી હતી કે સેન્સર બોર્ડ સિખ સમાજ સહિત તમામ સમાજની ભાવનાનું ધ્યાન રાખશે. કોર્ટ મોહાલીના એક રહેવાસીની અરજી પર આ કેસની સુનાવણી કરી રહી છે. આ ફિલ્મ ૬ સપ્ટેમ્બરે રિલીઝ થવાની હતી. સેન્સર બોર્ડનાં સૂત્રો જણાવે છે કે ફિલ્મને સર્ટિફિકેટ આપતાં હજી વધારે સમય લાગી શકે છે.